કોવિડના સમયગાળામાં ફાર્મા કંપનીઓએ ગુજરાતમાં ભરપૂર બિઝનેસ કર્યો હતો છતાં ટેક્સ ચુકવણીમાં તેમણે પ્રથમ સ્થાન ગુમાવ્યું છે. કોવિડ વખતે વિવિધ દવાઓ અને રેમડેસિવિર, ફેબીફ્લુ, વિરાફિન વગેરે ઇન્જેક્શનના ઉત્પાદનમાં ફાર્મા કંપનીઓએ ધમધોકાર બિઝનેસ કર્યો હતો.
પરંતુ ઇન્કમટેક્સ ચુકવવાની વાત આવે છે ત્યારે ગુજરાતમાં પહેલી વખત ફાર્મા કંપનીઓ કરતા ડિજિટલ કંપનીઓ આગળ નીકળી ગઈ છે.
પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર ઓફ ઇન્કમટેક્સ, ગુજરાત, રવિન્દ્ર કુમારે વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે વ્યક્તિગત નહીં પરંતુ કંપનીઓની વાત કરવામાં આવે તો ડિજિટલ કંપનીઓ આગળ નીકળી ગઈ છે.
વિટામિન ઉત્પાદકો અને બીજી ચોક્કસ દવા ઉત્પાદક કંપનીઓએ સૌથી ઉંચો ટેક્સ ચુકવ્યો છે, પરંતુ એકંદરે ફાર્માને અસર થઈ છે. ડેન્ટીસ્ટ્રી, ઓર્થોપેડિક સર્જરી અથવા કાર્ડિયોલોજિસ્ટને લગતી કામગીરી પણ ઘટી છે. અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ ટેક્સ ચુકવવામાં ફાર્મા સેક્ટર આગળ હતું.
ગુજરાતને ભારતના ફાર્મા હબ તરીકે ઓળખવામાં આવે છે. વાઈબ્સ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે ફાર્મા સેક્ટરમાં તાજેતરમાં હૈદરાબાદ ગુજરાત કરતા કઈ રીતે આગળ નીકળી ગયું છે.
ભારતમાં ફાર્માસ્યુટિકલ ટર્નઓવર અને નિકાસ બંનેમાં ગુજરાત 20 ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં લગભગ 3500 જેટલા દવા ઉત્પાદક એકમો છે. ગુજરાતમાં ઝાયડસ કેડિલા, ટોરેન્ટ ફાર્મા, ક્લેરિસ, ઇન્ટાસ ફાર્મા અને એલેમ્બિક જેવી મોટી કંપનીઓ આવેલી છે. ઝાયડસ કેડિલાને ઝાયકોવ-ડી ડોઝ માટે મંજૂરી મળી છે. કોવિડને લગતી દવાઓના ઉત્પાદનના કારણે ટોરેન્ટ ફાર્માએ પણ સારો દેખાવ કર્યો છે.
રવિન્દ્ર કુમારે જણાવ્યું કે ગુજરાતમાં આવેલી સોફ્ટવેર અને ટેકનોલોજી આધારિત કંપનીઓ ટોચની કરદાતા છે. ઓટીટી પ્લેટફોર્મે પણ સારો દેખાવ કર્યો છે. વ્યક્તિ દીઠ ડેટાના વપરાશમાં 50 ગણો વધારો થયો છે. ટીસીએસે પણ ઉજ્જવળ દેખાવ કર્યો છે તેમ તેમણે કહ્યું હતું.
ભારતની આઝાદીના 75 વર્ષ અને ઇન્કમટેક્સના 161 વર્ષની ઉજવણી નિમિતે સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહી છે. તેના ભાગરૂપે ડિરેક્ટર જનરલ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ ટેક્સ પેયર્સ સર્વિસિસે સંવાદ નામે એક કોમ્યુનિકેશન સેન્ટર શરૂ કર્યું છે. સીબીડીટીના ચેરમેન જગન્નાથ મોહપાત્રાએ 15 જુલાઈએ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે કહ્યું કે અગાઉ અમારી પાસે ડેટા એનાલિસિસ ન હતું તેથી કરચોરો સરળતાથી છટકી જતા હતા. પરંતુ હવે તમારા પર નજર રાખવામાં આવી રહી છે તેથી ટેક્સ ચુકવી દેવામાં જ ભલાઈ છે. તેમણે ટેક્સ રિટર્નમાં સ્વૈચ્છિક કોમ્પ્લાયન્સ પર ભાર મૂક્યો હતો.
કરવસુલાતને અસર
કુમારે સ્વીકાર્યું કે છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાતમાં ટેક્સ વસુલાતમાં ઘટાડો થયો છે. ઘણા લોકો અર્થતંત્રને યોગદાન આપી રહ્યા હતા તેમણે કોવિડ વખતે પોતાની જોબ ગુમાવી છે અને ટેક્સની વસુલાતમાં આ બાબતનું પ્રતિબિંબ પડે છે. 2020-21માં ટેક્સ વસુલાતમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ટેક્સ વસુલાત વધશે તેમ લાગે છે. તેમણે ઉમેર્યું કે અમે જ્યારે 1986માં સર્વિસમાં જોડાયા ત્યારે દેશની કુલ ટેક્સ વસુલાત 10,000 કરોડ રૂપિયા હતી. પરંતુ 2019-20માં અમે 14 લાખ કરોડની ટેક્સ વસુલાત કરી હતી.