ફેસ રેકગ્નાઇઝેશન ટેકનોલોજી પેન્શનર્સ માટે આશીર્વાદરૂપઃ હયાતી સાબિત કરવા ધક્કા નહીં ખાવા પડે

| Updated: July 31, 2022 7:28 pm

ટેકનોલોજી માનવ જીવનમાં કેવો ફેરફાર લાવે તેનું ઉદાહરણ ફેસ રેકગ્નાઇઝેશન ટેકનોલોજી છે. આ ફેસ રેકગ્નાઇઝેશન ટેકનોલોજીના લીધે પેન્શનરોએ હવે તેમની હયાતી સાબિત કરવા માટે ધક્કા ખાવા નહી પડે. તેના લીધે તેઓને એક જ વખત માટે નહી પણ કાયમ માટે તેમની હયાતી સાબિત કરવાના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જશે.

પેન્શનરોએ દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં જીવિત હોવાનું પ્રમાણપત્ર આપવા વારંવાર બેન્કોના ધક્કા ખાવા પડે છે. સરકાર ફેસ રેકગ્નાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમને આ ધક્કામાંથી મુક્તિ આપશે. આના લીધે તેમણે હયાતી સાબિત કરવા બેન્કોમાં ધક્કા પણ ખાવા નહી પડે અને તેમને પેન્શન પણ સરળતાથી મળતું રહેશે. સરકારે પેન્શનર્સનો ફેસ ઓળખી કાઢે તેવી સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમને ફેસ ઓથેન્ટિકેટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે.

આ નવી સિસ્ટમ અમલમાં આવતા પેન્શનર્સ તેમની હયાતીનું પ્રમાણપત્ર લેવા માટે ધક્કા ખાવાના બદલે પેન્શન કચેરીમાં જઈ સીધા ચહેરાથી પોતાની ડિજિટલ ઓળખ આપીને પેન્શનનો લાભ મેળવવાનું ચાલુ રાખી શકશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના 73 લાખ અને ગુજરાતના હજારો પેન્શનર્સને લાભ થશે.

કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે પેન્શન તથા કર્મચારીઓની ડિપોઝિટ-થાપણોને જોડીને વીમાની વિશેષ યોજના પણ શરૂ કરવાની જાહેરાત કરી છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓફિસ તરફથી આ નવતર સિસ્ટમ શરૂ કરવામાં આવશે. તેના લીધે દેશના કોઈપણ ખૂણામાં પેન્શનર્સ હશે તો તેણે બેન્કમાં જઇને સર્ટિફિકેટ મેળવવાના બદલે તે શહેર કે વિસ્તારની પીએફ કચેરીમાં જઈને પોતે જીવિત હોવાનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. અત્યારે બાયોમેટ્રિક્સ સિસ્ટમમાં તેમની ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે. ફિંગરપ્રિન્ટથી પણ ઓળખ કરવામાં કેટલીક વાર તકલીફ પડતી હોવાથી આ સિસ્ટમમાં વધારાનું ફીચર ઉમેરવાનું આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની આજે મળેલી બેઠકમાં આ નિર્ણયને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે.

પેન્શન અને કર્મચારી ડિપોઝિટને સાંકળતી વીમા યોજનાની પણ શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે જાહેરાત કરી છે. આ સ્કીમની મદદથી પેન્શનર મેળવનાર અને તેમના પરિવારના સભ્યો તેમના પેન્શનનો કેટલો લાભ મળશે તેની ઓનલાઇન ગણતરી કરશે.

Your email address will not be published.