હીરાની ચમક વચ્ચે પણ સુરતમાં રત્નકલાકારોની માઠી દશા

| Updated: July 16, 2021 9:04 pm

આંતરરાષ્ટ્રીય બજારમાં સુધારાના પગલે હીરા ઉદ્યોગમાં હાલ તેજીનો ચમકારો છે. જોકે સુરતના રત્નકલાકારોની દશામાં હજુ કોઈ સુધારો નથી. ગત દોઢ વર્ષમાં અનેક રત્નકલાકારો પગારથી વંચિત રહ્યા હોવાની ફરીયાદો ધીમે પગલે લેબર વિભાગના દરવાજા ખટખટાવી રહી છે. એવામાં સુરતના માતાવાડી વિસ્તારની ઠુંમર જેમ્સમાં રત્નકલાકારોએ પગાર વધારાની માગ સાથે હડતાળ પાડવાની ફરજ પડી છે. આ યુનિટના 200 જેટલા રત્નકલાકારોએ પગાર વધારાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરતા હીરાબજારમાં અનેક ચર્ચાઓ ઉઠી છે.

રત્નકલાકારોના કહેવા પ્રમાણે 10 વર્ષથી તેમના ‌પગારમાં વધારો થયો નથી. 10 વર્ષ અગાઉ રત્નકલાકારોને જે ભાવ હીરાને પોલિશ્ડ કરવાનો અપાતો હતો તે જ આજે પણ ચાલી રહ્યો છે. લોકડાઉન દરમિયાન આ પરિવારોને આર્થિક રીતે ખુબ ફટકો પડ્યો છે ત્યારે રત્નકલાકારોએ પગાર વધારો મોંઘવારી પ્રમાણે કરાવી આપવા માટે રજૂઆત કરી હતી. જોકે સંચાલકોએ તેમની વાત ધ્યાનમાં જ ન લેતા આખરે તેઓએ હડતાળનું શસ્ત્ર ઉપાડ્યું છે.

આગામી તહેવારોની સિઝનને કારણે હીરાબજારમાં તેજીનો માહોલ છે પરંતુ રત્નકલાકારોને કોઈ જ ફાયદો નથી મળી રહ્યો. લોકડાઉનમાં પણ પગાર અપાયા નથી. કંપની દ્વારા પગાર વધારો નહી આપવામાં આવે તો કાયદેસરની લડત આપીશું અને હડતાલ પણ યથાવત રાખીશું એવું આ રત્નકલાકારોનું કહેવું છે.

Your email address will not be published.