મણિનગર પોલીસ તોડકાંડ: 4.50 લાખનો તોડ કરનાર બે પોલીસ કર્મીઓને ડીસીપીએ સસ્પેન્ડ કર્યા

| Updated: May 10, 2022 7:46 pm

વેપારીના ઘરે જઈને તોડ કરનાર મણીનગરના બે પોલીસ કર્મીના વિરુદ્ધમાં વેપારીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. આ મામલે ઝોન-6ના ડીસીપી અશોક મુનિયાને તાપસ સોપાઇ હતી. તેમણે તપાસ દરમિયાન 4.50 લાખ પડાવી લીધા હોવાની શંકા જતાં બંને પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા હતા. શ્રીજી મધના માલિકના ઘરે પોલીસ ગઇ હતી અને ડિસ્ટાફના માણસોને બોલાવી તમે પોલીસની કામગીરીમાં અડચણ કરી અને હુમલો કર્યો હોવાનું કહી 10 લાખની માંગણી કરી હતી. બાદમાં 4.50 લાખ મેળવી વેપારી અને તેના ભાઇને જવા દિધા હતા.

મણીનગરમાં રહેતા શ્રીજી મધના માલિક ગૌરાંગ પટેલના ઘરે 2 મેના રોજ રાતે 8.30 વાગે મણીનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પીયુષ અને કુલદીપ ગયા હતા. તમે બુટલેગર છો, દારૂનો ધંધો કરો છો કહીને તેમના ઘરના રૂમમાં તપાસ શરુ કરી દીધી હતી. દરમિયાન 2 કોન્સ્ટેબલ પૈકી કુલદીપ નામના કોન્સ્ટેબલે પોતાના શર્ટનું બટન જાતે તોડી નાખ્યું અને પોલીસની કામગીરીમાં અડચણ કરો છો તેમ કહીને પીસીઆર વાન બોલાવી હતી. તેમાં ગૌરાંગભાઈ અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને મણિનગર ડી સ્ટાફ ઓફીસ લઇ ગયા હતા. બંને કોન્સ્ટેબલે બે ભાઇને કોઇ કાર્યવાહી કર્યા વગર છોડી દેવા માટે ગૌરાંગભાઈના પિતા પાસે 10 લાખની માંગણી કરી હતી. તેમના ભાઈ ચંદ્રેશભાઈને માર મારવાનું શરુ કર્યું હતું.

‘તમારા બંને છોકરાઓને કેવા ફીટ કરી દવ છું જુઓ અને હાઈકોર્ટમાંથી પણ જામીન નહીં મળે તેવું’ આવી ધમકી આપી હતી. ડરી ગયેલા પિતા સમાધાન કરી લેવા આજીજી કરી હતી. દરમિયાનમાં પોલીસકર્મીઓએ 10 લાખની માંગણી કરી હતી. આખરે એનકેન પ્રકારે સમજાવટ બાદ આખરે 4.50 લાખનો વ્યવહાર થયો હતો.

બાદમાં વેપારીઓ પાસે પોલીસે લખાણ લખાવ્યું હતુ કે, અમે તમારા ઘરે રેડ કરી તેમાં કંઇ મળ્યું નથી અને અમે તેમને કંઇ કર્યું નથી. બાદમાં સહી કરાવી લીધી હતી. આ અંગે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને અરજી કરી હતી. બાદમાં ડીસીપી અશોક મુનિયાને તપાસ કરવાાના આદેશ આપ્યા હતા.

આ અંગે એસીપીએ તપાસ કરતા તેમાં પોલીસ કર્મીઓની ભુમિકા શંકાસ્પદ લાગી હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ઠોસ પુરાવ મળશે તો બંને પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવાની તૈયારી ડીસીપીએ કરી હતી.

Your email address will not be published.