સારંગપુરમાં આઠ લાખની એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ

| Updated: June 21, 2022 4:49 pm

અમદાવાદના સારંગપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા રથયાત્રાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે વેળા આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ આરોપી પાસેથી 80 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેની કિંમત 8 લાખ 36 હજારથી વધુ થાય છે. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સોમવારે સાંજે સારંગપુર બ્રિજ પાસે પણ પોલીસનું ચેકિંગ ચાલતું હતું. ત્યારે એક શખ્સ હાથમાં બેગ લઈને પસાર થતો હતો. તે પોલીસને જોઈને અચાનક ભાગ્યો હતો. પોલીસે આ શખ્સ કેમ ભાગ્યો તેવી શંકાના આધારે ફિલ્મી સ્ટાઈલે દોડીને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં તેની પાસેની બેગમાંથી એક સફેદ રંગના પાઉચમાં પોલીસને ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસે આ વ્યક્તિની પુછપરછ કરતાં તેનું નામ ગણપત બિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. તે રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર નજીકનો રહેવાસી હોવાની વિગત પણ પોલીસને મળી હતી. આ ડ્રગ્સ તે અમદાવાદમાં કોને અને કેટલા લોકોને ડિલિવર કરવા આવ્યો હતો. તેની વિગત પોલીસને મળતાં તેમને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દેવાયા છે. તે ઉપરાંત આ વ્યક્તિની પોલીસે વધુ પુછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

Your email address will not be published.