દિલ્હીમાં આગ ઓકતી ગરમીઃ તાપમાન પહેલી વખત 49 ડિગ્રીને પાર

| Updated: May 16, 2022 12:14 pm

નવી દિલ્હીઃ દિલ્હીમાં આગઝરતી ગરમી પડી રહી છે. ત્યાં તાપમાનનો પારો અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત 49 ડિગ્રીને પાર થઈ ગયો છે. દિલ્હીમાં બુધવારે અને ગુરુવારે આકાશ સાફ રહેશે, પણ રાજધાનીના નાગરિકોએ જબરજસ્ત લૂનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે શુક્રવારે યલો એલર્ટ જારી કર્યુ હતુ. દિલ્હીના મંગેશપુર અને નજફગઢ વિસ્તારમાં તાપમાનનો પારો પહેલી વખત 49 ડિગ્રીને પાર જતો રહ્યો હતો. દિલ્હીના કોઈપણ વિસ્તારમાં આટલું તાપમાન ક્યારેય નોંધાયું નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે અને મંગળવારે ગરમીમાંથી રાહત મળી શકે છે. તેના લીધે દિલ્હી એનસીઆરમાં વાતાવરણ વાદળછાયુ રહેશે.

જો કે આજે ત્યાં પંજાબ અને હરિયાણાની ઉપર સર્જાયેલા ચક્રવાતના લીધે ભીષણ ગરમીમાંથી રાહત મળશે અને આંશિક રીતે વાદળો છવાયેલા રહેશે. રાજધાનીનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આમ એક જ દિવસના અંતરાલની અંદર મહત્તમ તામાનમાં સીધો આઠ ડિગ્રીનો તફાવત જોવા મળવાનો છે. આ ઉપરાંત સોમવારે ધૂળભરી આંધી જારી રહેવાની સંભાવના છે. જો કે 18મી મે પછી ગરમી ફરીથી તેનો પ્રકોપ દાખવે તેવી સંભાવના છે.

પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરજ ચમકની સાથે હળવો વરસાદ થઈ શકે છે. મોટાભાગના હિસ્સામાં ધૂળભરી આંધી ચાલશે. રાજધાની દિલ્હી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં પણ ધૂળભરી આંધી ચાલશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં ગરમી જારી રહેશે. વિદર્ભ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ગરમી જારી રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજધાનીમાં વાદળો દેખાશે. જો કે આ રાહત લાંબો સમય નહી ચાલે. 18મી મેથી તાપમાન ફરીથી એક વખત વધતુ જશે. તે 19 અને 20મી મેના રોજ ફરીથી 44-45 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. જો કે 21 મે પછી ફરીથી વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર જોવા મળી શકે છે.

હિમાચલ પ્રદેશના લોકોને પણ આગ ઓકતી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે પ્રદેશમાં અતિવૃષ્ટિ થઈ શકે છે. રવિવારે પણ હવામાનમાં ફેરફારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પંજાબમાં રવિવારે સાત જિલ્લામાં તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું હતું. પંજાબમાં મુક્તસર અત્યંત ગરમ રહ્યુ અને તાપમાન 47 ડિગ્રીથી ઉપર રહ્યું હતું.

Your email address will not be published.