મેવાણીની ધરપકડના વિરોધમાં 1 મેના રોજ ગુજરાતના 1,000 ગામોમાં દલિતો લાઇટ બંધ રાખશે

| Updated: April 28, 2022 10:33 am

ગુજરાતના સ્થાપના દિવસ 1 મેના રોજ અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં 1,000 થી વધુ ગામડાઓમાં દલિત પરિવારો રાત્રે 15 મિનિટ માટે લાઇટ બંધ રાખશે.

ઉલ્લેખનીય છે કે આસામ પોલીસે ગુજરાત પોલીસ સાથે મળીને 20 એપ્રિલની મોડી રાત્રે મેવાણીની ધરપકડ કરી હતી. તેમના પર એક ટ્વિટના આધારે આંતર-ધાર્મિક વિખવાદને ભડકાવવાનો આરોપ છે. તેમના ટ્વિટમાં, તેમણે તાજેતરની કોમી ઘટનાઓને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મૌન અંગે ટીકા કરી હતી.

પીઢ દલિત નેતા માર્ટિન મેકવાને આ કાર્યક્રમની જાહેરાત કરતા, જણાવ્યું હતું કે લગભગ 1,000 ગામડાઓમાં દલિત પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ગુજરાતના મુખ્ય મંત્રીના નામે એક પિટિશન પર હસ્તાક્ષર કરવા માટે એકઠા થશે અને તેમને મેવાણીની મુક્તિ માટે અનુરોધ કરાશે. ઉપરાંત, રાજકીય કારણોસર દલિતો તેમજ અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગનાં લોકો સામે નોંધાયેલા તમામ કેસો માફી આપીને પાછા ખેંચવા માટે પણ અનુરોધ કરાશે.

આ પ્રકારની સામાન્ય માફીની જાહેરાત ભૂતકાળમાં કરવામાં આવી છે, અને તેમાં પાટીદાર અનામત આંદોલનકારીઓનો સમાવેશ થાય છે તેમ આ ગામોમાં દલિત કાર્યકરોને સહી માટે મોકલવામાં આવેલા ડ્રાફ્ટ પત્રમાં જણાવાયું છે. મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલીને આંબેડકર યુનિવર્સિટી કરવા માટે આંદોલન કરનારા લોકોો સામેનાં લગભગ 2,000 જેટલા કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ભીમા કોરેગાંવ આંદોલનમાં ભાગ લેનારાઓ સામેના કેસ પણ પાછા ખેંચવામાં આવ્યા હતા તેમ મેકવાને જણાવ્યું હતું.

મેવાણી સાથેનાં વ્યવહારને અપમાનજનક ગણાવીને ડ્રાફ્ટ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતના દલિત નેતા વિરુદ્ધ આસામ ભાજપના નેતાની ફરિયાદ ભાજપ નેતૃત્વની જાણ વિના કરવામાં આવી હોય તે શક્ય નથી.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ અને જે રીતે આસામ પોલીસે ગુજરાતમાં દલિતનું અપમાન કરવા આવી હતી તે સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. ઉપરાંત, તેમનાં વર્તન બદલ જવાબદાર લોકોએ મેવાણીની માફી માંગવી જોઈએ.

Your email address will not be published.