કેજરીવાલ બન્યા ગુજરાતમય: આદિવાસીઓ બાદ હવે પાટીદારો પર “આપ”ની નજર

| Updated: May 12, 2022 2:10 pm

રાજકોટના શાસ્ત્રીમેદાનમાં અરવિંદ કેજરીવાલે સભાને સંબોધન કર્યું હતું. તેઓએ સભામાં આવેલા તમામ લોકોને આભાર વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે ભાજપ સરકારને ફરી એકવાર શિક્ષણને લઈ આડેહાથ લીધા હતા. તેઓએ જણાવ્યું કે આજકાલ ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. દિલ્હીમાં 7 વર્ષમાં એક પણ ખાનગી સ્કૂલે ફી વધારી નથી, કોઈ આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પોતપોતાના રાજકીય સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત છે. રાજ્યમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી પૂરા જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. ગુજરાતના આદિવાસી સમાજ બાદ હવે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના પાટીદારો સુધી પહોંચ્યા હતા. તેઓએ જનસભાને સંબોધી હતી.

સભા સંબોધતા કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં મને તમામ લોકો ખૂબ જ પ્રેમ કરે છે અને મે તમામ લોકોની ખુસી માટે કામ પણ કર્યું છે. ત્યારે ગુજરાતમાંથી પણ ઘણા લોકો મારી સાથે મુલાકાત કરવા માટે આવતા હોય છે અને મારી સાથે બેસી તેમની સમસ્યાઓ પણ સંભળાવે છે અને હું તે તમામ લોકોની સમસ્યા સાંભળું પણ છું.

આ વર્ષે 4 લાખ વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું

વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, અમે 50 હજાર વૃદ્ધ માતા-પિતાને યાત્રા કરાવી છે. ગુજરાતમાં સરકારી સ્કૂલની હાલત ખરાબ છે, શિક્ષણના નામે ઝીરો છે. 27 વર્ષના શાસનમાં ભાજપ સ્કૂલ પણ ઠીક કરાવી શકી નથી. પાંચ વર્ષની અંદર સરકારી સ્કૂલોને શાનદાર બનાવી દીધી છે. સરકારી સ્કૂલના પરિણામો આ વર્ષે 99.97 ટકા આવ્યું છે. 4 લાખ લોકોએ સરકારી સ્કૂલમાં ભરતી કરાવી છે. સરકારી સ્કૂલમાં ભણતા 450 વિદ્યાર્થીઓનું એડમિશન IITમાં કરાવ્યું છે. અમે પાંચ વર્ષમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવ્યા પણ ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં કેમ શિક્ષણ સુધારી શક્યા નહીં. મને દિલ્હીના લોકોએ તક આપી, પંજાબે તક આપી હવે ગુજરાતનો વારો છે. તમે મને તક આપો. હું સ્કૂલ અને હોસ્પિટલના નામે મત માગવા આવીશ.

તમને જણાવી દઈએ કે, રાજકોટમાં આજે સામાજિક આગેવાનો અને વેપાર-ઉદ્યોગ સંગઠનોએ કેજરીવાલથી દૂરી રાખી હતી. જોકે મોરબી સિરામીકના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા આવી પહોંચતા અનેક સવાલો ઉઠ્યા હતા. રાજકોટ ઓલ ઇન્ડિયા સીરામીકના ઉદ્યોગપતિઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કર્યો હતો.

સૌરાષ્ટ્ર ચૂંટણીનું સમીકરણ

તમને જણાવી દઈએ કે ગુજરાતની કુલ 182 બેઠકોમાંથી 54 બેઠકો સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. સૌરાષ્ટ્રની આ 54 બેઠકો પર 2017ની ચૂંટણીમાં ભાજપની કોંગ્રેસ સાથે જોરદાર ટક્કર હતી. પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં 55 ટકા બેઠકો જીતી હતી જ્યારે ભાજપને 33 ટકા બેઠકો મળી હતી. આ રીતે કોંગ્રેસે 54માંથી 30 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને 23 બેઠકો મળી હતી.

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી આ વખતે તાકાત સાથે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક ચૂંટણીઓમાં દક્ષિણ ગુજરાતની સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સફળતાએ સૌરાષ્ટ્રમાં તેની આશા જગાવી છે. સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ ભાજપથી નારાજ હોવાનું માનવામાં આવે છે અને છેલ્લી વખત તેઓએ કોંગ્રેસને મત આપ્યો હતો ત્યારે અરવિંદ કેજરીવાલ એ જ મતદારમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો કે ગુજરાત આમ આદમી પાર્ટી પાસે આટલો મોટો પાટીદાર ચહેરો નથી. રાજકોટમાં કેજરીવાલ પાસે ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે, જેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં એક મોટું નામ છે. કેજરીવાલે થોડા દિવસ પહેલા જ તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરુ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મોટા નેતા છે, જેમણે 2017માં વિજય રૂપાણીની સામે ચૂંટણી લડી હતી. એટલે કેજરીવાલે ખુદ ઈન્દ્રનીલ રાજગુરુને સભ્યપદ આપી છે.

જો કે કેજરીવાલે અગાઉ આશા વ્યક્ત કરી હતી કે સૌરાષ્ટ્રમાં સામાજિક સંગઠન દ્વારા તેઓ પાટીદારોમાં પ્રવેશ કરી શકશે. આવા સંજોગોમાં એકવાર એન્ટ્રી થઈ જાય તો તેનો ફાયદો ચૂંટણીમાં મળી શકે છે, કારણ કે રાજ્યના રાજકારણમાં પાટીદાર મતદારો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભાજપ પાટીદાર મતોના આધારે 27 વર્ષ સુધી સત્તામાં રહ્યું અને તેમાં કોઈ પણ પક્ષ માટે કોઈ પણ પક્ષ માટે ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવવું શક્ય નથી. તેથી જ અરવિંદ કેજરીવાલે સૌપ્રથમ આદિવાસી સમુદાયમાં રાજકીય આધાર ધરાવતા BTP સાથે જોડાણ કર્યું, જેની જાહેરાત તેમણે 1 મેના રોજ ભરૂચમાં આદિવાસી પરિષદમાં કરી હતી. હવે કેજરીવાલ પાટીદાર સમાજની સેવા કરવા સૌરાષ્ટ્રમાં ઉતરી રહ્યા છે.

Your email address will not be published.