દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણસભામાં પૂર્વ વાઇસ ચેરમેનના પુત્રના ગોળીબારથી દહેશતનો માહોલ

| Updated: June 14, 2022 3:29 pm

મહેસાણાઃ દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પૂર્વે ભૂતપૂર્વ વાઇસ ચેરમેનના પુત્રએ ગોળીબાર કરતા દહેશતનો માહોલ સર્જાયો છે. એજીએમ શરૂ થતાં પૂર્વે ડેરી સંકુલની બહાર વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ હતી. સાધારણ સભામાં પ્રવેશના મામલે ઘર્ષણ થતાં ડેરીના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઇને ઇજા પહોંચી હતી. તેના લીધે તેમનો પુત્ર ઉશ્કેરાયો હતો અને તેણે હવામાં ફાયરિંગ કર્યુ હતું. જો કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે સાધારણ સભા પૂર્વે મોંઘજીભાઈ દેસાઈ પર હુમલો થતાં સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ ફાયરિંગમાં એકને ઇજા થઈ હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. ફાયરિંગમાં ડેરીના સિક્યોરિટી ઇન્ચાર્જને ગોળી વાગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડેરીના સિક્યોરિટી ઇન્ચાર્જ જયંતિભાઈ ચૌધરીને ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જયંતિભાઈ ચૌધરીને મહેસાણા સિવિલમાં ખસેડાયા છે. મોઘજી દેસાઈના પુત્રએ કરેલા ફાયરિંગમાં ગોળી વાગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જો કે આ હોબાળા વચ્ચે પણ દૂધસાગર ડેરીની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન મોઘજી દેસાઈ દ્વારા ડેરીના નવા પાવડર પ્લાન્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે ડેરીના વર્તમાન સત્તાધીશો પર આરોપ મૂક્યો છે કે હાલમાં ડેરી ખાતે પ્રતિ દિન 160 મેટ્રિક ટનના ચાર પાવડર પ્લાન્ટ ઉપલબ્ધ છે. હાલના પ્લાન્ટની ક્ષમતા કરતાં અડધુ વેચાણ થાય છે તો પછી નવો 280 કરોડનો પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય શા માટે લેવાયો છે.

આજની ડેરીની સાધારણ સભામાં પાવડર પ્લાન્ટ બનાવવાનો ઠરાવ રદ કરવાની માંગ પણ મોંઘજીભાઈ દ્વારા કરવામાં આવી છે. તેના લીધે આજની સભામાં આ મુદ્દે વાદવિવાદ થાય તેવી સંભાવના છે. જો કે આ મુદ્દે ડેરીના સત્તાધીશોએ હાલમાં કશું કહેવાનો ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ અંગે જે પણ નિર્ણય થશે તે સભામાં જ લેવામાં આવશે અને સભામાં જ જણાવવામાં આવશે. તેના અંગે જાણકારી મેળવવાનો અધિકાર ફક્ત સભાસદોને જ છે. અમે તેઓને જાણ કર્યા પછી જ મીડિયા કે બીજા માધ્યમોને તેની જાણ કરીશું.

Your email address will not be published.