હળવદની દીકરી અને નાયકાની પ્રણેતા ફાલ્ગુની નાયરને ઇવાય આંત્રપ્રિન્યોર ઓફ ધ યર 2021નો એવોર્ડ

| Updated: April 13, 2022 6:12 pm

50 વર્ષની ઉંમરે સફળ ઉદ્યોગસાહસિક બનેલી ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરના પરિચયમાં માટે આટલા જ શબ્દો કહીએ તો પણ આ ગુજરાતણના મૃદુ વ્યક્તિત્વ પાછળ છુપાયેલા મક્કમ મનોબળ અને મજબૂત ઇરાદાઓને દર્શાવવા માટે પુરતાં છે.

વૈશ્વિક કલ્ટિંગ ફર્મ અર્ન્સ્ટ એન્ડ યંગે આ હીર પારખ્યું અને ઈ-કોમર્સ નાયકાના સ્થાપક અને સીઇઓ, ફાલ્ગુની નાયરની વર્ષ 2021ના ઇવાય આંત્રપ્રિન્યોર ઑફ ધ યરનો એવોર્ડ એનાયત કરવા માટે પસંદગી કરી. હવે તે 9 જૂન, 2022ના રોજ ઇવાય વર્લ્ડ આંત્રપ્રિન્યોર ઑફ ધ યર એવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નાયકાને 2019માં સ્ટાર્ટ-અપ કેટેગરીમાં ઇવાય આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ મળી ચુક્યો છે.

કોટક મહિન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની આરામદાયક અને ઊંચા પગારવાળી નોકરી છોડનાર આઇઆઇએમ-એની આ ભૂતપૂર્વ વિદ્યાર્થિની માટે આ સફર અવિશ્વસનીયપણે સફળ રહી છે. તેઓ બેંકના સંસ્થાકીય ઇક્વિટી વિભાગ કોટક સિક્યોરિટીઝના ડિરેક્ટર પણ હતા.

રશ્મિ અને વિનોદચંદ્ર મહેતાની પુત્રી ફાલ્ગુનીના મૂળિયા ગુજરાતના હળવદમાં છે. મોરબીથી 45 કિલોમીટર ઉત્તર-પૂર્વ માં આવેલું નાનકડું શહેર હળવદ આક્રમણકારીઓ સામે લડીને પ્રાણની આહુતિ આપનારાઓનાં પાળિયાં અને એક જ પંગતમાં બેસીને ડઝનબંદ લાડવા આરોગી જતાં બ્રાહ્મણો માટે પ્રખ્યાત છે.

ફાલ્ગુની નાયરને પીઠડ માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. બાળપણમાં વતનમાં દાદા રતિલાલ અને દાદી કમલાબેન મહેતાની હવેલીમાં રજા ગાળવા જતાં તે વખતની મંદિરની મુલાકાતોની સ્મૃતિ હજુ પણ સચવાઈ રહી છે.
ફેબ્રુઆરી 1963માં જન્મેલી ફાલ્ગુનીના પિતા મુંબઈમાં એક નાની બેરિંગ મેન્યુફેક્ચરિંગ ફર્મ ચલાવતા હતા. આઇઆઇએમ અમદાવાદમાં અભ્યાસ દરમિયાન તેમનો પરિચય અન્ય વિદ્યાર્થી સંજય નાયર સાથે થયો. સંજય નાયર હાલ કેકેઆર સિક્યોરિટીઝના સીઇઓ છે.બંને ટૂંક સમયમાં જ લગ્નગ્રંથિથી જોડાયા. ફાલ્ગુની નાયર 1993માં કોટક મહિન્દ્રા જૂથમાં જોડાયા અને 2005 માં મેનેજિંગ ડિરેક્ટર બન્યા. 2012માં 19 વર્ષના કાર્યકાળ પછી તેમણે નાયકા શરુ કરવા નોકરીને તિલાંજલિ આપી.

ફાલ્ગુની નાયર 50 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે પરિવારની જવાબદારીઓનાં કારણે દબાયેલી રહેલી ઉદ્યોગ સાહસિક બનવાની ઇચ્છા ફરી જાગી ઉઠી અને તેમણે નાયકા કે જેનો અર્થ સંસ્કૃતમાં અભિનેત્રી છે તેની શરૂઆત કરી.નાયકાએ બ્યુટી પ્રોડકટ્સ વેચીને ખૂબ જ ટૂંકા ગાળામાં સફળતાના શિખરો સર કર્યા.

નાયકા આજે ભારતનું સૌથી વધુ નફો કરતાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૈકીનું એક છે. યુવતીઓ વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સ જેમ કે લિપસ્ટિક, ક્રીમ, ફેસ માસ્ક વગેરે પર રૂ. 150 થી રૂ. 3,000 સુધીનો ખર્ચ કરે છે. ત્યારે ફાલ્ગુની ની નાયકા માટેની માન્યતા એક સ્વતંત્ર મહિલા માત્ર પોતાના માટે સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, કોઈ પુરુષ કે મહિલાને ખુશ કરવા માટે નહીં તે સાચી પડી છે.

નાયકાએ 2,600 થી વધુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને 100 થી વધુ ઑફલાઇન સ્ટોર્સના પોર્ટફોલિયો સાથે સૌંદર્ય પ્રસાધનોથી લઈને ફેશન અને લાઈફ સ્ટાઇલ પ્રોડકટ્સ વેચે છે. ગ્રાહકોની પસંદગી મુજબની બ્રાન્ડ્સને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડીને નાયકા ભારતની અગ્રણી બ્યુટી રિટેલર તરીકે ઉભરી આવી છે.

ફાલ્ગુની નાયરે નાયકાની વેબસાઈટના બેકએન્ડથી લઈને ફ્રન્ટ-એન્ડ સુધી, પ્રોડક્ટ્સ, વ્યૂહરચના સહિત દરેક પાસાઓમાં ઉંડો રસ લીધો છે. નાયકા લેક્મે, કાયા સ્કિન ક્લિનિક, લોરેઆલ પેરિસ, બોબી બ્રાઉન, એમએસી અને એસ્તે લાઉડર જેવી 400 પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના લગભગ 35,000 ઉત્પાદનો ધરાવે છે. ફોર્બ્સનો અંદાજ છે કે Nykaa.comની વેબસાઇટ અને એપ્લિકેશન પર દર મહિને મુલાકાતીઓની સંખ્યા લગભગ સાડા કરોડ જેટલી છે.
ફાલ્ગુની નાયરની સફળતા તેનાથી જાણી શકાય છે કે નાયકાના ફાઉન્ડર અને સીઇઓ તરીકે, તેઓ ભારતની સૌથી ધનિક મહિલા ઉદ્યોગસાહસિક છે. ભારતના ટોચના 20 સૌથી ધનિક લોકોમાં તેમનો સમાવેશ થાય છે. ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદી મુજબ અમેરિકા અને ચીન પછી, 166 અબજપતિઓ સાથે, ભારત સૌથી વધુ અબજોપતિઓ ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ છે. ફાલ્ગુની નાયર આ યાદીમાં છેલ્લા સમાવેશ કરાયેલા 26 ધનિકોમાંના એક છે.

2017માં બિઝનેસ ટુડે દ્વારા દેશની સૌથી શક્તિશાળી મહિલાઓમાં સમાવેશ કરાયેલા ફાલ્ગુની નાયરે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન પ્રશંસા મેળવી છે. તેમને ઇકોનોમિક ટાઇમ્સ સ્ટાર્ટઅપ એવોર્ડ, 2017માં ‘વુમન અહેડ’ એવોર્ડ અને 2019માં ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડ્સમાં બિઝનેસ વુમન ઓફ ધ યરથી નવાજવામાં આવ્યા હતા. ફોર્બ્સ એશિયા દ્વારા એશિયાની પાવર બિઝનેસ વુમન 2019ની યાદીમાં તેમનો સમાવેશ કરાયો હતો. વોગ ઇન્ડિયાનાં વર્ષ 2019 ના બિઝનેસપર્સન તરીકે તેઓ નોમિનેટ થયા હતા. ફાલ્ગુની નાયર એસીસી, ડાબર, અવિવા ઈન્સ્યોરન્સ, એન્ડ્યુરન્સ ગ્રુપ અને ટાટા ટેક્નોલોજીસ સહિત અનેક કંપનીઓના બોર્ડ પર પણ છે.

Your email address will not be published.