દિયોદર તાલુકાના સડોદર ગામે બનાસડેરીના નવા પ્લાન્ટનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ પોલીસ બંદોબસ્ત દરમિયાન ગરમીના કારણે મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હોવાના અહેવાલો સામે આવી ગયા છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, આજરોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ કણાદર ગામે 640 કરોડના ખર્ચે બનાસડેરીના બીજા અત્યાધુનિક નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે બનાસડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દિયોદર ખાતે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને મહિલા સંમેલન હોય બનાસકાંઠાથી લાખોની સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં તે દેહગામ તાલુકાના હાલીસા ગામની પોલીસ કર્મચારી નિષા બ્રિજેશકુમાર ગુર્જર પણ દેશના વડાપ્રધાનના આગમનને લઇ પહોંચી હતી અને સવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં ગોઠવાઈ હતી. ત્યારે દિયોદર ખાતે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે પોલીસ કર્મચારી નિશાબેન ગુર્જર બેભાન થઈ ગયા હતા અને જે બાદ તેમનું મોત નિપજ્યું હતું. નિશાબેન ગુર્જરના મોતથી પોલીસ પરિવારમાં પણ દુખની લાગણી છવાઈ હતી.