ચાંદખેડા વિસ્તારમાં ઉમાભવનાની રેલવે ફાટક પાસે શુભલક્ષ્મી સોસાયટીના સિફોનમાં રહેતા 11 વર્ષના બાળક અને તેની પડોશમાં રહેતી મહિલાને શનિવારે મોડી સાંજે કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ બંને જમીન પર ઢળી પડ્યા હતા. સ્ટ્રીટ લાઇનના થાભલાને અડીને આવેલા ઘરની જાળીને ખોલવા જતાં આ ઘટના બની હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ બંનેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઉમાભવવાની ફાટક પાસે આવેલી શુભલક્ષ્મી સિફોન રો હાઉસ સોસાયટીમાં પિન્ટુભાઇ કોરી અને તેમના પડોશમાં અર્ચાનાબેન દિનેશભાઇ ગુપ્તા રહે છે. ગઇ કાલ શનિવારને રોજ પિન્ટુભાઇનો દિકરો બિપિન (ઉ.11) સાંજે સવા સાત વાગ્યે પોતાના ઘરની લોખંડની જાળી ખોલી હતી. આ સમયે તેને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન બાજુમાં રહેતા અર્ચનાબહેન ગુપ્તા (ઉ.27) બિપિનને કરંટ લાગ્યો તે જોતા હિંમત કરી તેને બચાવવા માટે દોડ્યા હતા.
અર્ચનાબહેને બિપિનને બચાવવા માટે પકડ્યો તરત જ તેઓ પણ નીચે પડી ગયા હતા. દરવાજાને અડીને આવેલી સ્ટ્રીટ લાઇટના થાંભલામાંથી કરંટ લીક થતાં તે દરવાજામાં પણ આવતો હતો. આસપાસના લોકોએ બંનેને સાવચેતી પૂર્વક સારવાર માટે ખસેડ્યા હતા. ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે બંનેની લાશને પીએમ માટે મોકલી આપી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, વરસાદની શરુઆત પહેલા જ કોર્પોરેશન હસ્તગત આવતી સ્ટ્રીટ લાઇટોની આ સ્થિતી છે તો વરસાર દરમિયાન શુ થશે તેવો લોકોમાં ભય છે. ચાંદખેડા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના થાંભલામાંથી કરંટ લાગતા બે લોકોને મોત થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.