સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાની ઘટ છે અને હવે શાળાઓમાં પુસ્તકો પણ પહોંચ્યા નથી ત્યાં રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળા પ્રવેશોત્સવની 17 મી શૃંખલા આગામી તારીખ 23 મી થી 25 જૂન-2022 દરમ્યાન સમગ્ર રાજ્યમાં યોજવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં સરકારના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકો સરકારી શાળાઓમાં વિનામૂલ્યે આપવામાં આવે છે પરંતુ સરકારી શાળાઓમાં હજી પૂર્ણ પ્રમાણમાં પુસ્તકો પહોંચ્યા નથી. 13મી જૂને શાળાઓ ખૂલી ગઈ છે અને બીજી બાજુ રાજ્ય સરકાર દર વર્ષની જેમ કોરોના કાળ પછી હવે 17મો શાળા પ્રવેશોત્સવ કરવા જઇ રહી છે. સરકારી શાળાઓમાં ભણતા વિધાર્થીઓ માટે પૂર્ણ પ્રમાણમાં પુસ્તકો નથી પરંતુ ખાનગી શાળાઓમાં ભણતા બાળકોને જો પુસ્તક જોઈએ તો બજારમાં મૂલ્ય ચૂકવીને ખરીદી શકે છે.
પુસ્તકોની અપૂરતાઇ બાબતે આણંદના એક શાળાના આચાર્યએ જણાવ્યુ કે સરકાર દ્વારા આ વર્ષે હાઈસ્કુલમાં પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે પરતું ગત વર્ષે હાઈસ્કુલમાં વર્ષ પુરુ થઈ ગયું પરતું હજી સુધી પુસ્તકો આવ્યા નથી.
બનાસકાંઠાના કાંકરેજના એક શિક્ષકે જણાવ્યુ કે, અમારે તાલુકા કક્ષાએ પુસ્તકો પહોંચી ગયા છે ત્યાંથી બે દિવસમાં પુસ્તકો અમારી જોડે પહોંચી જશે. ઉપરથી એવી સૂચના છે કે શાળા પ્રશોત્સવ પહેલા સ્કૂલમાં પુસ્તકો પહોંચી જવા જોઈએ.
ખેડા જિલ્લાના એક પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યુ કે અમારી સ્કૂલમાં હજી ધોરણ 3ના પુસ્તક આવ્યા નથી, ધોરણ 8 નું માત્ર અંગ્રેજી વિષયનું પુસ્તક આવેલું છે અને આની વર્ગના અડધા અડધા પુસ્તક શાળામાં આવેલા છે. ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 1થી 8 માટે 38 પ્રકારના સેટ આવે છે જેમાં અલગ અલગ સત્ર પ્રમાણે સેટ હોય છે.
શાળા પ્રવેશોત્સવની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કાળ દરમિયાન વર્ષ 2003માં કરી હતી. ત્યાર બાદ દર વર્ષે યોજાતા શૈક્ષણિક પ્રવેશ મેળાવડામાં સરકાર પોતાના અધિકારીઓએ પદાધિકારીઓને કામે લગાડતી રહી છે. રાજ્ય સરકાર સરકારી શાળાઓમાં પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરે છે.