વેનસ્ડે વાઇબ્સ

| Updated: June 15, 2022 2:08 pm

ઇન્કમ ટેક્સ ઇવેન્ટમાં અંધારાના ઓળા ઉતર્યા

કોઈપણ ઇવેન્ટની સૌથી ચિંતાજનક બાબત હોય તો તે અંધારાના ઓળા ઉતર્યા તેની હોય છે. જો કોઈપણ ઇવેન્ટમાં અંધારું ન છવાય તો તેને સૌથી સફળ ઇવેન્ટ મનાય છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે ગુજરાતના ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જામ પેક ઓડિટોરિયમમાં 600થી વધારે અધિકારીઓની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચીફ ગેસ્ટ તરીકે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ હતા, પીસીસીઆઇટી રવિન્દર કુમાર અને ચીફ સીઆઇટી સતિન્દરસિંઘ રાણાએ લેમ્પ પ્રગટાવ્યો તે વખતે લાઇટ્સ ઓફ કરવામાં આવી.બસ અહીંથી જ ખરો ખેલ શરૂ થયો. હિન્દી ફિલ્મોમાં જોવા મળતા ધાંધલધમાલ જેવા દ્રશ્યો સર્જાયા. અંધારામાં મોબાઇલ ફોનની ટોર્ચ ઝળહળી ઉઠી હતી. સ્વાભાવિક રીતે કાર્યક્રમના વ્યવસ્થાપકો હાંફળાફાંફળા થઈને દોડધામ કરતા જોવા મળ્યા હતા. છેવટે લાઇટ્સ 20 મિનિટ પછી પરત આવી હતી, અમદાવાદના પોલીસ કમિશ્નરે સ્ટેજ પરથી ભાષણ કરવાનું હતુ ત્યારે જ લાઇટ ગઈ હતી. અંધારાની સ્થિતિમાં લોકોમાં કોઈએ જાણીબૂઝીને કંઇક કર્યુ હોવાની લાગણીના લીધે ડરની સ્થિતિ પેદા થઈ હતી. લાઇટ પરત ફરી ત્યારે કમિશ્નર શ્રીવાસ્તર ભાષણ આપી શક્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલ્યો હતો. જો કે લાઇટ્સ ઓફને બાદ કરતા આ સાંસ્કૃતિક કાર્યક્રમ એકદમ શાનદાર રહ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારી આઇપીએલ મેચના સ્ટેડિયમના અમુક ભાગમાં ઘુસવા ન દીધા

શહેરના મોટેરા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તાજેતરમાં ફાઇનલ આઇપીએલ ક્રિકેટ મેચ યોજાઇ હતી. આ મેચ દરમિયાન અનેક લોકો તેને જોવા માટે આવ્યા હતા. અપવાદ રુપ આઇપીએસ અધિકારીને ક્રિકેટ મેચના પાસ ન મળતા તે અન્ય જમણવારમાં ગયા હોવાની વાત છે. ત્યારે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારી આઇપીએલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં તો પહોચી ગયા હતા પરંતુ અમુક ચોક્કસ જગ્યાએ જવા માટે તેઓ પ્રયાસ કર્યો હતો અને તેમને સ્થાનિક સ્ટેડિયમની સિક્યુરિટીએ રોકી લીધા હતા. તેમણે અમદાવાદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી હોવાની જાણ કરી છતાં તેમની પાસે સિક્યુરિટી ગાર્ડે આઇકાર્ડ માગ્યું હતુ આખરે તેમણે અન્ય અધિકારઓ અને હોદ્દેદારોને કોલ કરતા તેમને અંદર જવા દીધા હતા. આમ અમુક આઇપીએસ અધિકારીઓની સ્થિતી પણ આવી જ થઇ હોવાની ચર્ચા છે.

સચિવાલયમાં સ્વચ્છતા અભિયાનની જરૂરિયાત

સરકારના કોઈપણ સત્તાવાર કાર્યની કરોડરજ્જુ હોય તો તે સામાન્ય વહીવટી વિભાગ છે. તેમા પણ રાજ્ય સરકારમાં રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટની ગણતરી સૌથી મહત્વના વિભાગ તરીકે થાય છે તે ભરતી, તાલીમ, કારકિર્દી વિકાસ, સ્ટાફ કલ્યાણ અને અન્ય પોર્ટફોલિયો સંભાળે છે. પણ પોતાની ફરજો બજાવવમાંથી જરા પણ પાછો ન પડતો આ વિભાગ નેચર કોલની વાત આવે છે ત્યારે પાછીપાની કરે છે.

આ વિભાગના દરેક ફ્લોરનું રિનોવેશન થઈ રહ્યુ છે, ત્યારે તેના સ્ટાફે વોશરૂમ ફેસિલિટીઝનો ઉપયોગ કરવા બાજુના વિભાગોમાં જવુ પડી રહ્યો છે. આનાથી અકળાયેલી એક મહિલા સ્ટાફરે આ તકલીફ વર્ણવી હતી. વરિષ્ઠ આઇએએસ ઓફિસર રાજીવ ગુપ્તા અને એડિશનલ ચીફ સેક્રેટરી એકે રાકેશ આ બિલ્ડિંગમાં બેસે છે. તેઓના તો વ્યક્તિગત વોશરૂમ છે. પણ અમારા જેવા મિડલ લેવલ ઓફિસરોએ બીજા વિભાગમાં જવુ પડે છે. આ ઉપરાંત વધુ પડતા ઉપયોગના લીધે આ વોશરૂમ બગડી ગયા છે, તેમા જવા માટે લાંબી લાઇનો લાગવા માંડી છે. આટલું ઓછું હોય તેમ આ વિભાગ પાછો ગાંધીનગરમાં નવા સચિવાલયમાં મુખ્યપ્રધાનની ઓફિસની બિલકુલ સામે છે. સચિવાલયમાં જીએડીનું જ સંચાલન છે. પણ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ તો ઘરેથી જ થવો જોઈએને, સાચુ છે કે નહીં?

ગાંધીનગરની એક એજન્સી બદનામ, નોન કરપ્ટેડ આઇપીએસ અધિકારીના આંખે કોના પાટા


ગાંધીનગરની એક મોટી બિલ્ડીંગમાં અનેક આઇપીએસ ઓફિસરો બેસે છે. આ બિલ્ડીંગમાં એક મહત્વની એજન્સી આવેલી છે આ એજન્સી રાજ્યમાં દારુ – જુગારના અડ્ડા પર રેડ કરવાનું કામ કરે છે. તેમાં પણ મોટા ભાગના અધિકારીઓ એક કરતા વધારે વિસ્તાર પ્રમાણે વહિવટદારો રાખે છે. અમુક અધિકારીઓ જ પોતે જ વહિવટદારો છે તેમ છતાં એજન્સીના નોન કરપ્ટેડ અધિકારીઓના આંખે સેના પાટા બાંધેલા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. તેમના તાબા હેઠળ મોટા ભાગના અધિકારીઓ પાંચ થી છ આંકડામાં કમાણી કરે છે તેમ છતાં આ અધિકારીઓ તેમના પર આંધળો ભરોષો કરે છે કે પછી તેઓ પણ તેમાં આંખઆડાકાન કરી ફાયદો લઇ રહ્યા હોવાની ગુજરાત પોલીસ બેડામાં ચર્ચા છે. આ નોન કરપ્ટેડ અધિકારીના નાક નીચે જ રાજયમાં મોટી ઉઘરાણી થઇ રહી છે તેમ છતાં ગાંધીનગરના ઉચ્ચ આઇપીએસ ઓફિસરો આ અંગે કંઇ બોલી શકતા નથી. એક અધિકારી નોન કરપ્ટેડ હોવાથી વર્ષોથી આ બ્રાંચમાં ચીપકેલા માણસો અને અધિકારીઓ રેડ ન કરે તે માટે મસમોટી મલાઇ ખાય છે તેસામાન્ય પોલીસ સ્ટેશનના વહિવટદાર અને અધિકારીઓ પણ જાણે છે.

Your email address will not be published.