પાંચ દશક ચાલેલા કેસ પછી દાતાના રાજવીની અંબાજી મંદિર પરના દાવામાં હાર

| Updated: July 5, 2022 1:35 pm

અમદાવાદઃ દાતાના રાજવી કુટુંબે અંબાજી માતાના મંદિર પરના દાવામાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજવી કુટુંબે અંબાજી માતાના મંદિર, તેની પ્રોપર્ટી અને ગબ્બર ટેકરી પરના દાવામાં પરાજયનો સામનો કરવાનો આવ્યો છે. ફક્ત એટલું જ નહી પણ સિવિલ કોર્ટે બિનજરૂરી દાવો કરવા બદલ તેમને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ  બી કે અવાશિયાએ દાતાના ભૂતપૂર્વ શાસકનો દાવો કાઢી નાખ્યો હતો. દાતાના ભૂતપૂર્વ શાસક મહારાણા પૃથ્વીરાજસિંહે  બનાસકાંઠા જિલ્લામાં આરાસુરની પર્વતમાળામાં આ પ્રખ્યાત મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ગબ્બરની ટેકરીઓની નજીક તેની સ્થાપના કરવામાં આવી હતી. 1970માં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ શાસકના મૃત્યુ પછી તેમના વારસદાર મહીપાલસિંહજી પરમારે આ કેસમાં દાવો કર્યો હતો કે તેઓને રાજ્ય સરકાર પાસેથી અને શ્રી અંબાજી મંદિર દેવસ્થાનમ ટ્રસ્ટ પાસેથી આ મંદિર અને તેની પ્રોપર્ટીઝ પરત આપવામાં આવે.

આ મંદિરની માલિકીના વિવાદનો પ્રારંભ ભારતમાં 1948માં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સાથે મર્જરનો કરાર કરવાના પગલે થયો હતો. આ કુટુંબ પાસે સંપૂર્ણ માલિકી હતી અને તેઓ મહારાણાની ખાનગી મિલકતનો પૂર્ણપણે ભોગવટો કરતા હતા. કુટુંબની પ્રાઇવેટ પ્રોપર્ટીઝમાં સિક્યોરિટીઝ અને કેશ બેલેન્સીસ ઉપરાંત સ્થાયી મિલકતોમાં અંબાજી માતાનું મંદિર અને ગબ્બરની ટેકરીનું મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરનું સંચાલન સરકારે રચેલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને મહારાણા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના કાર્યકારી ચેરમેન હતા.

1953માં આ પ્રોપર્ટીનો કબ્જો મુંબઈ સરકારે સંભાળ્યો હતો, કારણ કે ભારત સરકારે આ પ્રકારની મિલકતો રાજ્ય સરકારની ગણાવી હતી. મહારાણા તેના પગલે મુંબઈ હાઇકોર્ટમાં ગયા હતા અને સંપત્તિ પર માલિકીનો દાવો કર્યો હતો. હાઇકોર્ટે 1954માં તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સરકારે પછી સુપ્રીમ કોર્ટમાં સફળતાપૂર્વક આ નિર્ણયને પડકાર્યો હતો. 1957માં સુપ્રીમ કોર્ટના આદેશના પગલે સરકારે મંદિરનો કબ્જો લીધો હતો.

તેના પછી મહારાણાએ ફરી પાછો સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો અને તેમા 52 વર્ષે તેમના વિરોધમાં ચુકાદો આવ્યો છે. મંદિર પર રાજવી કુટુંબના દાવાને નકારી કાઢતા કોર્ટે જણાવ્યું હતું કે લગભગ સાત દાયકા સુધી આ કેસની કાર્યવાહી ચાલી છે. રાજવી કુટુંબને કેસ કરવાનો અધિકાર છે પરંતુ મહારાણાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કાયદાકીય કાર્યવાહીમાં આગળ વધવાની જરૂર ન હતી. પણ તેમણે સિવિલ કોર્ટના દરવાજા ખખડાવ્યા. તેમા સમય વીતાવ્યો, જ્યારે કોર્ટ પોતે જ આ વસ્તુને નકારી ચૂકી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદીએ ઘણો બધો સમય અને નાણા તેની પાછળ વેડફ્યા છે. તેથી તે આ દંડને હકક્દાર છે.

Your email address will not be published.