કોલ ઇન્ડિયાના કોલસાની આયાતના ટેન્ડરમાં અદાણી સહિત 11 કંપનીઓએ રસ દાખવ્યો

| Updated: June 22, 2022 4:07 pm

નવી દિલ્હીઃ કોલ ઇન્ડિયા દ્વારા કોલસાની આયાતનું ટેન્ડર તરતું મૂકવામાં આવ્યું છે, તેમા અદાણી, મોહિત મિનરલ અને ચેટ્ટિનલ લોજિસ્ટિક્સ સહિત 11 કોલ આયાતકારોએ રસ દાખવ્યો છે પ્રી-બિડ મીટિંગમાં રસ ધરાવતા બિડરોને બિડ પ્રાઇસ વેલિડિટીનો સમગગાળો 90 દિવસથી ઘટાડીને 60 દિવસનો કરવામાં આવ્યો હોવાનું કહેવાયું છે.

મંગળવારે થયેલા રેગ્યુલેટરી ફાઇલિંગમાં કોલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કોલસાના કુલ 11 આયાતકારોએ કંપનીના અધિકારીઓ સાથે સત્ર યોજ્યું હતું. આ બિડિંગમાં જાણીતી ભારતીય કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝીસ, મોહિત મિનરલ્સ, ચેટ્ટિનાલ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. વિદેશમાં કોલસાની નિકાસ કરનારી કેટલીક કંપનીઓએ પણ રસ દાખવ્યો હતો. તેમા ઇન્ડોનેશિયાની કંપનીનો સમાવેશ થાય છે.

કોલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ ટેન્ડરમાં બિડરોની વિનંતીના પગલે બિડ પ્રાઇસ વેલિડિટીનો સમયગાળો 90 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. કોલ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી કોલસાની ઉત્પાદક છે. તેણે 14થી 17 જુન દરમિયાન પ્રી-બિડ મીટિંગ યોજી હતી. તેમા કોલસાની આયાત કરનારી સંભવિત એજન્સીઓ કે કંપનીઓએ ભાગ લીધો હતો. તેઓએ તેમા રસ દાખવ્યો હતો. કોલ ઇન્ડિયાએ કોલસાની આયાત માટે આ મહિના પહેલા પણ ત્રણ ઇ-ટેન્ડર તરતા મૂક્યા હતા.

સરકારના આદેશના પગલે ભારત વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કોલસાની આયાત કરી રહ્યું છે. પ્રી-બિડ મીટિંગ દ્વારા ટેન્ડરમાં ભાગ લેનારાઓને ટેન્ડર દસ્તાવેજ અને તેની શરતો તથા પ્રક્રિયા અંગે જણાવવામાં આવી છે. સુધારવામાં આવેલી શરતો મુજબ રસ ધરાવતા બિડરોએ શિપમેન્ટનો પહેલો તબક્કો લેટર ઓફ એવોર્ડ આપ્યાના ચારથી છ  સપ્તાહમાં પહોંચવો જોઈએ. અગાઉ પુરવઠાના શેડ્યુલનો આધાર નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરના દરેક મહિનાની ટકાવારી રહેતો હતો.

સુધારાને સાનુકળ પ્રતિસાદ મળતા કોલ ઇન્ડિયાએ બિડ ડોક્યુમેન્ટ સુધાર્યો હતો અને આ સુધારો ઇ-પ્રોક્યોરમેન્ટ પોર્ટલ પર તરતો મૂક્યો હતો જેથી પ્રક્રિયા કોઈપણ પ્રકારના અવરોધ વગર પૂરી થાય. ભારતમાં આવતા કોલસાના પુરવઠાની ગુણવત્તાની સમીક્ષા પણ થશે. કોલ ઇન્ડિયા થર્ડ પાર્ટી દ્વારા કોલસાની ગુણવત્તાની ચકાસણી કરાવશે.

અગાઉ કોલ ઇન્ડિયા સરકારી વીજ કંપનીઓ અને સ્વતંત્ર વીજમથકો વતી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા 24 લાખ ટન કોલસાના ટૂંકાગાળાના ટેન્ડર તરતા મૂકતુ હતા અને વિદેશના આ કોલસાને સ્થાનિક કોલસાની સાથે મિશ્ર કરવામાં આવતો હતો.

Your email address will not be published.