શિક્ષણનો અર્થ માત્ર સાક્ષરતા જ નહિ, પણ કેળવણી છે: ગાંધીનગર કલેકટર ર્ડા. કુલદીપ આર્ય

| Updated: June 23, 2022 5:46 pm

શિક્ષણનો અર્થ માત્ર સાક્ષરતા જ નહિ, પણ કેળવણી છે, તે નિયમિત શાળાએ આવવાથી મળે છે, તેવું આજરોજ કલોલ તાલુકાના સાસંદ આર્દશ ગામ તરીકે પસંદ પામેલા બિલેશ્વરપુરા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું.

સાક્ષરતાનું પ્રમાણ રાજયમાં વઘી રહ્યું છે, તેનો આનંદ વ્યક્ત કરતાં જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, શિક્ષણ થકી જ આપ જીવનમાં નક્કી કરેલા લક્ષ્યાંક સુઘી જઇ શકો છો. ૨૧મી સદીને જ્ઞાનની સદી કહેવાય છે, આ સદીમાં ભણતર સિવાય આપની પાસે કોઇ વિકલ્પ નથી. તેમજ શિક્ષણ જીવનની કોઇપણ પરિસ્થિતિનું સમાઘાન કરી આપે છે. શિક્ષણ વિના સમાજમાં પરિવર્તન લાવવું અશક્ય છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છેલ્લા એક દાયકા જેટલા સમયથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ મહોત્સવ થકી આજે સમાજમાં શિક્ષણ અંગેની જાગૃત્તિ આવી છે. સામાન્ય માણસ પણ પોતાના બાળકોને શાળાએ મોકલી રહ્યો છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે. શાળાઓમાં નામાંકન ૧૦૦ ટકા થઇ રહ્યું છે.

શિક્ષણ થકી જ મહિલા સશક્તિકરણને સાર્થક કરી શકાય છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સ્ત્રીઓની સંખ્યા વઘવાથી મહિલા સશક્તિકરણ થતું નથી. પણ શિક્ષણ મેળવી પગભર બનેલ મહિલાઓ જયારે ઘરની વાતથી લઇ કોઇપણ નિર્ણય કરવામાં પોતાના વિચાર રજૂ કરી શકે છે, તેમની વાતનો સ્વીકાર થાય છે, તે સાચું મહિલા સશક્તિકરણ છે.
તેમણે પોતાની બચપનની વાતને યાદ કરતા કહ્યું હતું કે, હું નાનો હતો, ઘોરણ-૧ માં શાળાએ ગયો, તે વખતે પ્રથમ દિવસે મને મારા પિતાજી શાળાએ મૂકી ગયા હતા. પરંતુ આજે ઘોરણ- ૧માં પ્રવેશ મેળવતા બાળકને આવકારવા સમગ્ર શાળા પરિવાર સાથે ગ્રામજનો શાળા પ્રવેશોત્સવના થકી એકઠા થયા છે. આ વાત તે બાળકના માનસપટ પર જીવનભર રહે છે.

જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના હસ્તે કલોલ તાલુકાના બિલેશ્વરપુર ગામની પ્રાથમિક શાળામાં ઘોરણ- ૧માં કુમાર- ૧૮ અને કન્યા ૨૫ મળી કુલ- ૪૩ બાળકોની પ્રવેશવિઘી સંપન્ન થઇ હતી. તેમજ આંગણવાડીમાં કુમાર-૫ અને કન્યા ૩ મળી કુલ- ૮ ભુલકાઓની પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઘાનોટ ગામમાં ઘોરણ- ૧માં કુમાર- ૧૪ તથા કન્યા ૧૮ મળી કુલ- ૩૨, આંગણવાડીમાં કુમાર- ૨ અને કન્યા – ૨ મળી કુલ- ૪ ભુલકાઓની પ્રવેશવિઘી મહાનુભાવોના હસ્તે સંપન્ન થઇ હતી. ગોગાપુરા પ્રાથમિક શાળામાં કુમાર- ૨૫ અને કન્યા ૨૦ મળી ૪૫ બાળકો અને આંગણવાડીમાં કુમાર- ૧૦ અને કન્યા ૧૨ મળી કુલ- ૨૨ ભુલકાઓની પ્રવેશવિઘી સંપન્ન કરાવવામાં આવી હતી. તમામ શાળામાં કલેકટરશ્રી અને મહાનુભાવોના હસ્તે ઘોરણ-૧ ના બાળકોને દફતર, પેન્સિલ, કપાસ, નોટબુક અને પુસ્તકો આપી પ્રવેશવિઘી સંપન્ન કરાવવામાં આવી હતી. તેમજ આંગણવાડીના ભુલકાઓને દફતર સાથે રમકડાની કિટ અને મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની અંતર્ગત બિલેશ્વરપુરા, ઘાનોટ અને ગોગાપુરા ગામ ખાતેની તમામ પ્રાથમિક શાળામાં કલેકટરશ્રીના હસ્તે શાળામાં આસોપાલ વૃક્ષ વાવવામાં આવ્યું હતું. તેમજ તમામ શાળામાં ઘોરણ-૧ થી ૮ વર્ગખંડમાં પ્રથમક્રમે આવેલા બાળકોનું અને શાળામાં દાન કરનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરી હતી. કિશોરીઓ, સગર્ભાબેનો અને ઘાત્રી માતાઓને પૌષ્ટિક આહારની કીટ પણ તમામ ગામમાં કલેકટરશ્રીના હસ્તે આપવામાં આવી હતી.

Your email address will not be published.