યુપીમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ : અનેક મજુરોના ચિથડા ઉડી ગયા

| Updated: January 10, 2022 3:19 pm

ઉત્તરપ્રદેશના શામલીના બૂટરાડા ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બપોરના સુમારે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં કેટલાય મજુરોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને રાહત બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘણા મજૂરોના રીતસર ચીંથડા ઊડી ગયા હતા. ભયાનક વિસ્ફોટને કારણે આસપાસનો વિસ્તાર પણ હચમચી ઉઠ્યો હતો. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ફટાકડા બનાવતી વખતે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અનેક કામદારોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત કેટલો ભયંકર હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણા મજૂરોના શરીરના ચીંથરા ઉડીને દૂર પડ્યા હતા. જોરદાર ધડાકા સાથે ફેક્ટરીની ઇમારતને પણ નુકસાન પહોચ્યું હતું. આ અકસ્માતમાં અનેક કામદારોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

મળતી વિગતો મુજબ બુત્રાડા ગામના રહેવાસી રિઝવાન પાસે ફટાકડા બનાવવાનું લાઇસન્સ છે. આ લાયસન્સની આડમાં તે ગેરકાયદેસર રીતે અન્ય ફટાકડા બનાવતો હતો. સોમવારે બપોરે લગભગ 1:00 વાગ્યે તેની ફેક્ટરીમાં ઘણા કામદારો ફટાકડા બનાવવામાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટનો અવાજ આસપાસના વિસ્તારોમાં પણ સંભળાયો હતો.

જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ફેક્ટરીમાં કાટમાળ અને ફટાકડા વેરવિખેર પડ્યા હતા. ઘણા કામદારો ઘાયલ હાલતમાં હતા. જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હજુ કેટલા લોકોના મોત થયા છે, તેની હજુ પુષ્ટિ થઈ નથી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચવાના છે. પોલીસની રાહત બચાવ કામગીરી હજુ ચાલી રહી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે મજૂરોના મૃતદેહ કાટમાળ નીચે દટાયા છે, તેમની શોધ કરવામાં આવી રહી છે. જોકે, સવારથી કારખાનામાં કેટલા કામદારો કામ કરતા હતા તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. આ વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે ફેક્ટરીની આસપાસના મકાનોને પણ નુકસાન પહોચ્યું હતું.

Your email address will not be published.