કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલાં ડોક્ટરોને VOIની સલામ

| Updated: July 1, 2021 9:33 pm

કોરોનાની બીજી લહેરમાં બધાએ ઘણું સહન કરવાનું આવ્યું છે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને કેટલાક તો સારવાર પણ મેળવી શક્યા નથી. આ દરમિયાન ભારતની મેડિકલ સિસ્ટમ પર અસાધારણ બોજ આવ્યો હતો અને તબીબોએ દર્દીઓને બચાવવા માટે રાત-દિવસ મહેનત કરવી પડી હતી. આ દરમિયાન ઘણા દર્દીઓ પણ કોરોનાના સકંજામાં આવી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. વાઈબ્સ ઓફ ઇન્ડિયા આ ડોક્ટરોને સલામ કરે છે. અહીં કેટલાક તબીબો વિશે જણાવ્યું છે જેઓ સેવા બજાવતા બજાવતા મૃત્યુ પામ્યા હતા.

ડો. અનિમેષ દેસાઈ

73 વર્ષના ડો. અનિમેષ દેસાઈ કોરોના કાળ દરમિયાન દવાખાને જવામાં સક્ષમ નહોતા, તો તેમણે દર્દીઓની સેવા ઘરેથી કરીને પણ પોતાની ફરજ બજાવી. ડો. અનિમેષ દેસાઈ દર્દીઓને બહારનું ખાવાની ના પાડતા, પણ પોતે બહારનું ખાવાના શોખીન હતા. 73 વર્ષની ઉંમર તેઓ યુવાનોની માફક ઉત્સાહી હતા. જુદી-જુદી વાનગીઓ ખાવાનો અને બહાર ફરવાના શોખીન હતા. અમદાવાદ શહેરનાં ત્રણ દવાખાનામાં છેલ્લા 40 વર્ષથી સતત દર્દીઓની સારવાર કરતા હતા. કોરોનામાં જ્યારે પરિવારે દવાખાને જવાની ના પાડી તો તેઓ ઘરેથી જ દર્દીઓની સારવાર કરવા લાગ્યા. ડો. અનિમેષ દેસાઈ અમદાવાદ મેડિકલ એસોસિએશન પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. આ વર્ષે મે મહિનાની 10મી તારીખે તેમને કોરોના પોઝિટિવ આવ્યો અને માત્ર ચાર દિવસમાં જ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું.


ડો. એન.ડી. ઘાસૂરા

ડો. એન.ડી ઘાસૂરા પાછલા 79 વર્ષથી રાજ્યમાં આવેલી દરેક મહામારીમાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેઓ ગુજરાત સરકારમાં હેલ્થ સર્વિસના એડિશનલ ડિરેક્ટર અને દિલ્લી સ્થિત WHOમાં પણ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. સુરતમાં પ્લેગ ફાટયો હતો ત્યારે તેમણે પોતાની અસરકારક સેવાઓ આપીને પ્લેગ પર કાબુ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ સ્વભાવે કડક હતા, પરંતુ લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતા હતા. 58 વર્ષની ઉંમરે તેઓ નિવૃત્ત થયા હતા, પણ જ્યારે કોરોના મહામારીમાં સરકારને તેમના અનુભવની જરૂર પડી ત્યારે તેઓ તરત મદદ માટે આવીને ઉભા રહ્યા. એપ્રિલના અંતમાં તેઓ પણ કોરોનાગ્રસ્ત થયા અને ચાર દિવસની અંદર તેમનું અવસાન થયું હતું.


ડો.પ્રતાપ ટાંક

70 વર્ષના ડોક્ટર પ્રતાપ ટાંક કોરોના થયો તેના 7 દિવસ પહેલાં સુધી દર્દીઓની સેવા કરી રહ્યા હતા. જૂની ફિલ્મો અને જૂના ગીતો સંભાળવાના શોખીન ડોક્ટર ટાંક સ્વાભવના ખૂબ સૌમ્ય હતા. એપ્રિલના અંતમાં ડો.પ્રતાપને કોરોના પોઝીટીવ આવ્યો હતો જ્યારે તે 21 એપ્રિલ સુધી દવાખાને જઈને દર્દીઓની સેવા કરી રહ્યા હતા. ડો. પ્રતાપ પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર હતા. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા અને આપણે એક ઉમદા ડોક્ટર ગુમાવ્યા.

Your email address will not be published.