DHFL કૌભાંડઃ બિલ્ડર અવિનાશ ભોસલેના ઘરમાંથી હેલિકોપ્ટર જપ્ત

| Updated: July 31, 2022 8:45 pm

પુણેઃ સીબીઆઇએ શનિવારે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના 34,615 કરોડના કૌભાંડના આરોપી અવિનાશ ભોસલેના પુણે સ્થિત ઘરના સંકુલમાંથી ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર જપ્ત કર્યુ હતુ. અવિનાશ ભોસલેની સીબીઆઇ દ્વારા તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઇ છેલ્લા કેટલાક દિવસોથી કૌભાંડની આવકમાં મેળવેલી સંપત્તિ શોધવા માટે વિવિધ સ્થળોએ સર્ચ કરી રહી છે. ફેડરલ પ્રોબ એજન્સીએ 34,615 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં 20 જુનના રોજ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) તેના ભૂતૂપર્વ સીએમડી કપિલ વાધવાન, ડિરેક્ટર દીપક વાધવાન અનેઅન્ય સામે કેસ નોંધ્યો હતો. એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી હોય તેવો આ સૌથી મોટો કેસ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ ઉપરાંત એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓએ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળની 17 બેન્કોના કોન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી હતી અને ડીએચએફએલના ખોટા એકાઉન્ટ બૂક્સનો ઉપયોગ કરીને 34,615 કરોડની બેન્ક લોન ઉપાડી હતી.
તેઓએ કથિત રીતે શેલ કંપનીઓ અને બાંદ્રા બુક્સ તરીકે ઓળખાતી સમાંતર એકાઉન્ટિંગ સિસ્ટમનો ઉપયોગ ડીએચએફએલમાં જાહેર ભંડોળને છૂટક લોન તરીકે કાલ્પનિક એકમોને નાણા ફાળવવા માટે કર્યો હતો.
સીબીઆઇએ તેની એફઆઇઆરમાં જણાવ્યું હતું કે આરોપી કપિલ વાધવાન અને અન્યોએ બેન્કોના કોન્સોર્ટિયમ પાસેથી ખોટા હિસાબોને આધારે 42,871 કરોડની જંગી લોન મેળવી હતી. તેઓએ આ ભંડોળનો દૂરુપયોગ કર્યો અને લોનની ચૂકવણીમાં નાદારી નોંધાવી. તેના કારણે બેન્કોનો કોન્સોર્ટિયમને 34,615 કરોડનું મોટું નુકસાન થયું છે.

દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (DHFL)ના તત્કાલીન ચીફ મેનેજિંગ ડિરેક્ટર કપિલ વાધવાન, ધીરજ વાધવાન, ઉદ્યોગપતિ સુધાકર શેટ્ટી અને અન્ય આરોપીઓએ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળની 17 બેન્કોના કોન્સોર્ટિયમ સાથે રીતસરની છેતરપિંડી આચરી છે.

સીબીઆઇએ ડીએચએફએલ કૌભાંડ કેસમાં તેની તપાસના સંદર્ભમાં હાથ ધરાયેલી શોધ દરમિયાન 5.50 કરોડની કિંમતના ભારતના જાણીતા ચિત્રકારો એફએન સોઝા અને એસએચ રઝાના ચિત્રો રિકવર કર્યા હતા. સર્ચ દરમિયાન સીબીઆઇએ એસએચ રઝાની 1956ની ઓઇલ -ઓન-કેનવાસ પેઇન્ટિંગ 3.50 કરોડથી વધુની કિંમતની વિલેજ અને એફએન સોઝાની 1964 બે કરોડની કિંમતની ઓઇલ-ઓન-લીનન જપ્ત કરી હતી.

Your email address will not be published.