એસીબીમાં પકડાયેલા સાણંદના સબ રજીસ્ટ્રારના ઘરેથી 263 દસ્તાવેજો મળ્યા

| Updated: May 23, 2022 8:57 pm

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલી સબ રજીસ્ટ્રારની કચેરી મહેસુલ ભવન ખાતે સબ રજીસ્ટ્રાર અને તેનો સાગરીત 11 લાખની લાંચ લેતા પકડાયા હતા. તેની તપાસમાં એસીબીએ આરોપીના ઘરે સર્ચ કરતા 263 દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તમામ દસ્તાવેજો કચેરીમાં નોંધ પડી હતી અને તે 2018 પછી પડેલા દસ્તાવેજોની કોપી હતી. આરોપીના કાકા ગાંધીનગરમાં એઆરટીઓ હતા ત્યારે તેઓ પણ 10 હજારની લાંચ લેતા પકડાયા હતા. આરોપીની પત્ની પણ સબ રજીસ્ટ્રાર તરીકે નોકરી કરે છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા.

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલી સબ રજીસ્ટ્રારની કચેરી મહેસુલ ભવન ખાતે 11 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર વિષ્ણુભાઇ પટેલ અને તેમનો સાગરીત મોમીન રીઝવાન લુલામ રસુલને એસીબીએ રંગેહાથે પકડી પાડ્યો હતો. એક વ્યક્તિનું 3 દસ્તાવેજનું કામ રાખ્યું હતુ જે 3 દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરીયાદીને જીતેન્દ્ર પટેલે નોંધણી કરી છોડી આપ્યા હતા. એક દસ્તાવેજ છોડી આપ્યો ન હતો.

આમ જીતેન્દ્ર પટેલે અગાઉના બે દસ્તાવેજ અને તેમની પાસે રાખેલો એક દસ્તાવેજ મળી તેના અવેજ પેટે 18 લાખની માંગણી કરી હતી. આખરે 11 લાખમાં ત્રણે દસ્તાવેજનું કામ કરવાનું નક્કી થયું હતુ.આખરે ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી આરોપીને રંગેહાથે પકડી પાડ્યો હતો. તેના ઘરે સર્ચ કરી મોટી માત્રામાં દસ્તાવેજો કબ્જે કરતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.

Your email address will not be published.