ડાંગમાં ચોમાસાની મજા ભલે માણો, પણ સેલ્ફી ક્લિક ન કરતા

| Updated: June 29, 2021 5:22 pm

સાપુતારા પર્વતમાળાની મજા માણતી વખતે સેલ્ફી લઈ રહ્યા હોવ તો હમણા ચેતી જજો.

હવેથી સાપુતારા કે ડાંગ જિલ્લાના કોઈપણ પર્યટક સ્થળે સેલ્ફી લેવાની મનાઈ છે. તેના માટે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. ડાંગ એ ગુજરાતનો પ્રથમ જિલ્લો છે, જેણે સમગ્ર પંથકમાં સેલ્ફી લેવા પર, ખાસ કરીને પર્યટનના સ્થળો પર સેલ્ફી ફોટો પાડવા પર પ્રતિબંધ મુક્યો છે.

ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી કે દામોર દ્વારા 23 જૂને બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ સમગ્ર ડાંગ જિલ્લામાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન નહાવા, કપડાં ધોવા કે અન્ય કોઈ કાર્ય માટે નદી-નાળા અથવા તો કોઈ પણ પ્રકારના જળાશયમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. 2019 દરમિયાન વહીવટી તંત્રે વઘઇ સાપુતારા હાઈવે અને ત્યાંના ધોધ પાસે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુક્યો હતો.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી કે દામોરે જણાવ્યું કે, “ચોમાસાની શરૂઆત સાથે જ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. કુદરતની મજા માણતા ઘણા લોકો ક્યારેક બેદરકારીભર્યું વર્તન કરે છે જેના પરિણામો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હોય છે અને ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. આ પરિપત્ર આવા અકસ્માતોને રોકવા માટે જાહેર કરવામાં આવ્યો છે.”

પરિપત્ર મુજબ વહીવટી તંત્રે ફક્ત પર્યટનના સ્થળો પર જ નહીં, પણ જિલ્લાના સામાન્ય રસ્તા, ખાઈ, ધોધ અથવા નદીઓ પાસે પણ સેલ્ફી લેવા પર પ્રતિબંધ લાદ્યો છે. રાજ્યમાં કોરોના સમયના પ્રતિબંધો હળવા થયા પછી ડાંગ જિલ્લામાં તાજેતરમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Your email address will not be published.