સાઇબર ક્રિમિનલોએ સુરતના મ્યુનિ. કમિશ્નરના નામે કર્યો તોડ

| Updated: May 10, 2022 4:47 pm

સુરતઃ સાઇબર ક્રિમિનલ્સે સુરતના મ્યુનિસિપલ કમિશ્નરને પણ છોડ્યા નથી. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર પણ બંછાનિધિ પાની પણ સાઇબર ક્રિમિનલ્સના સકંજામાં આવી ગયા છે. વાસ્તવમાં આ બનાવ સુરત મ્યુનિસિપલ કમિશ્નરના નામે રૂપિયા ઉઘરાવવાનો અને તેમના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરવામાં આવી તેનો છે.

અજાણ્યા નંબર પરથી સુરતના કેટલાક લોકો પાસે મ્યુનિ કમિશ્નરના નામે પૈસાની માંગ કરવામાં આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. સુરત મનપાના તંત્રને આ પ્રકારની એક કરતાં વધુ ફરિયાદ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. મનપાના તંત્રએ ખુલાસો કરવો પડી રહ્યો છે કે મ્યુનિસિપલ કમિશ્નરના નામે જે નંબર પરથી નાણા માંગવામાં આવી રહ્યા છે તે તેમનો નથી. મનપા તંત્ર પણ આવી રીતે કોઈ નાણા ઉઘરાવતું નથી.

સુરત મ્યુનિસિપલ કમિશ્રરના નામે ફોન આવતા સમગ્ર શહેરમાં ચર્ચા ચાલી હતી. સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીના નામે એક નંબર પરથી લોકોને ફોન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક લોકોને મેસેજ કરવામાં આવ્યા હતા. તેમા કહેવામાં આવતું હતું કે આ નંબર સુરત કમિશ્નર બંછાનિધિ પાનીનો છે અને તેમને પૈસાની જરૂર છે. તેથી પૈસા મોકલવા માટે ડિમાન્ડ કરવામાં આવે છે. કેટલાક લોકોએ આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન દોરતા સુરત મનપાએ પછી આ ખુલાસો કરવાની ફરજ પડી હતી.

પાલિકા કમિશનર કચેરીના અગ્ર રહસ્ય સચિવ તરફથી જે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જે નંબર પરથી કોલ આવ્યો છે તે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો નથી. તેથી આ નંબર પરથી કોઈ પણ પ્રકારના મેસેજ અથવા ફોન આવે તો તો ધ્યાને ન લેવા માટે આદેશ અનુસાર જણાવવામાં આવે છે. સુરતના કેટલાક લોકોને મેસેજ કે, ફોન આવતાં આ અંગેની જાણ મ્યુનિ. તંત્રને કરવામાં આવી છે. પરંતુ આ ફોન કે, મેસેજથી કોઈએ પૈસા આપ્યા છે કે, નહીં તેની કોઈ પ્રકારની માહિતી બહાર આવી નથી. પાલિકા કમિશનરના નામનો ઉપયોગ કરી લોકો પાસે પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે. તેમ છતાં પાલિકા જાહેર ખુલાસો કર્યો છે. પરંતુ હજી સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

કેટલાક મજાક કરતા હતા કે કદાચ સુરત મનપાની સ્થિતિ પણ કમિશ્નર જેવી જ હશે. તેથી કદાચ નાણાની જરૂર સુરતના મ્યુનિસિપલ કમિશ્નરને તો નહી પણ સુરત મનપાને ચોક્કસ પડતી હશે. જો કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સાઇબર ક્રાઇમ્સના બનાવોએ જે રીતે વેગ પકડ્યો છે તે જોતાં આ વાત ચોક્કસપણે ગંભીર કહી શકાય. વાત હવે છેક મ્યુનિસિપલ કમિશ્નર સુધી પણ આવી ગઈ છે. વાસ્તવમાં પોલીસે આ પ્રકારના કિસ્સામાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ, નહી તો આ પ્રકારે સરકારી કે જાણીતા નામોનો ઉપયોગ કરીને લોકોના ખાતા ખાલી કરવાની પ્રક્રિયા સતત વધતી જશે.

Your email address will not be published.