ભારતીય શેરબજારમાં નિરંતર વૃદ્ધિ, સેન્સેક્સમાં છ સપ્તાહનો સૌથી મોટો ઉછાળો

| Updated: July 13, 2021 6:28 pm

વૈશ્વિક પરિબળો અને બેન્કિંગ, ફાયનાન્સિયલ શેરોમાં ખરીદીના પગલે આજે ભારતીય શેરબજાર વૃદ્ધિ સાથે બંધ રહ્યા હતા. બન્ને ઇન્ડેક્સ ત્રણ દિવસના ઘટાડા બાદ આજે વધ્યા હતા. સેન્સેક્સમાં 12 મે પછી આજે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

મંગળવારે બજાર બંધ રહી ત્યારે સેન્સેક્સ 397 પોઈન્ટ વધી 52769 અને નિફ્ટી 119 પોઈન્ટ વધી 15812 બંધ રહ્યા હતા. ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં એચડીએફસી ટ્વિન, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેંક સૌથી વધુ વધ્યા હતા જયારે ઈન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજિસ અને હિન્દુસ્તાન યુનિલીવર ઘટ્યા હતા.

આજે સ્મોલ કેપ અને મિડકેપ શેરમાં વૃદ્ધિ જળવાઈ રહી હતી પણ તેમાં ઘટાડો સામાન્ય હતો. બીએસઇં મિડકેપ ઇન્ડેક્સ 0.01 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.46 ટકા વધ્યા હતા. ક્ષેત્રવાર ઇન્ડેક્સમાં બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ, ઓટો અને મેટલ્સ વધ્યા હતા. જોકે, મીડિયા, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને એફએમસીજી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બેન્કિંગ શેરોમાં વૃદ્ધિ

ધારણા કરતા ફુગાવાનો દર નરમ આવ્યો હતો અને દેશમાં જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું હોવાથી આજે બેન્કિંગ શેરોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી બેંક 1.35 ટકા વધ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક 2.75 ટકા, એક્સિસ બેંક 2.31 ટકા, એચડીએફસી બેંક 0.90 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.70 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.50 ટકા, બંધન બેંક 0.33 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.33 ટકા અને પંજાબ નેશનલ બેંક 0.12 ટકા વધ્યા હતા.

સરકારી કંપની એનએમડીસીએ પોતાની અને સ્ટીલ કંપનીના વિભાજનનો નિર્ણય જાહેર કરતા શેરના ભાવ 3.80 ટકા વધ્યા હતા. અપેક્ષા અનુસાર પરિણામ જાહેર કર્યા બાદ પ્રોફિટ બુકિંગના કારણે માઈન્ડટ્રીના શેર 0.14 ટકા ઘટ્યા હતા. ઓગસ્ટ સિરિઝમાં વાયદાના કારોબાર માટેની કંપનીઓની યાદીમાં ઉમેરો થતા એસ્ત્ર્લ 0.71 ટકા અને સ્ટ્રાઈડસ ફાર્મા 2.80 ટકા વધ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *