100 વર્ષથી ઘઉનો પાક કરતાં ખેડૂતોએ નીલગાયના ત્રાસથી રાયડાની વાવણી કરી

| Updated: April 8, 2022 1:28 pm

ગુજરાતમાં ખેડૂતોને ભૂંડ અને નીલ ગાયની પજવણી હવે એક એવા મુકામ પર લાવીને મૂકી દીધા છે કે ખેડૂતો ત્રાસીને પાક ફેરફાર કરી રહ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદ ગ્રામ્ય પંથકમાં એવી હાલત છે જ્યાં એક સદીથી પણ વધુ સમયથી ઘઉંની ખેતી કરતાં ખેડૂતોએ આ વખતે રાયડો કર્યો હતો અને અન્ય ખેડૂતો ઘઉં સિવાયના બીજા પાકથી ખેતી કરી હતી.

છેલ્લા કુલ 10 વર્ષની વાત કરીએ તો ચરોતર વિસ્તારમાં અને મધ્ય ગુજરાતના મુખ્ય જિલ્લાઓ\માં, ગાંધીનગર સહિત નિલગાયોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, એક આંકડા અનુસાર 10 વર્ષમાં 110 % જેટલો નિલગાયોનો વસ્તી વધારો થવા પામ્યો છે, જેના પરિણામે નિલગાયો સડક પર સામાન્ય વાહનચાલકોને અને ખેતરોમાં ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી છે. 

ચરોતર પંથકમાં નડિયાદના ડાકોર રોડ ઉપર આવેલા વિસ્તારોમાં ખેડૂતોએ નિલગાયોના આતંકથી બચવા માટે ઘઉંની જગ્યાએ રાયડાનો પાક કર્યો હતો. નિલગાયો વિશે ખેડૂતોમાં એવી ચર્ચા છે કે જે તમાકુ માણસ સિવાય અન્ય કોઈ પ્રાણી પણ ન ખાય એ તમાકુ નીલગાય ખાઈ જાય છે.

ખેડા જિલ્લાના મહોળેલ ગામના ખેડૂત આગેવાન કાંતિભાઈ સોલંકીએ જણાવ્યું કે અમે 5 વર્ષ પહેલા ખેડૂતોની સાથે નિલગાયોના ખેતીમાં ઊભા થયેલા ત્રાસથી મુક્તિ મેળવવા ખેડા જિલ્લા કલેકટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા ગયા હતા કે અમારા પંથકમાં નિલગાયોનો ત્રાસ વધી ગયો છે તેનાથી મુક્તિ અપાવો પરંતુ કોઈ પ્રશ્નનો ઉકેલ મળ્યો નહિ, ખેડૂતો દ્વારા ઘઉંના પાકને બદલે રાયડો કરવામાં આવ્યો અને ખેડૂતોએ પોતાની મહમૂલી જમીનમાં નીલગાયના ત્રાસને કારણે પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.   

ભારતીય કિસાન યુનિયન (અ), ગુજરાત પ્રદેશ પ્રમુખ રવિ પટેલે વાઇબ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે નીલગાય એ શબ્દનો ઉલ્લેખ ખોટો છે, આ વન્ય પ્રાણી છે અને જંગલમાં વસ્તી વધી હોવાથી હવે ગ્રામ્ય વિસ્તારોમાં આવી ગયેલ છે. તે પૂર ઝડપે દોડતું હોવાથી એનેક વખત વાહન ચાલકો સાથે અથડાઇને અકસ્માત કરે છે અને કેટલાય મનુષ્યોના જીવ ગયા છે અને આ વન્ય  જીવ ઝુંડમાં રહેવા માટે ટેવાયેલું છે જેથી જે કોઈ ખેતરમાં પ્રવેશ કરે ત્યારે તે તમામ પાકનું ભોજન કરી ખેડૂતને પાકને નુકસાન કરે છે. પરંતુ ખેડૂતોના મહામૂલ પાકના નુકસાનના વળતરની કોઈ જોગવાઈ નથી ત્યારે ખેડૂતને વળતર મળતું નથી અને નુકસાન ભોગવવું પડે છે.  અમારી માંગણી છે કે આ વન્ય પ્રાણી જોડે અમને લાગણી છે પરંતુ આ પ્રાણી વનમાં રહે એની જવાબદારી ફોરેસ્ટ વિભાગની છે, એટલે વિભાગે આ તમામ નિલગાયોને જંગલમાં મોકલવાની કાર્યવાહી કરવી જોઈએ. અમે આવનાર સમયમાં વન મંત્રી અને વન અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆત કરીશું  કે જેથી ચુસ્ત કાર્યવાહી થાય.  

ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાનીએ જણાવ્યું કે ગત અઠવાડિયે ફોરેસ્ટ ઓફિસર ખેડા જિલ્લા સાથે અને કિસાન સંઘ સાથે આ મુદ્દે અગત્યની મિટિંગ યોજાઇ હતી. ડાકોર પેરિફરીનો પ્રશ્ન ઊભો થયો છે ત્યાં ફોરેસ્ટ અધિકારી ખેડૂતો સાથે લાઇન અપ કરીને રૂબરૂ જઈને સાથે બેસીને ચર્ચા કરશે. ખેડૂતો સાથે રહીને નિલગાયોની હલચલના રીડિંગ પણ લેશે અને આ પ્રશ્ન હલ કરવા કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે જેનું ફિલ્ડ વર્ક પણ ચાલુ થઈ જશે.

Your email address will not be published.