ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં વાતાવરણ બદલાયું હતું અને કમોસમી વરસાદ ખાબક્યો હતો જો કે, આ કમોસમી વરસાદને પગલે કેરી પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
અમરેલીમાં ગત ગત વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે કેરીઓના બગીચાને સૌથી વધુ નુકસાન થયું હતું. મોટાભાગનો કેરીનો નાશ થઈ ગયો હતો. ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થયું હોવાની આશંકા દેખાઈ રહી છે.ધારી તાલુકાના ઝર, મોરઝર, દલખાણીયા સહિતના ગામોમાં છુટાછવાયા કમોસમી વરસાદના છાંટા પણ ખર્યા છે. જેના કારણે આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે, ખેડૂતોની સાથે સાથે ઇજારદારો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
અમરેલી જીલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના ઉત્પાદન સમયે જ કોઈને કોઈ મુશ્કેલી આવી પડતી હોવાના કારણે ખેડૂતો નિરાશ થઈ ગયા છે. ઝર ગામના અનવરભાઈ લલીયા જણાવી રહ્યા છે કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હવે બીજુ કૈક વિચારવું પડશે.
તો બીજી બાજુ અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠે વીજળીના કડાકા ભડાકા થયા હતા. પરતું વરસાદ ખાબક્યો ન હતો. તો બીજી બાજુ રાજુલા નજીક આવેલા પીપાવાવ નજીક માછીમારી કરી રહેલા 35 વર્ષીય ભરતભાઇ સોલંકી નામના માછીમાર પર વીજળી પડતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.