અમદાવાદમાં દારપની હેરાફેરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના એરપોર્ટની પાસેથી દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ છે. પીસીબી દ્વારા આ ભઠ્ઠી પર દરોડા પાડી હજારો લીટરનો દેશી દારુ ઝડપી પાડ્યો છે. ભઠ્ઠીને ચલાનારા દિકરો અને તેની માતા ફરાર થઈ ગયા છે. પોલીસે તેઓની સામે ફરિયાદ દાખલ કરી ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતીમ માહિતી પ્રમાણે, અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં કોતરપુર ટર્નિંગની બાજુમાં આવેલ સાબરમતી નદીના પટની ડાબી બાજુ દૂષિત પાણીના વહેરા પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી. આ અંગે PCB ને બાતમી મળતા રેડ કરી હતી ત્યારે ત્યાં જમીનમાં દટાયેલા પીપડામાં દારૂ બનાવવામાં આવતો હતો. જેમાંથી 9700 લીટર દેશી દારૂનો વૉશ મળી આવ્યો હતો જેનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
પોલીસે દારૂ બનાવવા માટે વપરાતો 770 કિલો અખાદ્ય ગોળ કબ્જે કર્યો છે.દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર કમલા માલાવત અને ધર્મેન્દ્ર માલવત PCBની રેડની ખબર પડતાં જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તેમની સામે ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે. જોકે એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ બનાવવાની ભઠ્ઠી જાહેરમાં હતી છતાં એરપોર્ટ પોલીસ અજાણ હતી. આ અંગે પોલીસની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી છે. આ ભઠ્ઠી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી તે ચર્ચાનો વિષય બન્યો છે.