અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના બંગલે જઈ પાણીની માંગ કરતાં કોંગ્રેસ કોર્પોરેટરોની અટકાયત

| Updated: May 12, 2022 6:55 pm

ગરમીના પારામાં તપેલા અમદાવાદ અને પાણીની જરૂરિયાત અનુભવતા અમદાવાદની જનતાની માંગ લઈને સવારમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના બંગલે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકરોને નવરંગપુરા પોલીસ અટકાયત કરીને લઈ ગઈ હતી. પાણીની માંગ માટે મ્યુનિસિપલ કમિશ્નરના બંગલે કોંગ્રેસના કોર્પોરેટરો ટૂથ બ્રશ અને નાહવાના સ્વાંગમાં પહોંચ્યા હોવાથી પોલીસે કરી કાર્યવાહી હતી.

અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યાથી પ્રજા ખુબ પરેશાન છે. ત્યારે આજ રોજ AMCના વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો મ્યુનિસિપલ કમિશનરના ઘરે ન્હાવા પહોંચ્યા હતા, આ મુદ્દે શહેર પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી.

કોંગ્રેસનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી ભાજપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 કલાક પાણી આપવાના બણગા ફૂંકવામાં આવે છે. પરંતુ હકીકતમાં અમદાવાદના ઘણા વિસ્તારોમાં 5 મિનિટ પણ પાણી આવતું નથી. આગામી સમયમાં પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ખુબ મોટું આંદોલન કરવામાં આવશે.

આ મુદ્દે કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યુ કે અમારી માંગણી છે કે કરોડો રૂપિયા વોટર સપ્લાય માટે ખર્ચ કરવામાં આવે છે, છેલ્લા 10 વર્ષથી બીજેપી 24 કલાક પાણીની વાતો કરે છે. અમદાવાદના 48 વોર્ડમાં સવારના સમયે આપની માં બહેનો દેગડા લઈને સંઘર્ષ કરે છે. આ લોકો માત્ર વાત કરે છે. આજે અમે કોંગ્રેસના કોર્પોરેટરો સવારના નાહવાના સાધન સાથે પાણીની માંગ માટે ગયા હતા. કમિશ્નર સાહેબ અમને ના મળ્યા એની જ્ગ્યાએ પોલીસે અમારી ધરપકડ કરીને જામીન પર છોડયા હતા.

Your email address will not be published.