પોતાને ગેંગસ્ટર ગણાવીને પૂર્વ અમદાવાદમાં ધાક જમાવતા ગૌરવ ચૌહાણની પોલીસે ‘સરભરા’ કરી

| Updated: October 14, 2021 8:18 pm

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુંડાગીરી કરનારો અને અનેક ગુનામાં સંડોવાયેલો ગૌરવ ચૌહાણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં આશિષ દોશી નામના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે ગૌરવે પૈસાની લેતીદેતીમાં તેની સાથે મારામારી કરી હતી અને ધમકી આપી હતી.

આ ફરિયાદનાં આધારે ખોખરા પોલીસે ગૌરવ ચૌહાણ ઉપરાંત સૌરવ ચૌહાણ, અજય ઉર્ફે કાન્ચો તેમજ શરદ સહિત 2 અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.

ફરિયાદીએ ગૌરવ ચૌહાણ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, જેનું વ્યાજ તે નિયમિત ચુકવતો હોવા છતાં વધુ પૈસાની માંગણી કરી ગૌરવે ઓફિસમાં બોલાવી માર મારી બળજબરીપૂર્વક પૈસા પડાવવા પ્રયાસ કર્યો હતો. આ અંગે ખોખરા પોલીસે ગૌરવ ચૌહાણ સહિત એક સાગરીતની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી ગૌરવ ચૌહાણ સામે 20થી વધુ ગુના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. તેની સામે ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયેલો હોવાથી ખોખરા પોલીસે આરોપીનાં રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરવા તજવીજ તેજ કરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસે પોલીસે પોલીસ મથક બહાર હાથ જોડાવી સરભરા કરાવી હતી. આરોપી ગૌરવ પોતાની જાતને મુંબઈના પૂર્વ ગેંગસ્ટર માયા સાથે સરખાવતો હતો અને પોતાની જાતને ગેંગસ્ટર સમજતો હતો. આ ગેંગનો ડર દૂર થાય તે માટે પોલીસે આરોપીઓ પાસે હાથ જોડાવ્યા હતા, જેથી લોકો આ ગેંગથી ભયભીત ન થાય.

Your email address will not be published. Required fields are marked *