કોંગ્રેસનાં ત્રણ નેતાઓને સ્મૃતિ ઇરાની અને તેમની પુત્રી વિરુધ્ધની પોસ્ટ દુર કરવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ

| Updated: July 30, 2022 3:37 pm

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને તેમની પુત્રી સામે ગોવાના અસાગાઓમાં સિલી સોલ્સ કાફે અને બારના સંબંધમાં સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટ્સને ડિલીટ કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે કોંગ્રેસના ત્રણેય નેતાઓને સમન્સ પણ જારી કર્યા હતા.

સંમૃતિ ઇરાનીની અરજીની સુનાવણી બાદ જસ્ટિસ મિની પુષ્કર્ણાએ જણાવ્યું હતું કે તેઓ પ્રથમ દ્રષ્ટિએ એવું માને છે કે તથ્યોની ચકાસણી કર્યા વિના કેન્દ્રીય પ્રધાન સામે નિંદાત્મક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને 23 જુલાઇએ કોંગ્રેસના નેતાઓ દ્વારા પત્રકાર પરિષદ પછી કરવામાં આવેલી ટ્વીટ્સ અને રીટ્વીટથી તેમની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

જસ્ટિસ પુષ્કર્નાએ વચગાળાના આદેશમાં વધુમાં ત્રણેય નેતાઓને ઇરાની અને તેમની પુત્રીની પોસ્ટ, વીડિયો, ટ્વીટ્સ, રીટ્વીટ, મોર્ફ્ડ તસવીરો ડિલીટ કરવા અને તેનું રિસર્કયલેશન રોકવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જો તેઓ આદેશના 24 કલાકમાં નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તે કન્ટેન્ટ હટાવવા નિર્દેશ કરાયો છે.

ઇરાની અને તેમની પુત્રી ગોવામાં બાર ચલાવતા નથી એમ જણાવતાં દાવામાં કહેવામાં આવ્યું હતું કે તેમણે કયારેય બારના અરજી કરી નથી. બંનેને ગોવાના આબકારી વિભાગ તરફથી આજ દિન સુધી કોઈ કારણદર્શક નોટિસ આપવામાં આવી નથી.

કથિત માનહાનિ અને ખોટા આરોપો પોસ્ટ કરવા બદલ બે કરોડ રૂપિયાથી વધુના નુકસાનની માંગ કરવા ઉપરાંત, ઇરાનીએ ડીએસકે લીગલ દ્વારા દાખલ કરેલા દાવામાં કોંગ્રેસના નેતાઓ સામે ફરજિયાત અને કાયમી મનાઈહુકમ અને પોસ્ટ્સને હટાવવા માટે નિર્દેશની માંગ કરી હતી.

ગયા અઠવાડિયે પત્રકાર પરિષદમાં, કોંગ્રેસે ઇરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદે રેસ્ટોરન્ટ ચલાવવાનો અને મૃત વ્યકિતનાં નામે ખોટી રીતે બાર લાઇસન્સ મેળવવાનો આરોપ મુક્યો હતો. કોંગ્રેસે કેન્દ્રીય કેબિનેટમાંથી ઈરાનીના રાજીનામાની પણ માંગ કરી હતી.

સ્મૃતિ ઇરાનીનાં દાવામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કોંગ્રેસના નેતાઓએ તેમની અને તેમની પુત્રી વિરુદ્ધ તેમની પ્રતિષ્ઠા, નૈતિક ચારિત્ર્ય અને જાહેર છબીને બદનામ કરવા કાવતરાનાં ભાગરુપે ખોટા આક્ષેપો કર્યા છે.
કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા જયરામ રમેશે ટ્વિટ કર્યું હતું કે, દિલ્હી હાઈકોર્ટે નોટિસ પાઠવીને સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા કેસનો ઔપચારિક જવાબ આપવા જણાવ્યું છે. અમે કોર્ટ સમક્ષ તથ્યો રજૂ કરીને સ્મૃતિ ઇરાનીને પડકારીશુ.

Your email address will not be published.