બહેરામપુરામાં તું કેમ દરરોજ ખાલી ખોટા ચાલીમાં આટા ફેરા કરે છે, તારા ઘરમાં જઈને ફોન પર વાતો કર કહીને ઝઘડો કરીને યુવક પર છરી વડે હુમલો કરી શખ્સ ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે હુમલાખોરો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બહેરામપુરામાં રહેતા અજય સોલંકી ડીલીવરી બોય તરીકે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે, ગત રાત્રે તે વોકીંગ પર ગયા હતા ત્યારે ફોન આવ્યો હતો અને વાત કરવા લાગ્યા હતા. ત્યારે ચાલીમાં રહેતો અંકીત પરમાર ત્યાં આવ્યો અને તું કેમ દરરોજ ખાલી ખોટા ચાલીમા આટા ફેરા કરે છે, તારા ઘરમાં જઈને ફોન પર વાતો કર તેમ કહેવા લાગ્યો હતો. જે કે અજયે તેને શાંત રહેવાનુ કહેતા ઉશ્કેરાયેલા અંકીતે ઝઘડો કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ધાકધમકી આપવા લાગ્યો હતો.
આ હુમલામાં ઈજાગ્રસ્ત અજયભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા. આસપાસના લોકોને ઘટનાની જાણ થતા તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા, જે જોઈને હુમલાખોર અંકીત ત્યાંથી ફરાર થઈ ગયો હતો, બાદમાં ઈજાગ્રસ્ત અજયભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દાણીલીમડા પોલીસને ઘટનાની જાણ થતા કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં અંકીતના સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.