Site icon Vibes Of India

પક્ષપલટાના જૂઠા સમાચારોએ કોંગ્રેસના ધારાસભ્યોની હાલત બગાડીઃ ખુલાસા આપી-આપીને થાકી ગયા

ગાંઘીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાની વાતો ઉડવા માંડે છે. કેટલીક આ વાત હકીકતમાં પરિણમે છે અને કેટલીક વખત નથી પણ પરિણમતી. આ સંજોગોમાં પરિસ્થિતિ એવા ધારાસભ્યોની ખરાબ થાય છે કે જેઓ જરા પણ પક્ષપલટો કરવાના હોતા નથી. આમ લીલા ભેગુ સૂકુ બળે તે કહેવત અહીં ચરિતાર્થ થાય છે. તેઓની ખબર પણ હોતી નથી કે તેઓ ભાજપ સાથે જોડાવવાના છે તેવા સમાચાર ફેલાઈ ગયા છે અને તેમના ધ્યાન પર આ વાત આવે ત્યારે મતદારોમાં ખોટો સંદેશ ન જાય તે માટે તેમણે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવી પડે છે.

આ મુદ્દે ખાસ ચર્ચાનો વિષય બનેલ યાદીમાં ના કૉંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે  વાઇબ્સ  ઓફ ઈન્ડીયા સાથે વાતચીતમાં પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું કે અમારા સારા કામ મીડિયા બતાવતી નથી અને ખોટા સમાચાર રજૂ કરે છે જેથી અમે ખુલાસા કરતા ફરીએ,અડધી રાતે લોકો ફોન કરી કરીને પૂછે છે, કેટલા ને સમજાવીએ.

તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજાને તથા ખેડા જિલ્લો તેમાં ખાસ કરીને મહુધા વિસ્તારના મતદારો એ મારા પર જે વિશ્વાસ મૂકી તેમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે તેમજ 1990થી સતત એકધાર્યા મહુધા વિસ્તારની પ્રજા એ કોંગ્રેસ પાર્ટી પર જે વિશ્વાસ મૂકી ને મારા પિતા નટવરસિંહ ઠાકોર  ને ચૂંટાઈ લાવેલ છે જેથી હું મારી મહુધા વિસ્તારની પ્રજા નું કોઈપણ જાતનો વિશ્વાસઘાત કરવાનો નથી અને હું કોંગ્રેસ પક્ષનો  વફાદાર સૈનિક તરીકે છું તેમજ વર્ષોથી મારા કુટુંબમાં કોંગ્રેસ પક્ષને વફાદાર રહેવાનો એક ઉત્તમ દાખલો પુરવાર કરેલ છે અને પાર્ટીએ પણ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું પાર્ટીનો  આભારી  છું હું મહુધા વિસ્તારની પ્રજા તેમ જ કોંગ્રેસ પાર્ટીને કોઇપણ જાતનો વિશ્વાસઘાત કરવાનો નથી અને હું કોઈપણ બીજી પાર્ટીમાં જોડાવાનો નથી. હાલમાં  મીડિયા દ્વારા જે કોઈ ખબરો પ્રસારિત કરવામાં આવી છે તે એકદમ જુઠી ખબર છે જેથી આ બાબતે કોઈએ ધ્યાન આપવું નહીં તેવી મારી પ્રજાને અપીલ છે.

કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ વાઇબ્સ  ઓફ ઈન્ડીયાને જણાવ્યું કે અખબારમાં આવતા ખોટા નામથી ખોટો મેસેજ વિસ્તારમાં જાય છે,પરંતુ લોકોને વિસ્તારમાં અમારા પર ભરોસો છે.મીડિયા ગમે તે લખી નાંખે છે અને લોકો ચિંતામાં આવી જાય છે,અમને કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય બનાવ્યા છે અને પ્રજાએ મત આપીને ચૂંટ્યા છે અમે લોકો સાથે વિદ્રોહ ન કરી શકીએ,જે અખબારે અમારું નામ છાપ્યું હતું અને અમે પત્ર લખ્યો છે કે પાયા વિહોણા સમાચાર ન ચલાવે અમે કોંગ્રેસ માં જ રહેવાના છીએ.કોંગ્રેસના આણંદનાં ધારાસભ્ય કાંતિભાઈ પરમારે વાઇબ્સ  ઓફ ઈન્ડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મીડિયામાં નામ ચાલવાથી મતદારોમાં ખોટો મેસેજ જાય છે,અફવા ની મતદારો પર ખરાબ અસર પડે છે,આવા જૂઠાણાં ફેલાવવાને કારણે મીડિયામાં અને લોકોમાં ખોટી ચર્ચા થાય જેથી કોઈ સારા માણસ પક્ષમાં જોડાવાના હોય તો આવી અફવાઓ થી મનોબળ તૂટે એનું.

ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ એ પણ સોશિયલ મીડિયામાં ફેલાયલી ખબરો ઉપર 4 દિવસ પહેલા રદિયો આપ્યો હતો. કુંવરજી બાવળિયા એ સંદેશ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીના સક્ષમ અને શીર્ષસ્થ નેતૃત્વથી પ્રભાવિત થઈ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું અને હંમેશા માટે રહેવાનો છું. પાર્ટીએ મને આદરપૂર્વક ખૂબ મહત્વની એવી કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપી જેના માટે હું પાર્ટીનો ખૂબ આભારી છું. આ કાર્યકાળ દરમિયાન સૌને સાથે રાખીને નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પ્રજાહિતના કાર્યોને સુપેરે પાર પાડ્યા જેનો મને ગર્વ છે. છેલ્લા કેટલાક સમયથી મારા કોંગ્રેસમાં જોડવાના પાયાવિહોણા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં કોઈ જ તથ્ય નથી. ઈશ્વર આવી અફવાઓ ફેલાવનાર તત્વોને સદબુદ્ધિ આપે એવી મારી પ્રાર્થના.કોંગ્રેસના  સૌરાષ્ટ્રના એક યુવા ધારાસભ્યએ જણાવ્યું કે મારું નામ આ વખતે જ નથી, પણ મીડિયા દરેક વખતે મારું નામ ઉછાળે છે કે હું પક્ષ પલટો કરવાનો છું, જાણે કે મારું નામ મફતમાં હોય એ રીતે મીડિયા સમાચાર પ્રસિદ્ધ કરે છે.