પેરિસઃ ફ્રાન્સના પ્રમુખપદે ઇમેન્યુઅલ મેક્રો બીજી ટર્મ માટે ચૂંટાઈ આવતા સમગ્ર યુરોપે રાહતનો શ્વાસ લીધો છે. તેમણે જમણેરી નેતા મરીન લી પેનને ધાર્યા કરતા વધારે સારી રીતે હરાવ્યા હતા. આમ આત્યંતિક વલણ ધરાવતા જમણેરી નેતા સત્તા પર ન આવતા યુરોપમાં રાહતની લાગણી ફેલાઈ છે.
મધ્યમ માર્ગી મેક્રોને બીજા રાઉન્ડમાં 58 ટકા મત મળ્યા હતા અને લી પેનને 42 ટકા મત મળ્યા હતા. મેક્રો છેલ્લા બે દાયકામાં ફ્રાન્સના પ્રથમ એવા પ્રમુખ છે જેમણે બીજી ટર્મ મેળવી છે. પણ તેની સાથે લી પેનને મળેલા મત પણ દર્શાવે છે કે ફ્રાન્સમાં જમણેરીવાદીઓના વોટશેરમાં વધારો થયો છે એટલું જ નહી પણ તેઓ સત્તા મેળવવાની ઘણા નજીક પહોંચી ગયા છે.
ફ્રાન્સના 44 વર્ષીય પ્રમુખે બીજી ટર્મમાં ઘણા પડકારોનો સામનો કરવાનો છે. તેમા જુનમાં યોજાનારી સંસદીય ચૂંટણીનો સમાવેશ થાય છે. મેક્રો માટે અહીં પણ બહુમતી મેળવવી સરળ છે, કારણ કે તેના આધારે જ તેઓ ફ્રાન્સમાં કેટલા સુધારા કરી શકશે તેનો આધાર છે. જો કે પરિણામના આખરી આંકડા તો સોમવારે સાંજે આવશે.
સેન્ટ્રલ પેરિસના ચેમ્પ ડી માર્સમાં એફિલ ટાવર ખાતે આપેલા ભાષણમાં મેક્રોએ જણાવ્યું હતું કે અમારે અમારાથી અસંતોષ પામેલા મતદાતાઓને જવાબ આપવાનો છે. તેઓ કેમ આત્યંતિક જમણેરી વલણ તરફ વળી ગયા છે તે અમારે શોધવાનું છે. અમે અમારાથી દૂર થઈ ગયેલા આ મતદાતાઓને ફરીથી અમારા તરફ લાવવાનો પ્રયાસ કરીશું.
જ્યારે પરાજિત પામેલી લી પેને તેના સમર્થકોને જણાવ્યું હતું કે આ પરાજયના લીધે હું રાજકારણ છોડી દેવાની નથી. હું મારા સમર્થકોને પણ છોડી દેવાની નથી. હવે અમે જુનમાં યોજાનારી ચૂંટણી માટેની તૈયારી શરૂ કરીશું. આ પરિણામો દર્શાવે છે કે ભલે અમે પરાજીત થયા પરંતુ અમે વિજયની ઘણા નજીક હતા. લી પેનની આ સળંગ ત્રીજી પ્રેસિડેન્યિલ ઇલેકશન હાર હતી. જો કે મેક્રોનો પણ જનાધાર ઘટ્યો હતો અને તેને 2017ના 66 ટકાની તુલનાએ આ વખતે 58 ટકા મત મળ્યા હતા. હવે આ જ શિરસ્તો ચાલુ રહ્યો તો ફ્રાન્સમાં આગામી ચૂંટણીમાં જમણેરીઓને સત્તા કબ્જે કરતાં કોઈ નહી રોકી શકે.