માસૂમનો શું વાંક? કડકડતી ઠંડીમાં બાળકને રસ્તા પર મૂકી પિતા ફરાર

| Updated: January 15, 2022 2:49 pm

બોડેલી એસ.ટી. ડેપોમાં એક બાળકને તરછોડી તેના પિતા પલાયન થઈ જતા ચકચાર મચી ગઇ હતી. બાળક સાથે બોડેલી અને રાજકોટના યુવાનોએ આખી રાત વિતાવી હતી. કાતિલ ઠંડીમાં થર થર કાંપતા બાળકને ખુલ્લું રાખી તેનો પિતા ત્રણ ધાબળા ઓઢી સુઈ ગયો હતો. મળસ્કે 3-30 વાગ્યે બાળકને રેઢું મૂકી ક્યાંક ભાગી જતા ડેપોમાં હાજર પેસેન્જરો પણ માસૂમ બાળકને અટુલું છોડી જનાર તેના પિતા પર ફિટકાર વરસાવતા હતા.બાળકને સવારે પોલીસ મથકે લઇ જવાયું હતું જ્યાંથી 181 અભયમની ગીતાબેન ખાંડની ટિમ જે છોટાઉદેપુરથી તેમની કામગીરી અર્થે આવેલ તેમણે છોટાઉદેપુર ગંતવ્ય સ્થાને પહોંચાડવા પ્રયાસો કર્યા હતા.

જોકે બપોરે બાળકના પિતાનો પોલીસને પત્તો લાગતા તેના પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલ ધારીયાકાંટા ગામે બાળકની માતાને તેડવા અને માતા પિતાને બાળક સોંપવા તજવીજ હાથ ધરી હતી. બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આ બનાવ આખો દિવસ ચર્ચાના ચગડોળે ચઢેલો રહ્યો હતો.

છેલ્લા છ મહિનાથી બોડેલી એસ.ટી.ડેપો આગળની ફૂટપાથ પર આશરો લઈ વસતા શ્રમજીવી નાયક દંપતિ વચ્ચે કોઈક અગમ્ય કારણોસર વિવાદ સર્જાતા વિશાલ નાયક(બાળકનો પિતા) ને છોડી પત્ની જતી રહી હતી. આ આદિવાસી દંપતીને એક વર્ષનું બાળક પણ છે. ગતરોજ રાત્રે 8 વાગ્યે વિશાલ નિત્યક્રમ પ્રમાણે એસ.ટી ડેપોની ફૂટપાથ પર બાળકને સાથે રાખી સુઈ ગયો હતો. દરમ્યાન ત્યાં કેટલાક પસેન્જરો પણ હાજર હતા. રાત્રે 10-30 વાગ્યાના સુમારે રાજકોટના એક યુવાન રોહિત પટેલ જે શ્રી હરિ કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે તથા અલીપુરાની ચન્દ્રજ્યોતિ સોસા.માં રહેતા શિવશક્તિ યુવક મંડળના કાર્યકર યુવાન કુંજ પંચાલ અને તેના મિત્રોએ બાળકના પિતા ત્રણ ધાબળા ઓઢી સુઇ ગયેલ અને બાળક કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતું હતું જેના પર કોઈ વસ્તુ ઓઢાવેલ પણ ન હતું.

આ યુવાનોના જણાવ્યા પ્રમાણે બાળકનો પિતા દારૂના નશામાં હતો .તેમ છતાં માનવતાના નાતે તેને સમજાવી બાળકને ઠંડી લાગતી હોય તેની કાળજી લેવા પણ કહેલું. મળસ્કે 3-30 વાગ્યે અગમ્ય કારણોસર બાળકનો પિતા તેના એક વર્ષના માસૂમ પુત્ર મેહુલને ફુટપાથ પર એકલો તરછોડી ભાગી ગયો હતો. જેને લીધે સ્થળ પાસે હાજર પેસેન્જરો અને યુવાનો ઠંડીમાં ઠુઠવાઇ રડતા કકળતા બાળકને જોઈ દ્રવી ઉઠ્યા હતા. તેના પિતાને શોધવા મળસ્કે બાઇકો લઈ વિસ્તારને તેઓ ખૂંદી વળ્યાં હતા. જોકે વિશાલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન તેઓ એકલા અટૂલા બાળકની સંભાળ લઇ તેના માટે દૂધ,ઓઢવાનું વસ્ત્ર સહિતની વ્યવસ્થા કરી કાખમાં બાળકને લઈ આખી રાત તેના પિતાને શોધતા રહ્યા હતા. તેમણે મળસ્કે બોડેલી પોલીસને પણ ઘટના અંગે જાણ કરી હતી. સવારે 8 વાગ્યે પોલીસ સ્ટેશને બાળક લવાયું હતું. જ્યાં બાળકને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવા તજવીજ કરાઈ હતી.

અભયમ હેલ્પલાઇનની ટીમે બાળકનો કબ્જો લઇ છોટાઉદેપુર ચિલ્ડ્રન હોમ પહોચાડ્યું

બોડેલી પોલીસ મથકે નોંધારા બાળકને લઈ મદદગારી કરનાર યુવાનો સવારે આવ્યા ત્યારે યોગાનુયોગ મહિલા હેલ્પલાઇન અભયમ 181 ની ટિમ કોઈક મહિલા ની ફરિયાદ સંદર્ભે તેમની ફરજ નિભાવવા આવી હતી 181 ટીમના ગીતા ખાંડ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલે આ સઘળી હકીકત નોંધી બાળક માટે તારણહાર બનતા તેને છોટાઉદેપુર ચિલ્ડ્રન હોમમાં પહોંચાડવા જવાબદારી લઈ તુરંત બાળકને તેમની ગાડીમાં લઈ ગયા હતા.181 અભયમની ટીમે બખૂબી ભૂમિકા અદા કરતા રઝળતા બાળકને ન્યાય મળે તેના પ્રયાસો કરતા જિલ્લામાં તેઓની ભારોભાર પ્રસંસા થઈ રહી છે.

બાળકના પિતા મળી આવતા પોલીસે શિવરાજપુરની વાટ પકડી!

એક વર્ષના માસુમ મેહુલ નાયકને છોટાઉદેપુર ચિલ્ડ્રન હોમમાં ખસેડાયો તે પછી બે કલાકમાં જ પોલીસને બાળકને તરછોડનાર પિતા વિશાલ નાયકનો બોડેલીમાંથી પત્તો લાગ્યો હતો.બોડેલી પોલીસ વિશાલને લઈ પંચમહાલ જિલ્લામાં આવેલ શિવરાજપુર તરફના ધારીયાકાંટા ગામે બાળકની માતા પાસે જવા રવાના થયા હતા.બાળકના માતાપિતાને સમજાવી માસુમનો કબ્જો તેમને સોંપવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા.

Your email address will not be published.