અબજોપતિ એલોન મસ્કે આખરે 16 વર્ષ જૂના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરને રોકડાં 44 અબજ ડોલરમાં ખરીદવા માટે સંમતિ દર્શાવી છે. આ ઇતિહાસની સૌથી મોટી લિવરેજ બાયઆઉટ ડીલથી ભારે ચર્ચા જાગી છે.
કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોકાણકારોને તેમની માલિકીના દરેક ટ્વિટર શેર માટે 54.2 ડોલર મળશે. જે મસ્કે કંપનીમાં નોંધપાત્ર સ્ટેકની જાહેરાત કરી તે પહેલાંનાં છેલ્લા કામકાજનાં દિવસ 1 એપ્રિલના રોજ શેરના બંધ કરતા ભાવ 38 ટકા વધુ છે, જેના કારણે ટ્વિટરનાં શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
મસ્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રી સ્પીચ લોકશાહીનો આધાર છે, અને ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. ટ્વિટરમાં જબરદસ્ત શકયતાઓ છે.હું તે માટે કંપની અને યુઝર્સ સાથે કામ કરવા માટે આતુર છું. ટ્વિટરનાં સીઇઓ પરાગ અગ્રવાલે ટ્વીટ કર્યું હતું કે, ટ્વિટરનો એક હેતુ અને સુસંગતતા છે જે સમગ્ર વિશ્વને અસર કરે છે.
ઓલ-કેશ ડીલ આ વર્ષના અંતમાં પૂર્ણ થવાની સંભાવના છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, મસ્કે 25.5 અબજ ડોલરનું દેવું અને માર્જિન લોન ફાઇનાન્સિંગ મેળવ્યું હતું અને આ સોદાને ભંડોળ પૂરું પાડવા માટે લગભગ 21 અબજ ડોલરની ઇક્વિટી પૂરી પાડશે.
ટ્વિટર એક વ્યકિતની ખાનગી માલિકીની બને તે એક એવી કંપની માટે નાટ્યાત્મક વળાંક છે કે જેણે લોકો સ્ટેટસ અપડેટ્સ મિત્રો સાથે શેર કરે તે મેસેજિંગ સેવા તરીકે શરૂઆત કરી હતી, પરંતુ ઝડપથી યુઝર્સ માટે 140 અક્ષરો અથવા તેનાથી ઓછી પોસ્ટને મંજુરી અપાતા તે પોપ્યુલર બની હતી. ટ્વિટર રાજકારણીઓ, સેલિબ્રિટીઝ અને પત્રકારોમાં ભારે લોકપ્રિય બનવા ઉપરાંત વેબ 2.0 તરીકે જાણીતું બન્યું હતું. વેબનો ઉપયોગ કરવાની નવી રીત અને વધુ ઇન્ટરેક્ટિવ હોવાના કારણે સોશિયલ મીડિયાના દિગ્ગજો ફેસબુક અને યુટ્યુબની સમકક્ષ બની ગયું હતું.
8.3 કરોડથી વધુ ફોલોઅર્સ સાથે ટ્વિટરના સૌથી જાણીતા યુઝર્સ પૈકીનાં એક મસ્કે જાન્યુઆરીમાં લગભગ 9 ટકા હિસ્સો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. માર્ચ સુધીમાં, તેઓ ટ્વિટરની વધુ ટીકા કરવા લાગ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કંપનીનું એલ્ગોરિધમ પક્ષપાતી છે અને તેમાં જંક પોસ્ટ્સથી ભરેલા ફીડ્સ છે. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે, ટ્વિટરનાં યુઝર્સ બોટ્સ દ્વારા વધારવામાં આવ્યા છે. કંપનીના બોર્ડમાં જોડાવાની ઓફરને નકારી કાઢ્યા પછી, 14 એપ્રિલના રોજ તેમણે ટ્વિટરને વ્યકિતગત રીતે ખરીદવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે તેઓ આ પ્લેટફોર્મને ફ્રી સ્પીચનો એક ગઢ બનાવશે અને માલિક તરીકે તેઓ જે ફેરફારો કરશે તેના વિશે ઇશારો કરતાં રહેશે.
2006માં ટ્વિટરની કંપનીએ અનેક કટોકટીનો સામનો કરવો પડ્યો. જેમાં મેનેજમેન્ટનાં વિવાદનો સમાવેશ થાય છે ટ્વિટરના શરૂઆતના દિવસોમાં કો-ફાઉન્ડર જેક ડોર્સીને દૂર કરવામાં આવ્યા હતા. 2015માં તેઓ પાછા આવ્યા હતા. 2013માં જાહેર ઓફર બાદ કંપનીએ 2016માં ટ્વિટરને વેચી દેવાનું વિચાર્યું હતું. જેમાં વોલ્ટ ડિઝની કંપનીથી સેલ્સફોર્સ ઇન્ક સુધીની કંપનીઓને રસ પડ્યો હતો.