સાંજે સૂર્યોદયઃ આપ કા સમય શુરુ હોતા હૈ અબ!

| Updated: June 24, 2022 5:03 pm

કાજલ ઓઝા વૈદ્ય

‘એજિંગ ગ્રેસફુલી’ એ નામથી સર્ચ કરીએ તો એમેઝોન અને કિંડલ ઉપર લગભગ પંદર પુસ્તકો મલે છે. એન્ડ્યુ વેલ, એલ્ડર ઓગસ્ટિંગ, રોનાલ્ડ લેવી, રોઝન ઝિનિયેવિચ જેવા અનેક નામ આ પુસ્તકોના લેખક તરીકે આપણને વંચાય, પરંતુ ગુજરાતીમાં ખરેખર આવું કોઈ પુસ્તક જેમા સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સંબંધો, આર્થિક, સમજદારી અને પોતાના અંગત જીવન વિશે કરવી જોઈએ તે ફેરબદલ જેવા સમગ્ર મુદ્દાઓને આવરી લેવાયા હોય.

વધતી ઉંમરએક રસપ્રદ બાબત છે… હું જ્યારે નાનપણમાં જૂઠ્ઠુ બોલું કે મારા માતાપિતાને ડોજ કરવાની કોશિશ કરુ ત્યારે મારા પિતા હસને કહેતા, “આ વાળ તડકામાં ધોળા નથી કર્યા… જે સ્કૂલમાં તમે એડમિશન લીધું છે ને, એમા હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું…”ત્યારે હસવું આવતુ. પણ આજે લગભગ એ જ પ્રકારના વાક્યો હું મારા દીકરાનું કહું છું ત્યારે સમજાય છે કે વધતી જતી ઉંમર માત્ર ધોળા વાળ નહી, એક સમજદારીની સ્પષ્ટતા અને પરિસ્થિતિની પારદર્શકતા પણ આપે છે. બર્થ સર્ટિફિકેટમાં લખેલી ઉંમરમાં ઉમેરાતા વર્ષો એક વ્યક્તિની શારીરિક ઉંમર કહી શકતા હશે, પરંતુ એની માનસિક ઉંમર તો એના વર્તાન અને વ્યક્તિત્વથી જ સમજી શકાય છે. આપણે જીવનની સાંજ-સંધ્યાકાળ અથવા વધતી ઉંમર કોને કહીશું?  અંગ્રેજીની કહેવાત કહે છે કે, ‘લાઇફ બિગિન્સ એટ 40’ આ વાત ખોટી નથી, કારણ કે ચાલીસ વર્ષ સુધી તો આપણે સંતાનો, પરિવાર અને મહત્વાકાંક્ષાઓની પૂર્તિમાં અટવાયેલા હોઈએ છીએ. નસીબદાર લોકોને ચાલીસ પછી સહેજ ધીમા પડવાની તક મળે છે, કેટલાક આ તક લેતા નથી અને દોડતા-દોડતા-હાંફતા-થાકતા અટવાતા આગળ વધતા રહે છે. પછી આવે છે પચાસ… જિંદગીનો એક એવો પડાવ જ્યાંથી આપણે વધતી ઉંમરનો સ્વીકાર કરવો પડે છે.

આપણે બધા જ વધતી ઉંમરથી ડરતા લોકો છીએ, કારણ કે વધતી ઉંમર સાથે મૃત્યુનો ભય ઘેરી વળે છે. હવે થોડા વખતમાં આ જાદુઈ નગરીમાંથી કોઈક અજાણ્યા સ્થળે જવાનું થશે. એ વિચાર મોટાભાગના લોકોને ડરાવે છે. બાકીની બધી વાત આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, પરંતુ મૃત્યુ એ આપણા બધા માટે અજાણ પ્રદેશ છે, સામાન્ય માન્યતા મુજબ વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ આવે છે, પરંતુ વૃદ્ધાવસ્થા માત્ર મૃત્યુ તરફ જતી કોઈ ફાસ્ટ ટ્રેન નથી. એ તો એક મજાનો અનુભવ છે. જિંદગીની બધી જ વાતોને જાણી-સમજી-જોઈ-ઓળખી-સ્વીકારીને જ્યારે બેઠા હોઈએ ત્યારે એક સંપૂર્ણતાનો અનુભવ થાય છે, જેને આજ સુધી ઓળખતા હતા, એને ઓળખી જઈએ, પછી એની સાથે સંબંધ રાખવાની એક જુદી જ ગરિમાનો અનુભવ આપણને વધુ આત્મવિશ્વાસ અને વધુ શાંતિ આપે છે. સામેની વ્યક્તિ જુઠુ બોલે, આપણને છેતરે કે આપણી સાથે ખોટું કરે તો એ ઘટના આશ્ચર્ય કે આઘાત તરીકે નથી બનતી, બલકે ‘આ તો આપણે જાણતા જ હતા’ની લાગણીનું એક અજબ ધૈર્ય કે સ્વીકાર વધતી ઉંમરની ઉત્તમ ઉપલબ્ધિ છે.

‘સાંજે સૂર્યોદય’ આમ જોવા જોઇએ તો સાચે જ બિલકુલ સાચુ શીર્ષક છે, કારણ કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આંખો ખૂલી હોય છે, જગતને જોવાનું, ઓળખવાનું સમજવાનું અને સ્વીકારવાનું જ બાકી હોય છે. એ આખી પરિસ્થિતિમાંથી પસાર થયા પછી જ ભીતર સૂર્યોદય થાય છે. સમજણનો સૂર્યોદય, સ્વીકારનો સૂર્યોદય અને સ્વ સાથેના સંવાદનો સૂર્યોદય. હું આ મારો અનુભવ લખી રહી છું, પરંતુ મારી આસપાસ, મારી જ ઉંમરના કેટલાક લોકોને મેં ડરી જતા, અકળાઈ જતા કે ઉશ્કેરાઈ જતાં જોયા છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે વધતી જતી ઉંમર કોઈ ધમકી કે ચેતવણી તરીકે આવે છે. વજન વધે, શરીરના અંગો ઢીલા પડી જાય, ચામડી લચી પડે, વાળ ધોળા થાય કે સૌંદર્ય ઘટતું જાય ત્યારે મારી આસપાસની સ્ત્રીોને મેં પોતાનું લૂંટાતુ ધન બચાવતી હોય એમ ઘાંઘી થતી જોઈ છે. બોટોક્સ, પીઆરપી, ફેશિયલ, વાળને ડાઇ કરવાની પ્રક્રિયાઓ કે અચાનક વસ્ત્રોમાં આવેલો બદલાવ જોઈને આપણને સમજાય છે કે વધતી જતી ઉંમરને છૂપાવવાના નુસખા શરૂ થઈ ગયા છે! મને કોઈ દિવસ વધતી ઉંમરની અસલામતી આવી નથી. કદાચ એટલા માટે કેમકે હું વીસ વર્ષની ઉંમરે એક 39 વર્ષના સમજદાર, તીવ્ર બુદ્ધિશાળી અને સફળ સ્ટાર શફી ઇનામદાર સાથે લાંબો સમય રિલેશનશિપમાં રહી. એ ઉંમરે એમની સાથે સંવાદ કરવા કે એમને સમજી શકવા માટે મારે એમની ઉંમરના થવાનો પ્રયાસ કરવો પડ્યો. હું જુદી રીતે વિચારતા શીખી. આજે યાદુ કરુ છું તો હસવું આવે છે, પણ હું વીસ વર્ષની ઉંમરે નંબર વગરના ચશ્મા પહેરતી, મારા વાળ ક્યારેક કાન પાસેથી ધોળા થશે તેની પ્રતીક્ષા કરતી!

‘લમ્હે’ નામની ફિલ્મમાં શ્રીદેવી અરીસામાં જોઈને વહીદા રહેમાનને પૂછે છે, ‘મેરે બાલ સફેદ હો જાયેંગે તબ મેં ભી કુંવરજી જીતની અચ્છી લગુંગી?’. મારી પણ કંઈ આવી જ સ્થિતિ હતી… એટલે વધતી જતી ઉંમર મને ડરાવી શકી નથી. બીજી મજાની વાત એ છે કે, મારા પિતાએ કે માએ કોઈ દિવસ મારા મનમાં એવો વિચાર નાખ્યો નથી કે યુવાન હોવું એ જ સુંદર હોવાની વ્યાખ્યા છે, અથવા સુંદર હોવું એ જ સ્ત્રીત્વની વ્યાખ્યા છે… મને હંમેશા એવું શીખવવામાં આવ્યું કે મારા આગવા વિચાર, મારી બૌદ્ધિકતા, મારી વાંચવા અને વિચારવાની શક્તિ અથવા મારા વિચારોને નિર્ભિક રીતે અભિવ્યક્ત કરી શકવાની મારી આવડત મારુ વ્યક્તિત્વ છે. હું શું પહેરું છું, કેવી દેખાઉં છું એ બદુ એના પછી આવે છે…. માટે કદાચ વધતી ઉંમર સાથે મને ચહેરા પર પડતી કરચલીઓ કે વાળમાં આવેલી સફેધીથી વધુ ફેર નથી પડ્યો.

વૃદ્ધ થવું એ સમયચક્રનો એક અનિવાર્ય હિસ્સો છે. આપણે તાજા જન્મેલા બાળકને હાથમાં ઉપાડીએ ત્યારે જ નક્કી હોય છે કે આ બાળક વૃદ્ધ થવાનું છે… આપણે એ વખતે વૃદ્ધત્વનો શોક નથી મનાવતા, બલ્કે બાળ જન્મનો ઉત્સવ ઉજવીએ છીએ! મને લાગે છે કે, વૃદ્ધાવસ્થા અથવા વયની ઢળતી સાંજ એ ઉજવી લેવાનો સમય છે. આપણી પાસે સ્મૃતિનો એક ભંડાર છે અને સમજણનો પટારો. આ ખજાનાને સમયસમયાંતરે ખોલીને તો જ માણી શકાય છે જો આપણી પાસે સ્વાસ્થ્ય અને શાંતિની ચાવી હોય. જેમ વય વધતી જાય એમ શારીરિક ફરિયાદો વધે છે. થાક લાગવો કંટાળો આવવો, મન ઘણુ કરવા માંગતુ હોય, પણ શરીર તૈયાર ન હોય અથવા ઘૂંટણ, કમર કે ફ્રોઝન શોલ્ડરના દુઃખાવા જેવી સાદી ફરિયાદો શરૂ થઈ જાય છે. સૌથી પહેલા તો વાંચવાના ચશ્મા આવે છે, જેને બેતાલા કહેવાય છે… અહીંથી સમજજી જવું જોઈએ કે બેતાલીસ પછીનો સમય દ્રષ્ટિમાં કંઇ ઉમેરવાનો સમય શરૂ થઈ ગયો છે. હવે લખાણ સીધેસીધું નહીં વાંચી શકાય, પણ એમા અર્થઘટન નંબર ઉમેરવા પડશે! મોટાભાગના વધતી વયના વડીલે પોતાના સ્વાસ્થ્યની જવાબદારી સંતાન કે પુત્રવધૂની છે તેમ માનીને જીવવાનું શરૂ કરી દે છે. દવા કોઈ લાવી આપે, ડોક્ટર પાસે કોઈ લઈ જાય અથવા નાની ફરિયાદ હોય તો એને એવગણીને મોટી થાય ત્યાં સુધી પ્રતિક્ષા કરવાની માનસિકતા, અટેન્શન સીકિંગની માનસિકતા છે. વ્યસ્ત સંતાનોનું ધ્યાન ખેંચવા માટે માંદા પડવાની જરૂર નથી. બલ્કે તેની સાથે ખુલ્લા દિલે વાત કરવાની જરૂર છે. જો આપણને સંતાનનનો સમય જોઈતે હોય તો સૂચના કે ફરિયાદને બદલે સંવાદ કરતા શીખવું પડશે. જેટલી વખત આપણું વયસ્ક અને વ્યસ્ત સંતાન આપણી પાસે બેસવાનો પ્રયત્ન કરે એટલી વાર આપણે એના માટે શું કર્યુ છે એનું લિસ્ટ વાંચવાના બદલે સાંપ્રત પરિસ્થિતિ વિશે, કોઈ સારા વાંચન વિશે, કોઈ સારી બાબત વિશે વાત કરી શકાય. આજનો સમય ગળાકાપ હરીફાઇનો સમય છે. સંતાન જ્યારે મહેનત કરતું હોય આગળ આવવાનો પ્રયાસ કરતું હોય ત્યારે એ કેટલા વાગ્યે આવે છે અને કેટલા વાગ્યે જાય છે તેના અંગે સતત ટકોર કરવાના બદલે એકાદવાર આપણી ચિંતાને સહજપણે અભિવ્યક્ત કરી જ શકાય. વય વધતા આપણે બધા થોડા એન્ઝાઇટીમાં અથવા તો અસલામતીમાં પ્રવેશી જઈએ છીએ. કેટલાકની આવક બંધ થાય છે જેની પાસે પે્નશન હોય એને બહુ ચિંતા કરવાની જરૂર નથી તેમ છતાં એક સાહજિક, આર્થિક અસલામતીનો અનુભવ બધાને થાય છે. આવા સમયમાં અસલામતી અનુભવવાને બદલે અહંકારને બાજુએ મૂકીને સંતાન સાથે ખુલ્લા દિલે વાત કરવી જોઈએ… અભિવ્યક્તિ ન કરવી એ આપણા બધાનો અવગુણ છે અને છતાં બધા બધુ સમજે એવી અપેા એ આપણો બીજો અવગુણ છે. ઉંમર વધતા આ બંને અવગુણમાં વધારો થાય છે…

વધતી વય સાથે વધુ સરળ, વધુ સહજ અને વધુ સાદા થતાં જવું એ સાંજના સૂર્યોદયને વધાવવાની પ્રક્રિયા છે. આપણે જે જીવ્યા એ આજથી પચાસ વર્ષ પહેલાના સમયની વાત છે. આપણા માતાપિતાએ આપણે કઈ રીતે ઉછેર્યા, આપણે કેટલા ડિસિપ્લિન અને અભાવોમાં ઉછર્યા, આપણે કેટલો સંઘર્ષ કર્યો, એ બધુ કરીને આપણે આપણી પેઢીને કેટલું બહેતર જીવન અને કેટલી સગવડો આપી છે એનો હિસાબ જ્યારે સતત કરવા લાગીએ ત્યારે જાતને તપાસવાનો સમય થયો છે એમ માનવુ. બદલાતા સમય સાથે જે બદલાઈ શકે છે એ ક્યારેય વૃદ્ધ થતા નથી. જે નવી પેઢીના જોક્સ અને એબ્રેવેશન સમજી શકે છે એ ક્યારેય વૃદ્ધ થતા નથી… ટીટીવાયએસ, લોલ કે એએસએપી, એફવાયઆઇ, બીબીએફ અથવા એમવાયઓબી જે સમજી શકે છે એ નવી પેઢી સાથે સંવાદ સાધી શકે છે. જે લોકો આજે પચાસ વર્ કે તેથી વધુ વયના થયા છે એમણે બ્લેક એન્ડ વ્હાઇટ ટેલીવિઝન જોવા બાજુના ઘરમાં જવુ પડતુ હતુ! વાયર વગરનો આવો મુઠ્ટીમાં સમાઈ જાય એવો ફાન આવશે કે આઇપેડ, ટેલિપ્રોમ્પ્ટર અને સ્ક્રીન વગરના કોમ્પ્યુટર જેવી શોધ થશે એવી આ પેઢીને કલ્પના પણ નહોતી… બ્લેક એન્ડ વ્હાઇટ ટેલીવિઝનથી શરૂ કરીને સ્માર્ટફોન સુધીનો પ્રવાસ આ 60ના દાયકામાં જનમેલી પેઢી અને એની પહેલાની પેઢીએ બહુ ઝડપથી પૂરો કર્યો છે. એમણે ોતિયા, બળદગાડા અને કૂવા જોયા છે અને આજે એમના જ સંતાનો ફોરવ્હીલર, શોર્ટ્સ અને મિનરલ કે સ્પાર્કલિંગ વોટર જીવી રહ્યા છે. આનાથી ઉશ્કેરાવા કે ઇર્ષા કરવાને બદલે… પોતાને શું નથી મળ્યું, કેટલા મોડા જન્મ્યા એ વિશે રહી રહીને અફસોસ કરવાના બદલે મળેલા સમયમાં આ બધી ટેકનોલોજી અને નવી નક્કોર દુનિયાને માણી લેવાનો સમય એટલે ‘સાંજે સૂર્યોદય’.

પોતાના જીવનસાથે સાથે સમય વીતાવવાની ફુરસદ મોટાભાગે પચાસ વર્ષ સુધી મળતી નથી. ગૃહિણી વૃદ્ધ સાસુ-સસરા કે સંતાનોને સંભાળવામાં વ્યસ્ત હોય છે અને પતિ પૈસા કમાવવામાં. શું જમશો કે કેટલા વાગ્યે આવશો સિવાયના સંસાવદો પણ ક્યારેક બંધ થઈ જાય એવી સ્થિતિમાં એ પહોંચેલા સંબંધને ધીમે ધીમે એકવાર સજીવન કરવાનો સમય એટલે ‘સાંજે સૂર્યોદય’.

જે પતિ વિશે અગણિત ફરિયાદો આપણા મનમાં હોય, એમણે સમય નથી આપ્યો, ધ્યાન નથી આપ્યું, પોતાનામાં જ બિઝી રહ્યા વગેરે અભાવોને ભૂલીને દામ્પત્યના પાના નવેસરથી ચીપીને નવી બાજી પાડવાનો સમય એટલે ‘સાંજે સૂર્યોદય’.

સંતાનો પોતાન જીવનમાં વ્યસ્ત થવા લાગે, એમના જીવનસાથે સાથે એ કઈ રીતે વર્તે છે એ વિશે ટીકાટિપ્પણી નહી કરીને એમના માટે આપણામાંથી થાય એટલું કરવાનો સમય… દીકરાની પત્ની શું પહરે છે, શું રાંધે છે કે એના સંતાનોને કેવી રીતે ઉછેરે છે એ બધી ચર્ચાથી દૂર રહીને એને પરિવારનો હિસ્સો બનાવી સ્નેહ આપવાનો સમય… આપણી પરંપરા કે રસોઈ એને ‘શીખવી હોય તો’ શીખવવાનો સમય… જમાઈ અને દીકરી કેવું જીવે છે, દીકરીના સાસરિયાઓ શું કરવું ન શું ન કરવું, દીકરીએ સહન કરવું કે નહી, પોતાના પૈસા જુદા રાખવા કે નહી, દાગીના સાસુને સોંપવા કે નહી, રસોડામાં સતત ગોંધાયેલા રહેવું કે નહી, એ વિશે રોજ ફોન કરીને આપણા અભિપ્રાય આપવાના બદલે એમને એમની જિંદગીમાં ગોઠવાઈ જવા દેવા માટેની સ્વતંત્રતા આપવાનો સમય… એટલે ‘સાંજે સૂર્યોદય.’

આખી જિંદગી બીજા શું કહેશે, શું વિચારશે એ વિચારીને જીવી કાઢ્યા પછી, આપણને શું ગમે છે એ શોધીને… આપણે શું કરવું એ નક્કી કરીને, પોતાની સાથે સમય વીતાવવાનો સમય… એટલે ‘સાંજે સૂર્યોદય.’

Your email address will not be published.