અમદાવાદના અદાણી એરપોર્ટ હેલ્પ ડેસ્ક પર એરપોર્ટના બ્લાસ્ટના મેસેજથી પોલીસતંત્રમાં દોડધામ

| Updated: April 14, 2022 4:17 pm

અમદાવાદના અદાણી એરપોર્ટના હેલ્પ ડેસ્ક પર એરપોર્ટમાં બ્લાસ્ટ થયો હોવાનો મેસેજ મળતા જ સીઆઇએસએફ, પોલીસ અને તમામ એજન્સીઓ દોડતી થઈ હતી. પોલીસે તેના પગલે તરત જ તપાસ શરૂ કરી હતી.

પોલીસની તપાસમાં રાજસ્થાનના બહોરર ગામમાં રહેતા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં માનસિક બીમાર એવા 15 વર્ષના સગીરે સંદેશો કર્યો હોવાનું બહાર આવતા તેને હાશ થઈ હતી. પોલીસે તપાસ કરીને જોયું તો આ સગીર માનસિક રીતે અસ્વસ્થ હતો.

તાજેતરમાં જ ગોરખનાથ મંદિર ખાતે આ જ રીતે એક વ્યક્તિ ઘૂસી ગયો હતો અને તે માનસિક રીતે અસ્થિર હોવાનો મનાતુ હતુ, પરંતુ પછી તે કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાનું આવ્યા પછી પોલીસ આ પ્રકારના મામલે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે સામાન્ય રીતે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીના 3 દિવસ અગાઉ જ મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવે છે. પરંતુ દિલ્હી એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યા બાદ આ વખતે તકેદારીના ભાગરૂપે એક સપ્તાહ અગાઉ જ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલની અંદર મુલાકાતીઓના પ્રવેશ પર મનાઇ ફરમાવાઇ છે.

એરપોર્ટના એન્ટ્રી પોઇન્ટ, ફ્લાઇટ લેડર પોઇન્ટ પર પણ સલામતી વધારી દેવાઇ છે. એરપોર્ટમાં સીઆઇએસએફના જવાનોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત ડોગ સ્ક્વોર્ડ દ્વારા કરવામાં આવતા ચેકિંગના પ્રમાણમાં વધારો કરાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તકેદારીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટમાં સલામતી બંદોબસ્ત વધારવાનો નિર્ણય લેવાયો છે.

Your email address will not be published.