‘મારી દીકરીના હત્યારાને આકરામાં આકરી સજા કરો’ : હીનાના પિતાનું દર્દ

| Updated: October 11, 2021 4:26 pm

શિવાંશ પ્રકરણમાં એક પછી એક વળાંક આવતા જાય છે. ગાંધીનગરથી નિરાધાર મળી આવેલા બાળકની માતા હીના (ઉર્ફ મહેંદી)નો મૃતદેહ આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ આ મૃતદેહ મહેંદીના પિતા મહેબૂબ પેથાણીને સોંપવામાં આવશે. મહેબૂબ પેથાણી પણ સવારે હોસ્પિટલે પહોંચ્યા હતા. 

હીનાના પિતાએ તેમની દીકરીના હત્યારા સચિનને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ તેમને મૃતદેહ સોંપશે ત્યાર બાદ તેઓ દફનવિધિ માટે અમદાવાદ જશે. તેઓ કહે છે કે, “હું 3 દિવસથી હું પરેશાન છું. માનસિક રીતે ખોવાઇ ગયો છું. પોલીસને હું સલામ કરું છું કે તેઓ આ કેસનો નિકાલ જલદી લાવ્યા છે. શિવાંશને અપનાવવા માટે માત્ર હું નહીં પણ 400 લોકો તૈયાર છે. મારી પુત્રીની હત્યા કરનારને આકરી સજા મળે એવા પ્રયાસ થવા જોઇએ. હું મેજિસ્ટ્રેટ નથી, હત્યારાને ભગવાન સજા આપશે. પોલીસે સારામાં સારી કાર્યવાહી કરવી જોઇએ. મેં 3 દિવસથી કંઇ ખાધુંપીધું નથી.”

બાપોદ પોલીસ સ્ટેશન પીઆઇ વી.જે. જોષીએ જણાવ્યું હતું કે મોત અને હત્યાનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે.

સચિન અને હીનાનો પરિચય અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપની પોલારમાં થયો હતો જ્યાં બંને કામ કરતાં હતા. તે બાદ તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને લિવ ઇનમાં રહેતા હતા. તેના 10 મહિના બાદ શિવાંશનો જન્મ થયો હતો. બંને છેલ્લા બે મહિનાથી વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસિસ નામના બિલ્ડિંગમાં ભાડેથી રહેતા હતા. 

ગયા સપ્તાહમાં સચિનને યુપીના ઝાંસી ખાતે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં હીનાએ સચિનના ઝાંસી જવાનો વિરોધ કર્યો હતો.  

8 ઓક્ટોબરે બંને વચ્ચે બાળકની જવાબદારી અંગે ઝઘડો થયો. હીનાએ કહ્યું કે બાળકની જવાબદારી મારી એકલાની નથી. તેનાથી ઉશ્કેરાઈ ગયેલા સચિને હીનાનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેની લાશને સિલિન્ડર મૂકવાના બેગમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ તે શિવાંશને લઈને પોતાના માતાપિતા પાસે ગાંધીનગર આવા નીકળ્યો હતો. બાળકને પેથાપુરની ગૌશાળા આગળ છૂટું મૂકીને તે પરિવારને લઈને યુપી જવા રવાના થઈ ગયો હતો.   

Your email address will not be published. Required fields are marked *