ગુજરાતમાં બેરોજગારીના આંકડા વધ્યા હોવા છતાં પણ આ બાબત ચૂંટણી મુદ્દો નથી

| Updated: June 20, 2022 12:54 pm

જૂનના પ્રારંભમાં ગુજરાતમાં તલાટીના 3,400 હોદ્દા માટે 17 લાખ લોકોએ અરજી કરી હતી. આના પરથી ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તેની પ્રતીતિ થાય છે. આમ છતાં પણ આ બાબત કંઈ રાજકીય કે ચૂંટણી વિષયક મુદ્દો જ નથી કારણ કે ગુજરાતી સમાજનું એકદમ કોમી ધ્રુવીકરણ થઈ ગયું છે. લોકોએ સલામતી અને સુરક્ષાને મુખ્ય મુદ્દો ગણ્યો છે અને સુશાસન પછીના ક્રમે આવે છે, એમ રાજકીય નિરીક્ષકો અને વિવેચકોનો મત છે.

રાજ્યના રોજગાર વિભાગના આંકડા મુજબ માર્ચ 2021ના અંતે કુલ બેરોજગારોનો આંકડો ચાર લાખનો હતો. તેમા 3,85, 506 ભણેલા લોકો હતા અને બાકીના પાંચ ટકા અર્ધકુશળ હતા. હવે જો કોઈ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી જોબ કાર્ડના ડેટાને આધાર માને તો 30 લાખ જોબ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા, તેમાથી 15 લાખ હજી પણ સક્રિય છે, એમ અર્થશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક હેમંત શાહે જણાવ્યું હતું.

બેરોજગારી મૂળભૂત રીતે સામાજિક-આર્થિક મુદ્દો છે, છતાં પણ તે સમાજ માટે ગંભીર મુદ્દો નથી. તેનું કારણ એ છે કે સમાજ પર સુરક્ષા અને સલામતીના મુદ્દાનો પ્રભાવ છે, એમ શાહે જણાવ્યું હતું. હવે આ શહેરી અને મધ્યમ વર્ગના લોકોની સલામતી અને સુરક્ષાની ચિંતા ગ્રામીણ સ્તર સુધી ફેલાઈ છે, એમ શાહે ઉમેર્યુ હતું.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના હેડ અમિત ધોળકિયાનું વિશ્લેષણ હતું કે આદર્શ રીતે જોઈએ તો બેરોજગારી, સુસંચાલન, જવાબદેહિતા રાજકીય અને ચૂંટણી મુદ્દા હોવા જોઈએ. પણ સમગ્ર સમાજનું હિંદુ-મુસ્લિમ ધોરણે ધ્રુવીકરણ કરવામાં આવ્યું છે ત્યારે સુરક્ષાની બાબતને બધા સૌપ્રથમ અગ્રતા આપે છે અને બેરોજગારનો મુદ્દે પાછળ ધકેલાઈ જાય છે.

રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બેરોજગારી અંગે ફરિયાદ કરનારા યુવાનો પણ મતદાન ધાર્મિક આધારે કરે છે. તેના લીધે રાજકીય પક્ષોને સુસંચાલનના હિસ્સા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવ્યા છે. ચૂંટણી વખતે ધાર્મિક લાગણીઓને તીવ્ર બનાવવામાં આવે છે. આવી જ સ્થિતિ ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશની છે. આ ઉપરાંત અન્ય મોટી મુશ્કેલી નબળી નાગરિક સમજ છે. નવી પેઢીને સરકારના અધિકાર અને ફરજો અંગે કશી ખબર નથી. તેના લીધે વિરોધ પ્રદર્શન અને આંદોલનો કરનારાઓને દેશવિરોધી ગણવામાં આવે છે. સિવિલ સોસાયટીની સંકોચાતી જગ્યા રાજકીય પક્ષોને ગેરમાહિતી પૂરી પાડવા અને સમાજને ગેરમાર્ગે દોરવા મોટું મેદાન પૂરુ પાડે છે.

Your email address will not be published.