રાજ્યના દરેક તાલુકામાં ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાશે :આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

| Updated: April 7, 2022 2:56 pm

7થી 14 એપ્રિલથી આયુષ્માન-મા કાર્ડ કઢાવવાની ઝુંબેશનો મહત્તમ નાગરિકોને લાભ લેવા અનુરોધ કરતાં આરોગ્ય મંત્રી

  • મહેસાણાના બેચરાજી ખાતેથી આરોગ્યમંત્રી શ્રી ના હસ્તે “ટી.બી. પ્રિવેન્ટીવ થેરાપી”ના રાજ્યવ્યાપી અમલીકરણનો પ્રારંભ અને ૧૧ નવીન ડાયાલિસિસ કેન્દ્રોનું લોકાર્પણ કરાયું
  • વૈશ્વિક યુવા ટોબેકો સર્વે-4(GYTS-4) ગુજરાત-2019 ફેક્ટશીટનુ આરોગ્ય મંત્રીના હસ્તે વિમોચન
  • આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની લુણાવાડા ખાતેથી વર્ચ્યુઅલી ઉપસ્થિતિ

બેચરાજીઃ ૭ મી એપ્રિલ “વિશ્વ આરોગ્ય દિવસ”ના બેચરાજી ખાતે ના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ,રાજ્યના દરેક તાલુકામાં ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરવા સરકાર સંકલ્પબધ્ધ છે. આજથી તારીખ 14 એપ્રિલ સુધી રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (P.H.C.) અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર(C.H.C.)માં આરંભાયેલી PMJAY-MA કાર્ડ કઢાવવાની ઝુંબેશ નો મહત્તમ નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતમાં બેચરાજી ખાતેથી વિવિધ આરોગ્ય લક્ષી પહેલની શરૂઆત કરવામાં આવી હતી. જેના અંતર્ગત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે “ટી.બી. હારેગા દેશ જીતેગા” ના નિર્ધારને પરિપૂર્ણ કરી રાજ્યમાં ટી.બી.ને ઘરમૂળમાંથી નાબૂદ કરવા માટે “ટી.બી. પ્રિવેન્ટીવ થેરાપી”નું રાજ્યવ્યાપી અમલીકરણ કરાવવાની શરુઆત કરવામાં આવી છે.

આ પ્રિવેન્ટિવ થેરાપીનું રાજ્યવ્યાપી અમલીકરણનો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટી.બીને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જ દેશના વિવિધ રાજ્યોમાં ટી.બી.ગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને ટીબીના ચેપથી બચાવવા માટે ટી.બી.પ્રિવેન્શન થેરાપી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં પણ આ થેરાપી નું અમલીકરણ કરાવીને ટી.બી. ને ઘરમૂળમાંથી દૂર કરવાના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રી શ્રી દ્વારા “વન સ્ટેટ વન ડાયાલિસીસ” ની ગુજરાતની પહેલને વઘુ સુદ્રઢ બનાવવા માટે 11 નવા ડાયાલિસિસ કેન્દ્રોનો પણ શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત થતા હવે ગુજરાત સરકાર ડાયાલિસિસ પ્રોગ્રામ સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા 80 થઈ છે.


રાજ્યમાં 30 થી 40 કિલોમીટર ત્રિજ્યા વિસ્તારમાં ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરવાનું આયોજન સરકારે હાથ ધર્યું છે. જે સફળ થતાં કિડની સંબંધિત બિમારી ધરાવતા અને ડાયાલિસિસની જરૂરીયાત હોય તેવા દર્દીઓ માટે ડાયાલિસિસ કેન્દ્રની સુવિધા આશીર્વાદરૂપ બની રહેશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
રાજ્યના યુવાનોમાં તમાકુ કે ધુમ્રપાનના વ્યસનનું પ્રમાણ ઘટે, યુવાનો વ્યસન મુક્ત બનીને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બને તે હેતુથી વૈશ્વિક યુવા ટોબેકો સર્વે-4(GYTS-4) ગુજરાત -2019 ની ફેકટશીટનું મંત્રી શ્રી ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.


આ ફેક્ટશીટમાં હાથ ધરાયેલ સર્વે અંતર્ગત તેની અસરકારક અમલવારી કરાવીને રાજ્યના યુવાનોને વ્યસનમુક્તિ તરફ પ્રેરવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવનાર છે.આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે થી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસની સેવાનો લાભ મેળવી રહેલા દર્દીઓ સાથે સંવાદ સાધીને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.
મંત્રીશ્રીના હસ્તે કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સેવાકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
બેચરાજી ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય કરસનજી સોલંકી , જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રહલાદ ભાઈ પરમાર , જિલ્લા વિકાસ અધિકારી ઓમ પ્રકાશ , મહેસાણા જિલ્લા અને બહુચરાજી તાલુકાના અગ્રણીઓ, આરોગ્ય વિભાગના અધિકારી સાથે અન્ય પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Your email address will not be published.