ગુજરાતના મંદિરોમાં દાનની અવિરત શ્રેણી વહેતી જ રહે છે. ફક્ત કોરોનાના સમયગાળામાં થોડો બ્રેક આવી ગયો હતો. ફરી પાછી દાનની આ સરવાણી વહેવાનું શરૂ થયુ છે. આના જ ભાગરૂપે ગુજરાતમાં અંબાજી ખાતે જગદંબા માતાના મંદિરમાં શ્રદ્ધાળુએ સૂવર્ણ ભેટ ચઢાવી છે. તેણે માના ચરણોમાં સોના અને ચાંદીનું દાન કર્યુ છે. આમ કોરોના પછી ગુજરાતના મંદિરોમાં શ્રદ્ધાળુઓની દાનની સરવાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે.
રાજસ્થાનના અબુ રોડ નિવાસી વિજયકુમાર ચોરસિયાએ જગદંબાના ચરણોમાં 22,43,150 રૂપિયાની કિંમતના 527.800 ગ્રામ વજનના સોનાના જૂના દાગીના અને 43,200ની કિંમતના ૧૧૧૦ ગ્રામ વજનના ચાંદીના જૂના કડા ભેટ રૂપે ચડાવ્યા છે. આમ એક જ દિવસમાં આબુરોડ નિવાસી વિજયકુમાર ચોરાસિયા દ્વારા રૂ.૨૨,૮૬,૩૫૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના ભેટ માં પ્રાપ્ત થયેલ છે. જો કે, પહેલા પણ અમદાવાદના એક માઈભક્તે ગુપ્ત દાન દ્વારા અંબા માતાને 5.52 લાખના સુવર્ણ મુગટની ભેટ આપી હતી. અને માતાને 118.75 ગ્રામ સોનું ભેટ ચઢાવ્યુ હતું.
આ પણ વાંચો: નવસારીની અત્યાધુનિક હોસ્પિટલની શરૂઆત એ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગનો પ્રારંભઃ મોદી
આ પહેલા કોરોનાકાળના લીધે ગુજરાતના જાણીતા મંદિરો જેવા કે અંબાજી, સોમનાથ, દ્વારકાધીશ બેચરાજીને મળતા દાનના પ્રવાહમાં ઓટ આવી હતી. કોરોનાના પ્રતિબંધોના લીધે મંદિરો પણ બંધ હતા. તેના કારણે શ્રદ્ધાળુઓ આવી શક્યા ન હતા. આ દરમિયાન મંદિરોમાં તહેવારોની ઉજવણી પણ છેલ્લા બે વર્ષ દરમિયાન થઈ ન હતી. તેથી પણ નાણાની સરવાણી સૂકાઈ ગઈ હતી.
હવે પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ છે ત્યારે ભક્તોની ચહલપહલ પણ જોવા મળી રહી છે. દાનનો પ્રવાહ પણ રાબેતા મુજબનો થયો છે. જો કે જગદંબા માતાના મંદિરને મળતુ દાન અવારનવાર ચર્ચાનો વિષય બનતું હોય છે. આ પહેલા પણ માઇભક્તો દ્વારા અંબા માતાને સોના-ચાંદીના સ્વરૂપમાં દાન આપવામાં આવ્યું છે.