દિલ્હીના જંતરમંતર ખાતે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કૃષિ કાયદાની વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આ નવો પડાવ શરુ થવા માટે જઈ રહ્યો છે. 200થી પણ વધુ ખેડૂતો પ્રદર્શન કરવાના છે. આ કિસાન સંસદની જેમ જ છે. સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડરથી ખેડૂતો બસમાં બેસીને જંતરમંતર ખાતે પહોચી રહ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

પ્રદર્શનકારીઓ સાથે રહેલા યોગેન્દ્ર યાદવે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા બસોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાથી જંતરમંતર ખાતે પહોચવામાં મોડું થઇ રહ્યું છે. અન્ય ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ અને સરકાર પોતાના વચનથી ફરી રહી છે અને ખેડૂતોને રસ્તામાં હેરાન કરી રહી છે.



ખેડૂતોના પ્રદર્શનના પગલે દિલ્હીના સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર અને જંતરમંતર પર પોલીસ સુરક્ષા વધારવામાં આવી રહી છે. પ્રદર્શન શરુ થતાં પહેલા જ અલગ અલગ વિસ્તારથી ખેડૂતો દિલ્હી પહોચી રહ્યા છે. ખેડૂતો સવારે ૧૧ વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કિસાન સંસદ કરશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુરુવારે સવારે ગાજીપુર બોર્ડરથી સિંધુ બોર્ડર રવાના થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, બસ દ્વારા સૌથી પહેલા સિંધુ બોર્ડર જવામાં આવશે. અમારો સંઘર્ષ છેલ્લા આઠ મહિનાથી ચાલી રહ્યો છે. અમે શાંતિપૂર્ણ રીતે અમારી વાત સરકારને કરવા માટે ઇચ્છીએ છીએ. જ્યાં સુધી સંસદનું સત્ર ચાલશે ત્યાં સુધી અમે અહીં જ કિસાન સંસદ ચલાવીશું.
રાકેશ ટિકૈત જંતરમંતર પહોંચ્યા બાદ જણાવ્યું હતું કે, અમે અહીં રહીને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવીશું. વિપક્ષે સંસદમાં ખેડૂતોનો અવાજ બનવું જોઈએ .



કિસાન નેતા પ્રેમસિંહ ભાંગુનું કહેવું છે કે,અમારું આગામી લક્ષ્ય ઉત્તરપ્રદેશ છે. પાંચ સપ્ટેમ્બરથી શરૂઆત થશે. અમે ભાજપને અલગ થલગ કરવા માટે ઇચ્છીએ છીએ. સરકાર પાસે ત્રણ કૃષિ કાયદાને પરત લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, અમે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. આ પહેલા પણ અમે તેમની સાથે વાતચીત કરી છે. મોદી સરકાર ખેડૂતોના હિતોને સારી રીતે જાણે છે.



કોંગ્રેસ દ્વારા પણ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ કાયદાને રદ કરવા માટે માંગણી કરવામાં આવી છે.