મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહ સામે FIR દાખલ કરવામાં આવી છે. પરમબીરસિંહ સિવાય મુંબઈ પોલીસના અન્ય અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિલ્ડર દ્વારા 15 કરોડ રૂપિયાની લાંચ લેવાના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ફરિયાદ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ફરિયાદ કરનારા બિલ્ડર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે,તેમની સામે થયેલા કેસ અને ફરિયાદના સમાધાનની માંડવણી કરવાના હેતુસર 15 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદમાં પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સહિત છ પોલીસકર્મીઓ અને બે નાગરીકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પોલીસકર્મીઓના નામ દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી એક મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે કામ કરે છે. જયારે અન્ય પોલીસકર્મીઓ ક્રાઈમબ્રાંચની અલગ અલગ બ્રાંચમાં ઇન્સ્પેકટર તરીકે કાર્ય કરે છે.
આ મામલે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જયારે બાકીના લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મુંબઈ પોલીસે આઈપીસી કલમ 387,388,389,403,409,420,423,464,465,467,468,471,120(b),166,167,177,181,182,193,195,203,211,209,210,347,109,110,111,113 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખીને ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો છે. પરમબીરસિંહે પત્રમાં લખ્યું હતું કે, ગૃહમંત્રીએ સચિન વાઝેને કહ્યું હતું કે, દર મહીને તેને 100 કરોડ રૂપિયા ભેગા કરીને આપવાના છે. આ ઘટનાને પગલે અનિલ દેશમુખને રાજીનામું આપવું પડ્યું હતું. અને પરમબીરસિંહે પણ પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું.