આદિજાતિના 14 જિલ્લાના સવા લાખ ખેડૂતો માટે સરકારનું ખાતર-બિયારણ કિટ વિતરણ

| Updated: May 24, 2022 2:46 pm

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના ખેડૂતલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દરેક વર્ગને ખુશ કરવા પ્રયત્ન કરી રહી છે. તેમા પણ ખાસ કરીને ખેડૂતોને રાજી કરવામાં સરકાર કોઈપણ કસર છોડવા માંગતી નથી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાના 1 લાખ 23 હજાર આદિજાતિના ખેડૂતોને કૃષિ વૈવિધ્યીકરણ યોજના 2022-23 અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

સરકાર દ્વારા કૃષિ વૈવિધ્યીકરણની યોજના હાથ ધરવામાં આવી છે. આ યોજના હેટળ ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના 0.5 એકર એટલે અડધો એકર કે તેના જેટલી જમીન ધરાવતા આદિજાતિના 75 હજાર ખેડૂતોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિસ્તરણ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં અંદાજે 48,000 લાભાર્થીઓને સુધારેલા શાકભાજીની બિયારણ ખાતર કિટ વિતરીત કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા 20212થી અમલમાં આવેલી આ કૃષિ વૈવિધ્યીકરણની યોજનામાં દર વર્ષે 30થી 35 કરોડના ખર્ચે અંદાજે એક લાખથી વધુ આદિજાતિના ખેડૂતોને લાભ આપવામાં આવે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ અને 14 આદિજાતિ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ અપાય છે.

અત્યાર સુધીમાં 11.69 લાખ ખેડૂતોને 260 કરોડથી વધુનો યોજનાકીય લાભ અપાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષથી ઓનલાઇન પોર્ટલ પર આદિજાતિ લાભાર્થી ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે.

આદિજાતિ ખેડૂતોને હવે કચેરી સુધી અરજી માટે જવુ ના પડે તેમજ  ઘરે બેઠા પોતાની અરજીની વિગતો જાણી શકે તેવી આ પારદર્શી પદ્ધતિમાં રજિસ્ટ્રેશનથી લઇને લાભ મંજૂરી સુધી સમગ્ર બાબતો ઓનલાઇન કરવામાં આવી છે. આ સાથે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 143 આશ્રમ શાળાઓને મકાન બાંધકામ માટે 83.96 કરોડનું પ્રોત્સાહક અનુદાન પણ સિંગલ ક્લિકે અર્પણ કર્યુ હતું.

જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના બાળકોને શિક્ષણની સગવડ આપવા માટે રાજ્ય સરકારે આવી આશ્રમ શાળાઓ શરૂ કરેલી છે. આદિજાતિ વિભાગ હેઠળની રાજ્યભરની 661 જેટલી આશ્રમ શાળાઓમાં અંદાજે 91 હજારથી વધુ આદિજાતિ બાળકોને રહેવા જમવાની સગવડ સાથે પહેલાથી બારમાં ધોરણનું શિક્ષણ વિનામૂલ્યે અપાય છે. તેમણે આદિજાતિ જિલ્લા સાબરકાંઠાના લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો.

Your email address will not be published.