અગ્રણી સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલા શનિવારે હૈદરાબાદના બંજારા હિલ્સમાં એમએલએ કોલોની પાસેના તેના બુટિક સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 36 વર્ષીય ફેશન ડિઝાઇનરે ચારકોલ પર અજ્ઞાત રસાયણ નાખીને તેના ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસને શ્વાસમાં લીધા બાદ આત્મહત્યા કરી હોય તેવું જણાય છે.
ચોકીદારે બૂટિકના દરવાજા ખખડાયા બાદ પણ અંદરથી કોઈ જવાબ ન મળતા તેણે બુટિક પરના પ્રત્યુષાના પડોશીઓને જણાવ્યું, જે બાદ આ પાડોશીઓ દ્વારા બંજારા હિલ્સ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને શરૂઆતમાં પ્રત્યુષાના મૃત્યુ પાછળ કોઈ શંકાસ્પદ કારણ જણાતું હતું, પરંતુ બાદમાં ડિઝાઇનરના હાથમાં પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી.
પ્રત્યુષા, જે તેના સામાજિક વર્તુળોમાં ખૂબ જ લોકપ્રિય હતી, તેણે તેની સુસાઈડ નોટમાં આત્મહત્યાનું કારણ “એકલતા” જણાવ્યું હતું. તેણે આગળ લખ્યું હતું કે હવે તે તેના માતા-પિતા પર બોજ બનવા માગતી નથી અને આ આત્યંતિક પગલું ભરવા બદલ તે દિલગીર છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, વધુ વિગતો યુએસબીમાં સેવ કરેલી નોંધમાં છે. જો કે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને રિપોર્ટની રાહ જોઈ રહી છે, પરંતુ અત્યાર સુધી, તેઓએ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
પોતાની બ્રાંડના સ્વ-શિક્ષિત સફળ ડિઝાઇનર, પ્રત્યુષાએ ટોલીવુડ તેમજ બોલિવૂડની સંખ્યાબંધ હસ્તીઓના કપડાં ડિઝાઇન કર્યા હતા અને હૈદરાબાદમાં થતી સેલિબ્રિટીઝ પાર્ટીઓમાં પણ તે વારંવાર જોવા મળતી હતી.
પોલીસે તેના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની કલમ 174 હેઠળ કેસ નોંધ્યો છે. સીઆરપીસીની કલમ 174 શંકાસ્પદ મૃત્યુની જોગવાઈ પૂરી પાડે છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસે તેના મોબાઈલના ડેટાની ચકાસણી કરીને કાર્યવાહી આગળ ધપાવી રહી છે.