ગુજરાતના એશિયાટિક લાયન્સની વિદેશમાં પણ માંગ

| Updated: April 8, 2022 1:26 pm

યુરોપીયન અને ઇરાનીયન પ્રાણી સંગ્રહાલય ભારતમાંથી એશિયાટિક સિંહો મંગાવવા આતુર

રાજકોટઃ રાજ્યના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે પ્યોર બ્રીડ એશિયાટિક લાયન્સનો સફળતાપૂર્વક ઉછેર કર્યો છે. સક્કરબાગના સફળ ઉછેરના પગલે યુરોપીયન એસોસિયેશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયા (ઇએઝેડએ) અને ઇરાનના પ્રાણી સંગ્રહાલયે પણ એશિયાટિક લાયન્સની કેટલીક જોડીઓ તેમને ત્યાં લઈ જવા ભારતીય પ્રાણી સંગ્રહાલયનો સંપર્ક સાધ્યો છે.

આ વાતચીત હવે પ્રાણીઓને ટ્રાન્સફર કરવા સુધી પહોંચી ચૂકી છે. મહત્વની વાત એ છે કે ભારત અને વિદેશી પ્રાણી સંગ્રહાલયો વચ્ચે રોગચાળો પૂરો થયા પછી પ્રાણીઓના આદાનપ્રદાનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ભારતે 1991 પછી વિદેશમાં 21 સિંહ આપ્યા છે.

છેલ્લા બે વર્ષમાં જોઈએ તો જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે જાન્યુઆરી 2020થી કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ હેઠળ 84 સિંહબાળને ઉછેરવામાં સફળતા મેળવી છે. ઝૂના સત્તાવાળાઓના વિશેષ પ્રયત્નોના લીધે સિંહબાળના જન્મની સંખ્યામાં વધારો થયો છે.

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ પ્રાણીઓના વિનિમય માટે મંજૂરી આપી છે. સક્કરબાગ ઝૂએ આમ પણ ભારતના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં સિંહોને મોકલતું જ હોય છે. તે સુનિશ્ચિત કરે છે કે સભ્ય પ્રાણી સંગ્રહાલયો પ્રાણીઓની વિવિધ પ્રજાતિની સારસંભાળ માટેના ઊંચા ધારાધોરણ અને વસ્તી સંચાલનના ઊંચા ધારાધોરણની જાળવણી કરે.

વિદેશી પ્રાણી સંગ્રહાલયો સાથે ચાલતી વાતચીતને વર્તમાન વન અધિકારીએ સમર્થન આપતા જણાવ્યું હતું કે ઇએઝેડએ શુદ્ધ એશિયાટિક સિંહોની કેટલીક જોડીઓ અંગે મંત્રણા શરૂ કરી છે. આ વાતચીત હજી ચાલી રહી છે. આના બદલામાં ભારતીય પ્રાણી સંગ્રહાલયને કેટલાક અનોખા વિદેશી પ્રાણીઓ મળશે. ફક્ત યુરોપીયન પ્રાણી સંગ્રહાલય જ નહી પણ ઇરાનનું પ્રાણી સંગ્રહાલય પણ ભારત સરકાર સાથે એશિયાટિક લાયન્સની જોડીની ખરીદી માટે વાતચીત કરી રહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

વન અધિકારીએ સમજાવ્યું હતું કે ઇએઝેડએ અને વર્લ્ડ એસોસિયેશન ઓફ ઝૂસ અને એક્વેરિયમ (ડબલ્યુએઝેડએ) એકદમ ન્યાયિક રીતે એશિયાટિક લાયન્સનું જિન પૂલ જાળવ્યું છે. તેઓ માટે પ્યોર બ્રીડિંગની જરૂરિયાત હોય છે. હવે જો તેના માટે વિશ્વના કોઈ બીજા દેશના સિંહબાળ લાવીને તેને ઉછેરવામાં આવે તો એશિયાટિક અને આફ્રિકન લાયન્સ વચ્ચે ક્રોસ બ્રીડિંગની સંભાવના વધી જાય છે.

એશિયાટિક લાયન્સનો એકમાત્ર સ્ત્રોત જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જ છે. તેથી જ અહીંના સત્તાવાળાોએ જીન પૂલ પ્યોરિટી માટે આ સિંહોની વિશેષ જાળવણી કરી છે.

વનવિભાગના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે યુરોપીયન પ્રાણી સંગ્રહાલયનું ધ્યેય છે યોગ્ય બ્રીડિંગ જાળવવું અને એશિયાટિક સિંહોને જાળવવા, કારણ કે તે લુપ્ત થતી પ્રજાતિ છે. તેના પછી તેને જંગલોમાં મૂકવા. આ રીતે ભવિષ્યમાં પણ રોગચાળો આવે ત્યારે આ પ્રકારની પ્રજાતિને સંપૂર્ણપણે નષ્ટ થતી રોકી શકાય.છેલ્લા સેન્સસ મુજબ ગુજરાતના ચાર જિલ્લા જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં કુલ 674 એશિયાટિક લાયન્સ છે.

Your email address will not be published.