મૃત્યુ વખતે પણ દિલીપ કુમારે ભારત, પાકિસ્તાનને એક કર્યા

| Updated: July 10, 2021 11:32 am

ક્રિકેટ હોય, હોકી હોય, ફિલ્મ હોય કે પછી રાજનીતિ. આ બધામાં ભારત અને પાકિસ્તાનના વિચાર અલગ અલગ રહ્યા છે. પણ એક વ્યક્તિએ બંનેને ભેગા કર્યા છે અને એ છે દિલીપકુમાર. તેઓ ભારતમાં જેટલા મોટા સ્ટાર અને સુપ્રસિદ્ધ કલાકાર હતા, એટલી જ લોકચાહના તેમણે પાકિસ્તાનમાં પણ મેળવી હતી. 7 જુલાઈ 2021ના દિવસે જ્યારે એમણે પોતાના જીવન રૂપી ફિલ્મનો છેલ્લો સિન ભજવ્યો, ત્યારે તેમણે વર્ષો જૂના વિરોધી રહી ચૂકેલા ભારત અને પાકિસ્તાનને થોડી ક્ષણો માટે એક કરી દીધા હતા.

11 ડિસેમ્બર 1922ના રોજ પેશાવરમાં જન્મેલા મોહમ્મદ યુસુફ ખાન નાના હતા ત્યારે તેમના પિતાએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. અગાઉ તેઓ પેશાવરમાં ફળોનો વેપાર કરતા હતા. મોહમ્મદ યુસુફ ખાનના પિતાનો એક જ લક્ષ્ય હતો કે તેમના સંતાનો માટે તેઓ એક બહેતર જીવન પૂરું પાડી શકે. તેમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમનું એક સંતાન મોટી હસ્તિ બની નામના પ્રાપ્ત કરશે.

વર્ષ 2006માં જ્યારે દિલીપકુમારની બ્લેક એન્ડ વ્હાઇટ મુઘલ-એ-આઝમને કલર ફિલ્મ તરીકે ફરી એક વાર રિલીઝ કરવામાં આવી, ત્યારે પાકિસ્તાન પણ આનંદથી ઝળહળી ઉઠ્યું હતું. પાકિસ્તાનના નીસત સિનેમા, જે અત્યારે કાર્યરત નથી, તેને એક ભવ્ય મુઘલ સમ્રાટના મહેલની જેમ શણગારવામાં આવ્યું હતું. પાકિસ્તાન અને ખાસ કરીને દિલીપકુમારના ચાહકો માટે 2006ની એ ક્ષણો ઐતિહાસિક રહી છે જ્યારે પાકિસ્તાનના કોઇ થિયેટરોમાં ભારતીય ફિલ્મ રજૂ કરવામાં આવી હોય.

ભારત અને પાકિસ્તાનના કડવા સંબંધો વચ્ચે એક વાત હંમેશા અડગ રહી છે અને એ છે પોતાના જન્મસ્થાન પેશાવર માટે દિલીપ કુમારનો અખૂટ પ્રેમ.

દેશના ભાગલા પછી 1988માં દિલીપ કુમારે પોતાના વડવાઓ જ્યાં વસ્યા હતા એ પેશાવરની કિસ્સા ખાવની બજારમાં ખુદદ કોલોનીમાં પોતાના જન્મસ્થળ ની મુલાકાત લીધી હતી. દિલીપ કુમારને વારંવાર યાદ કરતા વરિષ્ઠ પત્રકાર કમર અહેમદ પોતાની આત્મકથા “ફાર મોર ધન અ ગેમ”માં પણ દિલીપ સા’બ સાથેના પોતાના સ્મરણો વિશે લખ્યું છે. 1947 માં આવેલી ફિલ્મ જુગનુંને થિયેટરમાં પહેલીવાર જોઈ રહેલા વરિષ્ઠ પત્રકારને જીવનમાં ક્યારેય કલ્પના નહોતી કરી કે જુગનું ફિલ્મના હીરો તેમને 30 વર્ષ પછી પોતાની ફિલ્મનું શૂટિંગ જોવા માટે આમંત્રિત કરશે.

“1979-1980ની ભારતની ઐતિહાસિક ક્રિકેટ ટુર વખતે, પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા યોજવામાં આવેલા એક સમારંભમાં હું પ્રથમ વખત દિલીપ કુમારને મળ્યો. તેના થોડા દિવસો પછી અમે દેવ આનંદના ઘરે ફરીથી મળ્યા અને ત્યારે જ તેમણે મને પોતાની ફિલ્મ શક્તિના સેટ પર આવવા માટેનું આમંત્રણ આપ્યું. મારા પ્રિય હીરોને તેમના સેટ પર એક્ટિંગ કરવાની મારી યાદો મારા જીવન ની સૌથી પ્રિય અને વિશેષ છે. “

હાલમાં જ ટ્વીટર પર દિલીપ કુમાર સાથેની શક્તિ ફિલ્મ સેટ પર લેવાયેલી તસવીર કમર અહેમદ એ શેર કરી છે, જેમાં ફિલ્મ સેટ પર અમિતાભ બચ્ચનની સાથે દિલીપ કુમાર અને તેમના બાળપણના મિત્ર અને પાકિસ્તાની એક્ટર મોહમ્મદ અલી અને તેમના પત્ની ઝેબા પણ છે.

પાકિસ્તાન સરકારે દિલીપ કુમારના પૂર્વજોની જગ્યાને રાષ્ટ્રીય વારસો ગણી 2012માં તેના વિશે જાહેરાત કરી હતી. દિલીપ કુમારની સાથે પેશાવરમાં બોલીવૂડ સ્ટાર રાજ કપૂરના પૂર્વજોના ઘરની પણ જાળવણીની જાહેરાત કરી, પરંતુ આજ સુધી સ્થાનિક સત્તા અને પાકિસ્તાનની સરકાર વચ્ચે આ વિશે ઘમાસાણ ચાલુ છે.

મુંબઈમાં સ્થાયી થયા પછી 1988માં પહેલી વાર દિલીપ કુમારે પાકિસ્તાન અને પોતાના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. તેમની એ મુલાકાત વિશે વાત કરતા ત્યાંના રહીશો આજે પણ દિલીપ કુમારને યાદ કરે છે અને તેમનાં ઘર પાસેની મસ્જિદમાં તેમણે અદા કરેલી નમાઝ અને પાડોશીઓ સાથે સમય વિતાવ્યો હતો તેને યાદ કરે છે.

પત્રકાર અલ્તામિશ જીવાએ દિલીપ કુમાર વિશે જણાવતાં કહ્યું હતું કે તેમના પિતા નઝીમ જીવાહના આગ્રહને માન આપીને દિલીપ કુમારે 1988માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને પોતાના જન્મસ્થળથી જાણે તેઓ એકદમ વાકેફ હોય તેમ સરળતા અનુભવી રહ્યા હતા.

હું ફક્ત ચાર વર્ષનો હતો જ્યારે દિલીપ સાહેબ પાકિસ્તાન પધાર્યા હતા. પણ મને આજે પણ મારા માતા-પિતા સાથે ને તેમની અને તેમના પત્ની સાયરા બાનુના મુલાકાતની યાદો તાજી છે. તેઓ ખૂબ જ સરળ, નિખાલસ દંપતી હતા. તેઓ જ્યાં જ્યાં ગયા, બધાની નજર તેમના પર હતી છતાં પણ તેઓ એકદમ સરળ અને સહજ ભાવ અનુભવી રહ્યા.

અલ્તામિશ જીવા એક કિસ્સો યાદ કરતા કહે છે, દિલીપ કુમાર અને સાયરા બાનુની પાકિસ્તાન મુલાકાત પહેલાં તેમના શિક્ષકો તેમને સજા કરતા. “જ્યારથી એવી વાત ફેલાઈ દિલીપ કુમાર અને સાયરા બાનુ મારા માતા-પિતાને મળ્યા છે અને તેમના મિત્રો છે, ત્યારથી મારી તરફ મારા શિક્ષકોનું વલણ બદલાઈ ગયું. તેમને આશા હતી કે કદાચ તેમને પણ મહાનાયકને મળવાનો મોકો મળી જાય.”

દિલીપ કુમાર અને સાયરા બાનુની પાકિસ્તાનની પ્રથમ મુલાકાતના ફોટા પણ અલ્તામિશે સોશિયલ મીડિયા પર મૂક્યા છે અને કહે છે કે “તેમનું સ્વાગત એક રાજાની જેમ થયું હતું. આખરે તેઓ કિંગ જ હતા- ટ્રેજેડી કિંગ!”

એક દાયકા પછી દિલીપ કુમાર જ્યારે બીજી વખત પાકિસ્તાનની મુલાકાતે ગયા ત્યારે પાકિસ્તાન રાષ્ટ્રપતિએ નિશાન-એ-પાકિસ્તાનથી તેમને સન્માનિત કર્યા હતા. નિશાન-એ-પાકિસ્તાન એ પાકિસ્તાનનો સૌથી મોટો રાષ્ટ્રીય પુરસ્કાર છે. દિલીપ કુમારે તેમની પ્રતિભાથી બંને દેશોને એક કર્યા હતા અને તેઓ ભારતની એકમાત્ર એવી વ્યક્તિ છે જેને પાકિસ્તાને આ બિરુદથી નવાજ્યાં છે.

પાકિસ્તાનના ખ્યાતનામ કલાકારો પણ દિલીપ કુમારના ખૂબ મોટા ફેન રહી ચૂક્યા છે અને પોતાના શરૂઆતના દિવસોમાં દિલીપ સા’બની છાંટ સાથે એક્ટિંગ કરી ચૂક્યા છે. તેમાં વાહિદ મુરાદ અને નદીમ જેવા એક્ટરનો પણ સમાવેશ થાય છે. ભારતની જેમ જ પાકિસ્તાનમાં પણ તેઓ ભગવાનની જેમ પૂજાય છે. જ્યારે પણ કોઈ પાકિસ્તાની નાયકે ટ્રેજેડી રોલ કર્યા છે ત્યારે તેઓ અવશ્ય કહે છે કે દિલીપ સાહેબ તેમના પ્રેરણામૂર્તિ રહ્યા છે.
વાઘા બોર્ડરની આ તરફ પણ દિલીપ કુમારને ચાહવા વાળો વર્ગ એટલો મોટો હતો કે તેમના નિધન બાદ એક સમૂહે પેશાવરમાં તેમના જન્મ સ્થળે નમાઝે જનાઝા અદા કરી હતી. તેઓ દિલીપ કુમારને પોતાની જમીનના સંતાન માનતા હતા અને એ સંબંધને આ સમૂહે દિલીપ સા’બના મૃત્યુ પછી પણ અકબંધ રાખ્યો.

Your email address will not be published.