દાઉદના ખાસ બ્લાસ્ટના આરોપી નકલી પાસપોર્ટ પર ભાગ્યા, નકલી પાસપોર્ટમાં ફેરફાર કરવા ભારત આવ્યાને પકડાયા: ATS ડીઆઇજી

| Updated: May 17, 2022 8:48 pm

મુંબઈમાં 1993માં શ્રેણીબદ્ધ 12 બોમ્બ બ્લાસ્ટ થયા હતા

આ બ્લાસ્ટમાં 257 લોકોના મોત, 700થી વધુ લોકો ઘાયલ

મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ અને દાઉદના ખાસ કહેવાતા ચાર આરોપીઓ પકડાયા

એટીએસએ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસની કસ્ટડી મેળવી

મુંબઈમાં વર્ષ 1993માં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ અને દાઉદના એક દમ ખાસ કહેવાતા આરોપીને ગુજરાત એટીએસની ટીમે સરદારનગર પાસેથી ઝડપી પાડ્યા છે. બોલો બ્લાસ્ટના આરોપીઓ નકલી પાસપોર્ટ લઇ ભારતમાંથી ભાગ્યા વિદેશમાં અનેક જગ્યાએ ફર્યા હતા. આખરે નકલી પાસપોર્ટમાં મોડીફીકેશન કરાવવા આવ્યા અને પકડાઇ ગયા હોવાનું એટીએસના ડીઆઇજી દિપેન ભદ્રને જણાવ્યુ હતુ. મહત્વની વાતો એ છે કે, સેન્ટ્રલની એજન્સીઓ આ કેસમાં અંધારામા રહી એરપોર્ટથી તેઓ નકલી પાસપોર્ટ પર આવ્યા અને શહેરના સરદારનગર સુધી પહોચ્યા ત્યા સુધી કોઇને જાણ થઇ ન હતી. આખરે એટીએસને જાણ થતાં બ્લાટના ચાર આરોપીને તેમણે દબોચી લીધા હતા.

12 માર્ચ 1993ના દિવસે મુંબઈમાં શ્રેણીબદ્ધ 12 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 257 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. 27 કરોડથી વધુની સંપત્તિનો નાશ થયો હતો. જેના પગલે મહારાષ્ટ્ર પોલીસ અને બાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 189 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ બાદ નિયુક્ત અદાલતે 2006માં બોમ્બે બ્લાસ્ટમાં 100 લોકોને દોષિત જાહેર કર્યા હતા.

આ કેસમાં એવો ખુલ્લાસો થયો હતો કે, દાઉદ ઈબ્રાહિમ કાસકરની ગેંગ સાથે સાંઠગાંઠ ધરાવતા અલગ અલગ અંડરવર્લ્ડ તત્વો દ્વારા આંતકનો આ ભયાનક કૃત્ય કરવામાં આવ્યું છે તેમજ પાકિસ્તાની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ(આઈએસઆઈ) દ્રારા સક્રિયપણે મદદ અને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ, ફરાર આરોપીને પકડવા માટે ભારતની તમામ એજન્સીઓ સતત પ્રયાસો કરી રહી છે.

આ દરમિયાન ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે મુંબઈ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા અને દાઉદ ઈબ્રાહિમની એક દમ નજીકના કહેવાતા જાવેદ બાશા, સૈયદ અબ્બાસ શરીફ, સૈયદ યાસીન અને મોહમ્મદ યુસુફ ઈસ્માઈલને સરદારનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. બાદમાં આરોપીની પુછપરછ કરતા બનાવટી ભારતીય પાસપોર્ટથી અમદાવાદમાં આવીને નામ બદલીને આ ચારેય વ્યક્તિઓ સરદારનગરમાં રહેતા હતા. એટીએસની ટીમે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસની પોલીસ કસ્ટડી મેળવી સઘન પુછપરછ હાથ ધરી છે.

આ અંગે એટીએસની ડીઆઇજી દિપેન ભદ્રને જણાવ્યુ હતુ કે, આરોપીઓ નકલી પાસપોર્ટ લઇ ભારતથી ભાગ્યા હતા અને પાકિસ્તાના સહીત અનેક જગ્યા પર ફર્યા હતા. આખરે તેઓ આ નકલી પાસપોર્ટમાં સુધારો કરવા માટે ભારત આવી પહોચ્યા હતા. તે દરમિયાન એટીએસએ તેમને પકડી પાડ્યા હતા. જોકે આ પોલીસની થીયરી સામાન્ય લોકોના ગળે તો ન ઉતરી પરંતુ પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બની હતી.

આરોપીના સાચાનામ પુછપરછમાં સામે આવ્યા

સૈયદ અબ્બાસ શરીફ પાસેથી મળી આવેલા પાસપોર્ટમાં સરનામુ તમિલનાડુનુ હતુ. તેનુ સાચુ નામ સૈયદ કુરેશી સામે આવ્યુ હતુ. સૈયદ યાસીનનો પાસપોર્ટ બેંગ્લોરનો હોવાનું સામે આવ્યું હતુ. તેનુ નામ મોહમ્મદ શોએબ કુરેશી હોવાનુ તથા આરોપી ઈસ્માઈલ નૂર મોહમ્મદ મહારાષ્ટ્રના સરનામા પર પાસપોર્ટ બન્યો હતો તેનુ સાચુ નામ મોહમ્મદ યુસુફ ઈસ્માઈલ અને ચૌથો આરોપી જાવેદ બાશાના પાસપોર્ટનુ સરનામુ બેંગ્લોરનુ હતુ અને તેનુ સાચુ નામ અબુ બકર હોવાનુ સામે આવ્યુ હતુ.

પાકિસ્તાનમાં હથિયાર ચલાવવાની અને વિસ્ફોટકોની તાલીમ મેળવી હતી

પકડાયેલા ચારેય આરોપીઓ ગેરકાયદેસર રીતે પાકિસ્તાન ગયા હતા અને તેઓએ દાઉદ ઈબ્રાહિમ અને આઈએસઆઈના ઈશારે હથિયારો ચલાવવાની અને વિસ્ફોટકો અંગેની તાલીમ લીધી હતી. બાદમાં મીડલ ઈસ્ટમાં ગયા હતા અને દાઉદ ઈબ્રાહિમ દ્વારા આયોજિત મીટિંગમાં હાજરી આપી હતી જેમાં દાઉદ ઈબ્રાહિમ દ્વારા તે બધાને શસ્ત્રો અને વિસ્ફોટકોની તાલીમ લેવા માટે પાકિસ્તાન જવાની સૂચના આપવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થાના અધિકારીઓ પાસેથી શસ્ત્રો અને ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈડી)ની બનાવટ તથા ઉપયોગની તાલીમ મેળવીને ભારત આવ્યા હતા.

આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરાશે

બોમ્બ વિસ્ફોટોના થોડા દિવસો બાદ મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા સમુદ્ધમાં શસ્ત્રોના કન્સાઈન્મેન્ટના એક ભાગના નિકાલ કરવામાં પણ ભૂમિકા ભજવી હતી. જો કે પકડાયેલા ચારેય આરોપીઓને મુંબઈ ખાસ ટાડા કોર્ટ દ્રારા ઘોષિત અપરાધી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને ઈન્ટપોલે તેમના નામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. એટીએસએસની ટીમ આરોપીની ધરપકડ કરી બ્લાસ્ટ કેસમાં ભૂમિકા અંગેની પુછપરછ કરી રહી છે જો કે આ બાદમાં ચારેય આરોપીઓની કસ્ટડી સીબીઆઈની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને આપવામાં આવશે. જોકે સરદારનગરમાં રોકાયા અને ત્યા કંઇ પ્રવૃતિ કરી રહ્યા હતા તે અંગે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

એરપોર્ટ સુરક્ષા એજન્સી સહિત સેન્ટ્રલ એજન્સીઓ ઉંઘમાં રહી અને બ્લાસ્ટના આરોપી સરદારનગર પહોચી ગયા

મુંબઇ બ્લાસ્ટના ખુખાર આરોપીઓ ભારતથી નકલી પાસપોર્ટ આધારે ભાગ્યા હતા. બાદમાં તેઓ ભારતમાં નકલી પાસપોર્ટ આધારે પ્રવેશ્યા હતા. તેઓ એરપોર્ટથી આવ્યા છતાં એરપોર્ટની સેન્ટ્રલ એજન્સીઓ આ પાસપોર્ટ નકલી હોવા છતાં તેમને ઓળખી શકવામાં નિષ્ફળ રહી હતી. જોકે આ નકલી પાસપોર્ટમાં ફેરફાર કરવા આવ્યાની બાતમી એટીએસને મળી અને તે પકડાઇ ગયા હતા. આમ સેન્ટ્રલની એજન્સીઓ અને પાસપોર્ટ સ્કેન કરનાર એરપોર્ટની એજન્સીઓ ઉંઘતી ઝડપાઇ હતી.

Your email address will not be published.