પોકર જુગારની આદત પડી જતાં ખોખરાનો ડોક્ટર લાખો રુપિયા હારી ગયો હતો. 26 લાખથી વધુનું દેવુ થઇ જતાં તેણે ગત વર્ષે અકસ્માતનું બહાનું કરી પોતાના પિતા પાસે 12 લાખ પડાવ્યા હતા. આમ બીજુ દેવું ઉતારવા તેણે અપહરણનો પ્લાન બનાવી 15 લાખની માંગણી પિતા પાસે કરી હતી પરંતુ આ વખતે પોલીસે ગુનો નોધી દેતા ડોકટર જ ફસાઇ ગયો હતો. આ અંગે ખોખરા પોલીસે નકલી અપહરણ કરી પૈસા પડાવવાનો કિમીયો કરનાર ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખોખરા વિસ્તારમાં કીરીટભાઇ ચીમનલાલ શાહ પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર સંકેત શાહ (ઉ.33) ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે આઇસાઇટ વિઝન કેર નામે આંખની હોસ્પિટલ ધરાવે છે. ગત 3 ઓગસ્ટના રોજ સવારે પોણા દસ વાગ્યે સંકેતનો કોલ આવ્યો હતો અને હેલો હેલોનો અવાજ આવતો હતો અને ફોન કટ થઇ ગયો હતો. દરમિયાનમાં ફરી સંકેતનો કોલ આવ્યો હતો અને હિન્દીમાં કોઇ શખસ જણાવી રહ્યો હતો કે, તુમ્હારા લકકડા મેરે કબ્જે મેં હૈ, તેમ કહી ફોન કટ કરી દીધો હતો. બાદમાં વોટ્સઅપ અને ટેક્સમેસેજ આવ્યો હતો કે, તુમ્હારા બેટા મેરે કબ્જે મેં હે તુમ્હે જીંદા ચાહીએ તો 15 લાખ રુપીયે દો બજે રેડી રખના દો બજે મેં બતાઉગા પૈસા લેકે કહા આના હૈ, ઔર તુમ્હારા બેટા કહા મીલેગા ઔર ગલતી સે ભી પુલીસ કો ઇન્ફોરમ કીયા તો બેટા ક્યાં ઉસકી લાશ ભી નહી મિલેગી. બાદમાં સંકેતનો ફોન બંધ થઇ ગયો હતો.
બાદમાં પૈસા માટે સમય જોઇએ તેવો મેસેજ કરતા કોલ આવ્યો અને જણાવ્યુ કે, ચાર બજે પૈસા લેકર સાઇન્સ સીટી કે હેટ પાસ પહોચ જાના, તબ બતાઉંગા કહા જાના હૈ. મારી પાસે 10 લાખની વ્યવસ્થા થઇ હોવાનો મેસેજ કર્યો હતો. ફરી મેસેજ આવ્યો કે, લગતા નહી કે તુમહે બેટા સહી સલામત ચાહીએ, સાયન્સ સીટી કે ગેટ સે કહા આના હૈ અગર પાંચ મીનીટ મેં રીપ્લાય આયા તો ઠીક હૈ વરના બેટા ભુલ જાના. આ અંગે પોલીસને જાણ કરતા ગુનો નોધાયો હતો અને પોલીસ તપાસમાં જોડાઇ ગઇ હતી.
દરમિયાનમાં ક્રાઇમ બ્રાંચે ટેકનીકલ એનાલીસીસ આધારે ડોકટર સંકેત કિરીટભાઇ શાહને સાઉથ બોપલ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. ડોક્ટર સંકેતની પુછપરછ કરતા બહાર આવ્યું હતું કે, પોતે 2015થી 2019 દરમિયાન બેંગલોર ઓપ્થલમોલોજીસ્ટની ડીગ્રી માટે ભણ્યો હતો. વર્ષ 2017થી પોકરબાઝી.કોમ નામની ઓનલાઇન એપ્લિકેશનના જુદા જુદા વેરીએશન પ્લેંઇગ કાર્ડ ઉપર પોકર ગેમ રમવાનું શરુ કર્યું હતુ. તેમાં ઓન લાઇન કેસ ડીપોઝીટ જમા કરી પોકરની જુદી જુદી ગેમો રમતો હતો. ગેમ રમવાની આદત પડી જતાં લાખો રુપીયા હારી ગયા હતા. પોતાના મિત્રો પાસેથી ગેમ રમવા માટે આશરે 26.50 લાખ દેવું થઇ ગયું હતુ. જેથી પોતાની નેક્શોન ગાડી પણ ગીરવે મુકી દીધી હતી.
આ દેવુ ઉતારવા માટે જાતેજ પોતાનું અપહરણ કર્યાનો પ્લાના બનાવ્યો અને મેસેજ પોતાના પિતાને મોકલ્યો હતો. દેવું વધી જતા ગત વર્ષે દાણીલીમડામાં અકસ્માત થયો અને પતાવટ માટે 12 લાખની માંગણી કરી હોવાનું પિતાને જાણાવી તેમની પાસેથી પૈસા લીધા હતા. આ અંગે ડોક્ટરની પોલીસે ધરપકડ કરી ખોખરા પોલીસને આરોપી સોપવાની તજવીજ હાથ ધરી છે.