ખોવાઈ જઈએ સિનેમાની રોચક દુનિયામાં

| Updated: July 16, 2021 2:18 pm

અમદાવાદ માં સિનેમાઘરો ફરીથી કાર્યરત થઈ શકે એવી ઘોષણા ને બે અઠવાડિયા થઈ ચૂક્યા છે પરંતુ bookmyshow નામની વેબસાઇટ પર જોઈએ તો ફક્ત ૨ સિનેમા ઘરો નવા સમય ને અનુકૂળ થયા છે.. શહેરના પશ્ચિમ વિસ્તારના આ બે સિનેમાઘરો કાર્યરત થયા છે અલબત્ત તેમાં ફિલ્મો તો જૂની જ છે. પછી ભલે ને તે હોલીવુડ ની ગોડઝીલા Vs કિંગ હોય કે બોલીવુડ ની લવ આજ કલ, સિનેમા ઘરોમાં ફિલ્મ જોવી એ ફક્ત મનોરંજન નથી પણ એક અનુભવ છે અને ખાસ કરીને આજના મહામારી ના સમયમાં થિયેટરમાં બેસીને ફિલ્મ નિહાળવી એટલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ની જંજીર માંથી આંશિક રાહત!

હોમ થિયેટર ને અનુકૂળ આવે મોટા સ્ક્રીનવાળા ટીવી વસાવતાં મારા અનેક મિત્રોને મેં જોયા છે અને ખેતરમાં જવાના બદલે હવે આ જ મોટા સ્ક્રીન ઉપર ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી સીરીઝ અથવા ફિલ્મો ને માણે છે. છતાં પણ કંઈક અધૂરું લાગે છે. જ્યાં સુધી તમારા હાથમાં ટીવી નો રીમોટ હોય અને મન થાય ત્યારે પોઝ બટન દબાવી શકાય ત્યાં સુધી ટીવી ગમે એટલું મોટું કેમ ન હોય પણ એ ટીવી જ રહેશે અને સિનેમાઘર નહીં બને. ઘર ની પાણીપુરી ની સગવડ અને રસ્તા પર ઉભેલા થેલા પર ની પાણીપુરી નો સ્વાદ. બોલો છે કોઈ સરખામણી? અનુભવ ના આનંદ ને માણવો હોય તો નિયંત્રણ મૂકી દેવું પડે.

કોરોના ની પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે સિનેમા ઘરો ટૂંક સમય માટે ખુલ્યા હતા. મને ફિલ્મોનો ભારે શોખ અને એટલે જ આ તકનો લાભ ઉઠાવતા મેં ત્રણ ફિલ્મો જોઈ લીધી. એ અનુભવ જાણે કોઈ કેદમાંથી મુક્તિ અપાવતું હોય તેઓ હતો. અને વિવેચક વર્ગ આમ પણ મોટા ભાગની હિન્દી ફિલ્મોને જીવનની ક્રૂર વાસ્તવિકતા થી દુર પલાયનવાદી તરીકે ઓળખે છે. વિવેચકોની આ વ્યાખ્યા આજના મહામારી ના સમયમાં કદાચ એકદમ સચોટ લાગે છે. તમે ઘરમાં હો કે ઘરની બહાર, શહેરમાં હોકે નાની યાત્રા પર, મિત્રો સાથે વાત કરો કે સગા સંબંધીઓ સાથે, કોરોના તો બધે જ છે.. અને આવામાં એક સિનેમા હોલ અથવા થીએટર જ એવી એક જગ્યા છે જ્યાં તમે બધું ભૂલીને એક અલગ દુનિયામાં ખોવાઈ જાઓ છો, પછી નથી હોતી ફિકર કર્ફ્યુ ની કે લોકડાઉન 

ની.

હિન્દી ફિલ્મોની તુલનામાં અંગ્રેજી ફિલ્મમાં સુપર હીરો અને સાયન્સ ફિક્શન ની વાતો એટલી પ્રબળ હોય છે કે મારા માટે તો એ સાચે જ એક અલગ દુનિયા હોય છે. અમદાવાદ વન મોલ માં આવેલા સિનેપોલિસ થિયેટરમાં મેં જાન્યુઆરી મહિનામાં ટેનેટ નામની હોલીવુડ મુવી માણી. મારા મિત્રોએ પણ મને ખાતરી આપી હતી કે આ ફિલ્મ મોટા પડદા પર અને ખાસ કરીને સિનેમાઘર ના મોટા પડદા પર નિહાળવા જેવી છે. આની સાથોસાથ બીજું એક મોટું કારણ હતું હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી ડિમ્પલ કાપડિયા નો અંગ્રેજી ફિલ્મમાં મહત્વ નો રોલ. મારા સહિત એ થિયેટરમાં પાંચ ફિલ્મ રસિકો હતા છતાં પણ એ અનુભવ મારા જીવનનો એક યાદગાર અનુભવ બનીને રહેશે. એક વર્ષના સમયગાળા બાદ મને મળેલી આ તકે મને એ વાતનો અહેસાસ કરાવ્યો શું કામ આપણે થિયેટરમાં ફિલ્મ વધુ માણીએ છીએ.

બે અઠવાડિયા પછી હું ફરીથી સિનેપોલીસ પહોંચ્યો અને આ વખતે ફિલ્મ હતી વન્ડર વુમન ૧૯૮૪, જે ટેનેટ કરતા ગણિત સારી ફિલ્મ હતી અને પ્રમાણે ઓછી આંટીઘૂંટી વળી અને વધુ મનોરંજક હતી. માનવીય હૃદય અને ભાવના વાળા સુપર હીરો સાથેની ફિલ્મ વન્ડર વુમન તમારુ ટેન્શન દૂર કરવાવાળી ફિલ્મ સાબિત થઈ, જેવી કે સ્પાઇડર-મેન વાળી ફિલ્મ હતી. અમદાવાદ મોલ ધમધમતો હતો પણ બપોરના શોમાં વન્ડર વુમન જોવા વાળા અમે દસ લોકો જ હતા.

બીજી લહેર ની ક્રૂરતા વચ્ચે સિનેમા ઘરો ફરીથી બંધ થયા એના પહેલા મેં એક અલગ જ પ્રકાર ની ફિલ્મ માણી અને એ હતી બાળકો ની ફિલ્મ ટોમ એન્ડ જેરી. આ ફિલ્મ મને ખૂબ પસંદ આવી એની પાછળ નું એક કારણ એ હતું કે મને આ ફિલ્મ પાસેથી કોઈ જ અપેક્ષા ન હતી. આ મનોરંજનની સાથે મને વાસ્તવિકતા થી દુર લઈ જઈ અલગ અનુભૂતિ વાળી પળ જો કોઈએ આપી હોય તો એ હતી ટોમ અને જેરી નામ ની ફિલ્મ.. આ ફિલ્મની બીજી એક ખાસિયત એ હતી કે તેની થીમ ભારતીય હતી જેના કારણે મને એ પોતાની લાગી. ન્યૂયોર્ક ની મોટી એક હોટલમાં એક મોટા સેલિબ્રિટી ના લગ્ન ની થીમ વાળી આ ફિલ્મમાં અમેરિકાના વરને ભારતીય લાડી પરણે છે એવું જ હોય મન પ્રફુલ્લિત થઈ ગયું. પોતાના ભાવિ સાસુ-સસરા ને ખુશ કરવાના ઇરાદાથી અમેરિકન છોકરો એક ભવ્ય લગ્ન સમારંભ ના સપના જોવે છે. એટલે જ કદાચ આ ફિલ્મમાં ટોમ અને જેરી ને હાથી અને મોર જેવા સાથીઓ પણ મળે છે. મારા સિવાય બીજા બે લોકો એ આ ફિલ્મ ને વાઈડ એંગલ થિયેટરમાં ઇવનિંગ શો માં માણી. સમય જતા ટોમ એન્ડ જેરી લોકપ્રિય બની. આજે પણ અમદાવાદ ના એક સિનેમાઘર માં ચાલતી ફિલ્મ ટોમ એન્ડ જેરી ને થિયેટરમાં માણવી હોય તો કોની રાહ જુઓ છો. 

Your email address will not be published.